કેપટાઉન: સાઉથ આફ્રિકામાં યોજાયેલા ટી-20 વિમેન્સ વર્લ્ડ કપમાં એક અમ્પાયરે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા-આફ્રિકા મેચમાં ઈંગ્લેન્ડની એના હેરિસે ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવી ઈતિહાસ રચ્યો. માત્ર 24 વર્ષ 118 દિવસની એના મેજર આઇસીસી ઈવેન્ટ (પુરુષ-મહિલા બંને)માં અમ્પાયરિંગ કરનાર બીજી સૌથી યુવા બની છે. રેકોર્ડ સાઉથ આફ્રિકાની લોરેન એગેમબેગના નામે છે, જેણે માત્ર 23 વર્ષની વયે ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કર્યું હતું.
એના અગાઉ 2021માં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મહિલા વન-ડેમાં અમ્પાયરિંગ કરી ચૂકી છે. તે સમયે તે 22 વર્ષની હતી અને કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરનાર સૌથી યુવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. એના હેરિસ હાલ કાર્ડિફ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી છે. તે કોરોના કાળમાં હેલ્થકેર સપોર્ટવર્કરની ભૂમિકા ભજવી ચૂકી છે.
શાળા સમયે ક્રિકેટ રમતા તેમાં રસ વધ્યો તો માતાને ટ્રેનિંગ માટે કહ્યું. જે પછી માતાએ જ અમ્પાયરિંગના કોર્સ માટે પ્રેરિત કરી કારણ કે તેઓ પોતે પ્રોફેશનલ અમ્પાયર હતા. મે 2021માં એનાએ ઈંગ્લેન્ડ પ્રીમિયર લીગની ઓલ ફિમેલ અમ્પાયરિંગ જોડીમાં સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો હતો. એના કહે છે કે, ‘2021માં બે મહિલા અમ્પાય૨ને જોઈ લોકોએ ઉત્સાહજનક પ્રતિક્રિયા આપી હતી કે આવું અગાઉ કેમ ના થયું. હું વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગને મળવા ઇચ્છું છું. તે ઘણી યુવતીઓ માટે પ્રેરણાસ્રોત છે.’