અત્યારની ફાસ્ટ લાઇફને કારણે દરેક વ્યક્તિનું જીવન વધારે વ્યસ્ત થઇ ગયું છે. આમાં પણ ખાસ કરીને મહિલાઓનું. ઘર અને કરિયરને બેલેન્સ કરતી સ્ત્રી પોતાની ત્વચાની સારસંભાળ નિયમિત રીતે રાખી શકતી નથી. કામનું ટેન્શન અને ખોરાકની અસર પણ ત્વચા પર પડે છે. ટૂંકમાં, એવું કહી શકાય કે બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે હેલ્થકેર અત્યારે જરૂરી બની ગઇ છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો એની સીધી અસર ત્વચા પર પડે એ સ્વાભાવિક છે. પરિણામે સ્ત્રીઓના ચહેરા ઉપર સમય કરતાં પહેલાં જ ઉંમરનો આભાસ થવા લાગે છે.
સ્ત્રીઓ હંમેશાં એવું ઇચ્છતી હોય છે કે તે કાયમ યંગ દેખાય. કમસે કમ પચાસી વટાવે ત્યાં સુધી તો સ્ત્રી પોતાની જાતને યંગ ફીલ કરી શકે અને તેનો ચહેરો એની ઉંમરની ચાડી ન ખાય તેવી અપેક્ષા તેમને હોય છે. આ આશા પૂરી કરવા માટે તમારે તમારી ત્વચાની ખાસ કાળજી રાખવાની જરૂર છે. ખાસ કરીને અમુક ઉંમર થાય તે પછી ત્વચાની કાળજી રાખવી અગત્યની બની જતી હોય છે. હા, પહેલાં કરતાં બ્યુટી પ્રોડક્ટ્સ વધી છે, પરંતુ ઘણી વખત ક્યારે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ એનો યુવતીઓને ખ્યાલ હોતો નથી.
ત્વચાને યંગ રાખવા નિયમિત ફેસિયલ ઉપરાંત એન્ટિ એજિંગ ક્રીમ પણ અસરકારક ભાગ ભજવે છે. એન્ટિ એજિંગ ક્રીમ લગાવીને તમે તમારી સ્કિનના ઘણા પ્રોબ્લેમ ટાળી શકો છો, પરંતુ એન્ટિ એજિંગ ક્રીમ લગાવવાની સાચી ઉંમર કઈ કહેવાય? એ અંગે તેઓ કન્ફ્યૂઝ હોય છે. અત્યારનાં ખાનપાન અને લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીએ તો યુવતી જ્યારે 30 વર્ષની થાય કે તેણે એન્ટિ એજિંગ ક્રીમ લગાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે એન્ટિ એજિંગ ક્રીમનો ચાલીસી વટાવ્યા બાદ ઉપયોગ કરાતો હોય છે, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. ચાલીસી વટાવ્યા બાદ તમે નિયમિત આ ક્રીમ વાપરશો તો તેની અસર તમારી ત્વચા પર જેટલી થવી જોઇએ એના કરતાં ઓછી થશે.
ત્વચા યંગ લાગે અને ચહેરા પર ઉંમરની અસર ન વર્તાય એવું જો તમે ઇચ્છતા હોવ તો તેનો ઉપયોગ કરવાની શરૂઆત ત્રીસ વર્ષથી કરવી જોઇએ. ત્રીસી વટાવ્યાં બાદ નિયમિત એન્ટિ એજિંગ પ્રોડક્ટ્સ લગાવવી જોઇએ. એની અસર ધીરેધીરે ચહેરા પર દેખાવાનું શરૂ થશે અને ચાલીસ વર્ષની વયે પણ તમે યંગ અને બ્યુટિફુલ દેખાશો.
એન્ટિ એજિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી કે જો તમે નાઇટ ક્રીમ ખરીદી રહ્યાં હોવ તો તેનો ઉપયોગ રાતના સમયે જ કરવો જોઇએ. એનો ઉપયોગ દિવસના સમયે ન કરવો જોઇએ. દિવસે તેનો ઉપયોગ કરશો તો તેની અસર ત્વચા ઉપર દેખાશે નહીં. અને હા, એન્ટિ એજિંગ ક્રીમ ફેસવોશ કર્યા બાદ લગાવવી. સારું રિઝલ્ટ જોઈતું હોય તો સારી કંપનીની એન્ટિ એજિંગ ખરીદવાનું પસંદ કરવું જોઇએ.