ન્યૂ યોર્કઃ જૂલિયન ગ્રેસે 1971માં પતિની પ્રેરણાથી દોડવાની શરૂઆત કરી હતી. પ્રારંભમાં તેમને દોડવું ગમતું નહોતું. ધીમે-ધીમે ગ્રેસે દોડવામાં અંતરનો વધારો કર્યો અને 1972માં 2 માઈલની દોડમાં ભાગ લીધો અને તેઓ પ્રથમ ક્રમે રહ્યાં હતાં. જોકે તેમને ત્યારે ફિનિશ લાઈન ટેપની ખબર નહોતી. તેઓ તેની નીચેથી નીકળી ગયાં હતાં. જોકે સમય જતાં તેઓ ઘણું શીખ્યા.
1975માં તેમણે પ્રથમ વાર ન્યૂ યોર્કની મિની રનમાં ભાગ લીધો હતો. આ વિશ્વની પ્રથમ ઓલ વુમન રેસ હતી, જેનો પ્રારંભ 1972થી થયો હતો. પ્રથમ રેસમાં 70 એમેચ્યોર રનર્સે ભાગ લીધો હતો. 1975 સુધી (જ્યારે ગ્રેસ પ્રથમવાર દોડ્યાં હતાં) રનર્સની સંખ્યા 276એ પહોંચી હતી. આજે 84 વર્ષીય ગ્રેસ કહે છે કે, ‘હું મહિલા સશક્તિકરણની લાગણી અનુભવી રહી હતી. મેં પોતાને પ્રથમવાર એથ્લીટ તરીકે જોઈ હતી.’
આ વખતની 46મી ન્યૂ યોર્ક મિની રન ગ્રેસ માટે ઘણી ખાસ હતી, કારણ કે - તેમના પરિવારની ત્રણ - ત્રણ પેઢીઓ એકસાથે દોડી હતી. ગ્રેસ ઉપરાંત તેમની 60 વર્ષીય દીકરી ડેડે બેક અને ત્રણ દોહિત્રી (27 વર્ષીય જૂલિયન, 22 વર્ષીય મેલિસા, 21 વર્ષીય એલિસન) પણ રનિંગ ટ્રેક પર ઉતરી હતી. 2010માં ગ્રેસ લગ્નની 50મી એનિવર્સરીને કારણે ન્યૂ યોર્ક મિની રનમાં દોડવાનું ચૂકી હતી, જે એક માત્ર વર્ષ છે જ્યારે તેઓ આ દોડમાં ભાગ લઈ શક્યા નહોતા. આ સિવાયની તમામ દોડમાં તેમણે ભાગ લીધો છે.