લંડનઃ કોરોના મહામારીનો કાળો ઓછાયો દૂર કરવા વિશ્વભરના વિજ્ઞાનીઓએ જે ભારે જહેમત ઉઠાવી છે તેમાં મહિલાઓનો ફાળો ઓછો નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાની ‘ChAdOx1 nCoV-19’ વેક્સિનને બ્રિટિશ સરકારે ઉપયોગની મંજૂરી આપી છે અને તેની સાથે જ પાંચ મહિલાના નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયાં છે. વેક્સિનના ઉત્પાદનમાં સંકળાયેલી આ મહિલાઓમાં પ્રોફેસર સારાહ ગિલ્બર્ટ, બાયોલોજિસ્ટ કેથેરાઈન ગ્રીન, ડો. માહેશી રામાસામી, પ્રોફેસર ટેરેસા લામ્બે અને ડો. એલિસા ગ્રેનાટોનો સમાવેશ થાય છે.
કોરોના વાઈરસ મહામારીના પગલે સતત ૧૧ મહિના માઈક્રોસ્કોપ્સ અને પાઈપેટ્સમાં માથુ નાખીને કાર્ય કર્યા પછી ૨૨ નવેમ્બરે ઓક્સફર્ડના વિજ્ઞાનીઓ અને ડોક્ટર્સને જાણ થઈ કે તેમની જહેમત રંગ લાવી છે અને વેક્સિન અસરકારક નીવડી છે ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો નહિ.
ત્રણ સંતાનોની ૫૮ વર્ષીય માતા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે વેક્સિનની ડિઝાઈન કરી છે જ્યારે બાયોલોજિસ્ટ કેથેરાઈન ગ્રીને વેક્સિનના પ્રથમ ડોઝીસ બનાવાયા તે સેલ કલ્ચરનું સર્જન કર્યું હતું. ચેપી રોગોના ૪૩ વર્ષીય કન્સલ્ટન્ટ ડો. માહેશી રામાસામીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ ટ્રસ્ટના વોર્ડ્સમાં કાર્ય કરતી વખતે વાઈરસની વિનાશક અસરો નિહાળી હતી અને હવે ક્લિનિકલ ટ્રાયલ્સ ટીમનું વડપણ કરે છે. ઓક્સફર્ડ ટીમના અગ્ર ઈન્વેસ્ટિગેટર પ્રોફેસર ટેરેસા લામ્બે ઓક્સફર્ડની વેક્સિનને મંજૂરી મળ્યાના સમાચારથી ‘અવાક’ થઈ ગયાં હતાં.
યુકેથી ૫,૦૦૦ માઈલ દૂર ચીનના વુહાનમાં ન્યૂમોનિયા જેવાં લક્ષણો દર્શાવતા નવા વાઈરસના અહેવાલ બહાર આવ્યો હતો. ૨૫ વર્ષથી ઈમ્યુનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલાં પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે ધારી જ લીધું કે એક દિવસ કોઈ વાઈરસ દુનિયામાં ભારે ઉથલપાથલ મચાવશે. પ્રો. ગિલ્બર્ટે કોરોનાવાઈરસીસ સહિત વિવિધ પ્રકારના વાઈરસ સામે લડી શકે તેવા ‘પ્લગ એન્ડ પ્લે’ પ્રકારના વેક્સિનની ડિઝાઈન તૈયાર કરેલી જ હતી. હવે તેનો સમય આવી પહોંચ્યો હતો.
વિચિત્ર નોવેલ વાઈરસના જિનેટિક કોડિંગની માહિતી ગત વર્ષની ૧૧ જાન્યુઆરીએ મળવા સાથે જ પ્રોફેસર સારાહ ગિલ્બર્ટ અને તેમની ટીમ કામે લાગી ગઈ હતી અને ૧૩ જાન્યુઆરીએ તો મૂળ વેક્સિન ડિઝાઈનમાં સુધારાવધારા પણ કરી દેવાયા હતા. પહેલું કદમ તો માંડી દેવાયું પરંતુ, લાંબી દડમજલ બાકી હતી. હવે ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નાણાભંડોળની તાતી જરુર હતી પરંતુ, ‘બિગ ફાર્મા’ નામે ઓળખાતી ડ્રગ ઈન્ડસ્ટ્રી વળતરની ગેરંટી વિના નાણા આપવા ખચકાતી હતી.
ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપના વડા એન્ડ્રયુ પોલાર્ડ ચિત્રમાં આવ્યા અને ત્રણ મહિના તો સંભવિત ઈન્વેસ્ટર્સના લોબીંગ કરવામાં લાગી ગયા. આખરે ૨૩ માર્ચે બોરિસ જ્હોન્સને પ્રથમ નેશનલ લોકડાઉનની જાહેરાત કરી અને ૯૦ મિલિયન પાઉન્ડના ભંડોળ સાથે વેક્સિન સલામત અને અસરકારક નીવડે તો ૧૦૦ મિલિયન ડોઝીસ ખરીદવાની ખાતરી પણ આપી હતી. જોકે, તકલીફો તો પાર વિનાની હતી. ઓક્સફર્ડ ટીમ પાસે PPEની અછત હતી અને ટ્રાયલ્સમાં ભાગ લેનારાના તાપમાન માપવા યુરોપભરમાંથી થર્મોમીટર્સ ઉઘરાવવા પડ્યા હતા. જોકે, વોલન્ટીઅર્સની ભરતીમાં કોઈ જ મુશ્કેલી ન નડી, ૧૦,૦૦૦ બહાદુર અને નિઃસ્વાર્થી લોકો ઓક્સફર્ડના જંગમાં જોડાઈ ગયા હતા.
આ નિઃસ્વાર્થી લોકોમાં ઓક્સફર્ડમાં જ ૩૨ વર્ષીય માઈક્રોબાયોલોજીસ્ટ ડો. એલિસા ગ્રેનાટો પણ છે જેઓ, પ્રાણીઓ પરના પરીક્ષણો પછી આ વેક્સિન લેનારા પ્રથમ માનવી તરીકે આગળ આવ્યાં હતાં. વેક્સિન લીધાના ચાર સપ્તાહ પછીના પરીક્ષણોમાં તેમના શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થયાનું જણાતા આનંદ સર્જાયો હતો. વેક્સિન લેવાથી તેમના મોતની અફવાઓ પણ બહાર આવી. જોકે, ટેલિવિઝન ઈન્ટરવ્યૂ આપી ડો. ગ્રેનાટોએ અફવાનું ખંડન પણ કર્યું હતું.