ન્યૂ યોર્કઃ યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ અદા કરી ચૂકેલી મેડિસન માર્શે મોટી સફળતા હાંસલ કરીને હવે મિસ અમેરિકાનો તાજ જીતી લીધો છે. મેડિસન માર્શ પ્રથમ મહિલા સૈન્ય અધિકારી છે જેણે લશ્કરી સેવામાં રહીને આ પ્રતિષ્ઠિત તાજ જીતી લેવામાં સફળતા મેળવી છે. મેડિસન માર્શે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ યુએસ એરફોર્સમાં સામેલ થઈ હતી.
22 વર્ષીય માર્શે આ સ્પર્ધામાં સામેલ થયેલી 50 સ્પર્ધકોને પછડાટ આપીને બ્યૂટિ ટાઇટલ જીત્યું છે. આ વર્ષે ફ્લોરિડા સ્ટેટમાં યોજાયેલી મિસ અમેરિકા સ્પર્ધામાં ભાગ લઈને મેડિસને ઇતિહાસ સર્જયો હતો. આ પહેલાં મેડિસને ગયા વર્ષે મે મહિનામાં મિસ કોલોરાડોનો તાજ જીત્યો હતો. માર્શે યુએસ એરફોર્સમાં પણ તેની કામગીરી બદલ સન્માન મેળવ્યું છે.