અબુ ધાબીઃ અમેરિકી વાયુ સેનાની પાઈલટ કેપ્ટન એમિલી થોમ્પસને એક ગુપ્ત હવાઈ હુમલા દરમિયાન એફ-૩૫એ ફાઈટર જેટમાં ઊડાન ભરવાની સાથે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે કેપ્ટન થોમ્પસન એફ-૩૫ ફાઈટલ જેટને એક મિશન અંતર્ગત ઉડાડનારી સૌપ્રથમ મહિલા પાઈલટ તરીકેની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. અમેરિકી સૈન્યમાં 'બાન્ઝાઈ' તરીકેની ઓળખ ધરાવતી એમિલી થોમ્પસને સંયુક્ત આરબ અમીરાતના અલ ધાફ્રા એરબેઝ પરથી આ ઉડાન ભરી હતી. જોકે અમેરિકી વાયુસેનાએ આ હુમલા અંગે વિશેષ વિગતો જાહેર કરી નહોતી. મધ્ય એશિયાના કોઈ સ્થળ પર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હોવાનું મનાય છે.
વાયુસેનાની યાદીમાં જણાવાયું હતું કે, કેપ્ટન એમિલી થોમ્પસને પાંચમા તબક્કાના એફ-૩૫એ લાઈટનિંગ-ટુ જોઈન્ટ સ્ટ્રાઈક ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, એક મહિલા તરીકે આ સમયે હું વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહી છું. મારા કરતાં પહેલા ઘણી મહિલાઓ આ ક્ષેત્રમાં આવી હતી અને ઘણી મહિલાઓ અન્ય પ્લેટફોર્મ્સ પર આ પ્રકારના ફાઈટલ એરક્રાફ્ટ ઉડાડતી જ હોય છે. જોકે આ તક મને મળી તેનાથી હું ખુશ છું.
એરફોર્સ એેન્જિનિયર બનવાના સ્વપ્ન સાથે સેનામાં જોડાયેલી થોમ્પસને ત્યાર બાદ પાઈલટ બનવા માટે કમર કસી હતી અને તેમાં તે સફળ રહી હતી. તેણે કારકિર્દીની શરૂઆતમાં એફ-૧૬ ફાઈટિંગ ફાઈટર્સ ઉડાડયા હતા. આ પછી તેની બદલી એફ-૩૫ એ ફાઈટર જેટ ઉડાડનારી ટીમમાં થઈ હતી.