ઓડિશાના ખોબા જેવડા ગામમાં વસતાં મતિલ્દા કુલ્લુ આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ગયા છે. વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ઓડિશાનાં ૪૫ વર્ષનાં આદિવાસી મહિલા અને આશાવર્કર મતિલ્દા કુલ્લુનો સમાવેશ થયો છે. મતિલ્દા કુલ્લુ દોઢ દસકા કરતાં વધુ સમયથી સુંદરગઢ જિલ્લાના બડગાંવ તાલુકાના ગર્ગડબહલ ગામમાં આશા વર્કર તરીકે કામ કરે છે. આ વિસ્તારમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશાપને નિર્મૂળ કરવામાં મતિલ્દાનું પ્રશંસનીય યોગદાન છે. તેમની આ સિદ્ધિને પગલે જ ‘ફોર્બ્સ’ની યાદીમાં જાણીતા બેન્કર અરુંધતી ભટ્ટાચાર્ય, અભિનેત્રી રસિકા દુગ્ગલ જેવી મહિલાઓ સાથે ૨૦૨૧નાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં મતિલ્દાને પણ સ્થાન અપાયું છે.
મતિલ્દા કુલ્લુનો દિવસ સવારે પાંચ વાગ્યાથી શરૂ થાય છે. પરિવારના ચાર સભ્યની જવાબદારી અને ઘરના પશુઓની સારસંભાળની જવાબદારી નિભાવ્યા બાદ તેઓ સાઇકલ લઇને આશાવર્કરના કામ માટે નીકળે છે. રાજ્યના આરોગ્ય વિભાગ અંતર્ગત કામ કરતાં મતિલ્દા ગામના દરેક ઘરે જઈ નવજાત બાળકો અને કિશોર કન્યાઓનું વેક્સિનેશન, પ્રસૂતિ પહેલાં અને પછીની તપાસ, જન્મની તૈયારી, સ્તનપાન અંગે મહિલાઓને સલાહ, એચઆઇવી અંગેની સાફ-સફાઇ અને સંક્રમણથી બચવાની માહિતી આપવાનું કામ કરે છે.
મતિલ્દા કહે છે કે ‘લોકો માંદા પડતી વખતે હોસ્પિટલમાં જવાનું વિચારતા જ ન હતા. હું તેમને હોસ્પિટલ જવાની સલાહ આપતી હતી ત્યારે તે બધા મારી મશ્કરી કરતા હતા. ધીમે ધીમે મેં લોકોને સાચા અને ખોટાનો અર્થ સમજાવ્યો. આજે લોકો નાની બીમારીનો ઇલાજ પણ હોસ્પિટલમાં કરાવે છે.’ એનો અર્થ એ થયો કે, મતિલ્દાએ પ્રયાસ ન કર્યો હોત તો તેના ગામના લોકો આજે પણ બીમારી માટે હોસ્પિટલ જવાને બદલે કાળા જાદુ કે ભૂવા-જાગરિયાના મંત્રતંત્ર - દોરાધાગા તાવિજનો સહારો લેતા હોત.
મતિલ્દા જણાવે છે કે, કોરોના મહામારીની પહેલી અને બીજી લહેર વખતે તેની જવાબદારી ઘણી વધી ગઈ હતી. તેમને મહામારીના ગાળામાં લોકોના ટેસ્ટિંગ માટે રોજ ૫૦-૬૦ ઘરમાં જવું પડતું હતું. મતિલ્દા જણાવે છે કે, ‘કોરોના મહામારીની પહેલી લહેર ઓછી થયા પછી અને વેક્સિનેશન અભિયાન શરૂ થયા બાદ ગામના લોકોને વેક્સિન લેવા માટે સમજાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.’ મતિલ્દા કુલ્લુના જણાવ્યા અનુસાર તેમને દર મહિને રૂ. ૪,૫૦૦ મળે છે, છતાં ગામના લોકોની સેવા કરીને હું બહુ ખુશ છું.