જાડા પટાવાળી કાળી નાગ ફૂતકારા જસી,
નીસરી કપાળી ઝાળ,ઇસરી નરાટ ક્રોધાળી પાતાળી વાળી,
દૂસરી નાગણી કાળી, પણાં વખઝાળી નરાંવાળી ચંદ્રપાટ....
આ દુહો એવું કહે છે કે, દ્રઢ જાડા પટાવાળી, કાલિય નાગના કરાળ ફુત્કાર જેવી, રુદ્રના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલ જ્વાળા સમાન મૃત્યુદાયી, પાતાળમાંથી પ્રગટેલી રોષાળ નાગણી જેવી એ વિષની જ્વાળા રુપ તલવાર ચાલી... કહેવાય છે કે રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર !
ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી આ તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શસ્ત્ર બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે ! કોમનવેલ્થ ગેમ્સમાં દેશને સુવર્ણ ચંદ્રક અપાવનાર પણ પ્રથમ પણ ભવાની જ છે !
ભવાની દેવીનું પૂરું નામ ચડલવાદા અનંધા સુંદરરમન ભવાની દેવી છે. પ્રચલિત નામ સી.એ. ભવાની દેવી. જન્મ તમિળનાડુના ચેન્નાઈમાં ૨૭ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. ભવાનીનું શાળાનું શિક્ષણ ચેન્નાઈના મુરુગા ધનુષકોડી ઉચ્ચ માધ્યમિક સરકારી કન્યાશાળામાં થયું. કેરળની ગવર્મેન્ટ બ્રેનન કોલેજમાંથી સ્નાતક થઈ. એ પછી ચેન્નાઈની સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો.
ભણતર તો પૂરું કર્યું, પણ ભવાનીની રુચિ તલવારબાજીમાં હતી. અભ્યાસ કાળમાં જ ભવાની દેવીને તલવારનો પરિચય થયેલો. મુરુગા ધનુષકોડી કન્યાશાળામાં ભણતી વખતે ભવાનીએ ૨૦૦૪માં જ તલવારબાજી શરૂ કરેલી. જોકે એ વખતે તલવારબાજીમાં કારકિર્દી ઘડવાનો વિચાર એણે કર્યો નહોતો. એ સંદર્ભ્રે વાત કરતાં એક મુલાકાતમાં ભવાનીએ કહેલું કે, ‘બન્યું એવું કે છઠ્ઠા ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ લીધો. એ વખતે રમતમાં મને તલવારબાજી સહિત છ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરવાનો હતો. હું શાળામાં જોડાઈ ત્યારે તલવારબાજી સિવાયની પાંચેય રમતમાં એકેય ખાલી જગ્યા નહોતી. એથી મારે માટે તલવારબાજી એ જ એકમાત્ર વિકલ્પ બચેલો... મેં તલવારબાજી કરવાનો નિર્ણય લઈ લીધો.’
આરંભે ભવાનીએ બળબળતી બપોરે તલવારબાજીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. જોકે ઈલેક્ટ્રોનિક તલવાર ખરીદવા માટે નાણાંકીય સગવડ ન હોવાને કારણે પોતાના અભ્યાસ માટે ભવાની અવારનવાર અન્ય ખેલાડીઓ પાસેથી તલવાર ઉધાર લેતી. એણે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ લઈને વ્યાવસાયિક રીતે તલવારબાજી શરૂ કરી.
માધ્યમિક શિક્ષણ પૂરું થયા પછી ભવાની કેરળના થાલાસ્સેરી ભારતીય ખેલ પ્રાધિકરણ કેન્દ્રમાં જોડાઈ. પંદર વર્ષની ઉંમરે ભવાનીએ તુર્કીમાં આયોજિત જુનિયર વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આર્થિક તંગી હતી. માતા રમાનીએ મિત્રો અને સંબંધીઓ પાસેથી નાણાં ઉધાર લીધેલાં. એણે પોતાનાં ઘરેણાં સુદ્ધાં ગીરવે મૂકી દીધેલાં.
માતાની મહેનતનું મીઠું ફળ દીકરીને મળ્યું. ભારતીય તલવારબાજ ટીમને ૨૦૦૯માં મલેશિયામાં યોજાયેલી જુનિયર કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. ભલે ચંદ્રક ટીમને મળેલો, ભવાની એનો હિસ્સો હોવાથી ભવાનીનો એ પહેલો ચંદ્રક. ચીનમાં યોજાયેલી એશિયન તલવારબાજી પ્રતિયોગિતાની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને ૧૫-૧૦ થી હરાવીને ભવાની દેવી સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તલવારબાજ બની. કાંસ્ય ચંદ્રક જીતીને એણે ઈતિહાસ રચ્યો.
દરમિયાન ટોકિયો ઓલિમ્પિકમાં પણ ભવાની દેવીને તલવારબાજી કરવાની તક મળેલી. ૨૬ જુલાઈ ૨૦૨૧નો દિવસ ભારતીય તલવારબાજીના ઈતિહાસમાં નોંધાઈ ગયો. કારણ કે ભવાની દેવી દુનિયાની સૌથી મોટી સ્પર્ધા ઓલિમ્પિકમાં તલવારબાજી કરનાર પહેલી ભારતીય ખેલાડી બનેલી.
ભવાની તલવારબાજી માટે તડપે છે અને એના ખેલને અઢળક પ્રેમ કરે છે. ખેલને પણ એક જંગ ગણીએ તો, એમ કહી શકાય કે, ભવાની માટે રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર છે !