ભાવનગરઃ મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા કુડા ગામની વતની દિવ્યાંગ યુવતીએ સાર્થક કરી બતાવી છે. પાયલ બારૈયા નામની યુવતી એક પગથી દિવ્યાંગ છે. તેણે આ શારીરિક અક્ષમતા છતાં મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટર્ફ ફેડરેશન દ્વારા કંબોડીયામાં યોજાયેલી ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
વિગતવાર માહિતી જોઈએ તો ઘોઘા તાલુકાના નાના એવા કુડા ગામમાં રહેતી પાયલ બારૈયા એક પગથી દિવ્યાંગ હોવા છતાં નાનપણથી જ રમતગમતમાં રુચિ ધરાવતી હતી. તે વાડી વિસ્તારમાં રહેતી હતી કે જ્યાં દોડવા માટે કોઈ પણ પ્રકારનું મેદાન પણ નહોતું. છતાં સમયના વહેવા સાથે દોડમાં તેની વિશેષ રુચિ વધી. તેને મુશ્કેલી તો બહુ પડી, પણ ક્યારેય હિંમત ન હારી, અને આજે તેની મહેનત રંગ લાવી છે.
સૌરાષ્ટ્રના ગોહિલવાડમાં એક સામાન્ય પરિવારની પાયલના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને માતા આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે. પાયલે દિવ્યાંગતાને હાવી થવા દીધા વગર ખૂબ જ મહેનત કરીને કંઈક કરી છૂટવાની ભાવના સાથે દેશપરદેશના સીમાડા ઓળંગીને વિદેશમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એમ જ પાયલે મનથી નક્કી કરી રાખ્યું હતું કે દિવ્યાંગ હોવું એ માત્ર શારીરિક ખામી છે, પણ જો મનથી દૃઢ નિર્ણય કર્યો હોય અને કંઈક કરી બતાવવાની ભાવના ધરાવતા હોય તો શારીરિક ખામી ક્યારેય અડચણરૂપ બનતી નથી.
એશિયન ટ્રેક એન્ડ ટર્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગયા જાન્યુઆરીમાં દિલ્હી ખાતે પાંચમા દિવ્યાંગ રમતોત્સવનું આયોજન થયું હતું. જેમાં પાયલે પહેલા નંબર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી સંસ્થા દ્વારા કંબોડિયામાં ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું, જેમાં પણ પાયલે ગોલ્ડ મેડલ જીત્યો છે. કંબોડિયામાં એશિયાના 16 દેશના સ્પર્ધકો વચ્ચે સીધી સ્પર્ધા હતી, જેમાં ‘સી’ ગ્રૂપમાં 100 મીટર દોડમાં પાયલે ગોલ્ડ મેડલ જ્યારે 200 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.