દરેક માનુનીના વોર્ડરોબમાં વિવિધ પ્રકારના ઈયરિંગ હોય જ છે, પણ ભારતીય પરંપરાગત ઝુમકાં કે ઝુમકી એવાં ઈયરિંગ છે કે તે તમે ગમે ત્યારે કેરી કરી શકો છો. બાળકીઓથી લઈને કોલેજ જતી યુવતીઓ અને ઓફિસે જતી માનુનીઓ કે પછી ગૃહિણીઓ દરેકને કોઈ પણ પ્રસંગે ઝુમકાં જચે છે અને તે કોઈ પણ પ્રસંગે પહેરી પણ શકે છે. અહીં ઝુમકાં કે ઝુમકી પહેરવા બાબતે કેટલીક ટિપ્સ આપેલી છે જે ફોલો કરીને તમે બ્યુટિફુલ લાગી શકો છો.
• દરેકની ઈયરિંગ મામલે પસંદગી અલગ-અલગ હોય છે. આથી જો ક્યારેય પણ પહેરી શકાય અને હાથવગા કે પર્સમાં રાખી શકાય એવા ઈયરિંગની પસંદગી કરવી હોય તો નાની સાઈઝની સોના, ચાંદી, ઓક્સિડાઈઝ કે ધાતુની ઝુમકી રાખવી. તે કોઈ પણ કપડાં સાથે શોભી ઉઠશે.
• જો તમારો ચહેરો ગોળ હોય તો તમે લાંબા ઝુમકાં પહેરી શકો છો અને જો તમારો ચહેરો નાનો હોય તો તમે નાની
નાની ઝુમકી પર પસંદગી ઉતારી શકો છો.
• મોતી અને ચાંદીના ઝુમકા. ઝુમકા હંમેશાં ઈનટ્રેન્ડ જ્વેલરી છે, પણ એમાંય સિલ્વર ઝુમકાં ખૂબ જ પસંદગી પામે છે. તે ખૂબ જ ટ્રેન્ડી પણ છે. એમાંય ચાંદીનાં ઝુમકામાં ચાંદીની નાની કડીઓમાં નાના મોતીની પરોવણી વાળા પરંપરાગત ઝુમકાં ખૂબ જ સુંદર લાગે છે.
• તમે આઉટફિટ ભલે સિમ્પલ પહેર્યો હોય પણ ઘરેણામાં કાનમાં એક માત્ર ઝુમકા પહેરશો તો પણ તમે જુદાં તરી આવશો.
• નાના કે મોટા ઝુમકામાં ફૂલપત્તી, બર્ડ, પોલકાં ડિઝાઈન ઈનટ્રેન્ડ છે. આ પ્રકારનાં હેવિ ઝુમકાં લગ્ન કે પાર્ટીમાં તમે પહેરી શકો છો.
• ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ્સ જેવાં કે સાડી અને અનારકલી સાથે કોઈ પણ પ્રકારનાં ઝુમકાં શોભી જ ઉઠે છે, પણ જો તમે કોઈ વેસ્ટર્ન કે ઈન્ડોવેસ્ટર્ન ઝુમકાં પર પસંદગી ઉતારતાં હો અને તમારે બહુ હેવિ લુક ન જોઈતો હોય તો ઝુમકીઓ પહેરેલી વધુ સારી દેખાશે.
• કોઈ પણ પ્રસંગે હેવિ લુક મેળવવા માટે લાંબા સોનાના ઝુમકાં ખૂબ સુંદર દેખાય છે. લગ્ન જેવાં પ્રસંગે પહેરો એ હેવિ પોશાક સાથે કંદન ઝુમખાં પણ સુંદર લાગશે, પણ ઓફિસ પાર્ટીમાં બહુ ભડકીલા ન હોય તેવાં અને નાની સાઈઝનાં કપડાંને મેચિંગ અથવા ડાર્ક કલરનાં સ્ટોન કે મોતીવાળાં ઝુમકાં પર પસંદગી ઉતારો.