ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા : મેરી કોમ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 27th November 2024 06:08 EST
 
 

માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ?
આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે. એમ.સી.મેરી કોમ ભારતની પ્રખ્યાત મહિલા મુક્કેબાજ છે. તે મુક્કેબાજીમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર એ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ સુવર્ણ ચંદ્રક, એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રકની એ વિજેતા છે. ૨૦૧૨માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લેનારી અને ફ્લાયવેઇટ કેટેગરીમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં પોલેન્ડની કેરોલિના મિકાલઝુક અને ટ્યુનિશિયાની મરુઆ રહાલીને હરાવીને કાંસ્યપદક જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. આઈબાએ તેને ૨૦૦૮માં મેગ્નિફિસેન્ટ મેરીના બિરુદથી નવાજી છે. મેગ્નિફિસેન્ટનો અર્થ ભવ્ય, શાનદાર કે પ્રભાવશાળી થાય !
મેરી કોમ એક ખેલાડી તરીકે ભવ્ય, શાનદાર અને પ્રભાવશાળી જ કહી શકાય. ચંદ્રક જીતવાની પરંપરા સર્જનાર મેરી કોમે મુક્કેબાજીમાં મેળવેલી સિદ્ધિઓ પર એક નજર : અમેરિકામાં ૨૦૦૧માં આયોજિત ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એસોસિયેશન-એઆઈબીએ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક, ૨૦૦૨માં તુર્કીમાં આયોજિત એઆઈબીએ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક, ૨૦૦૩માં ભારતમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૫માં તાઈવાનમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૬માં ડેન્માર્કમાં આયોજિત વીનસ વિમેન બોક્સ કપ અને ભારતમાં આયોજિત વર્લ્ડ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૮માં ભારતમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક-૨૦૦૮, ૨૦૦૯માં વિયેટનામમાં આયોજિત એશિયન ઇન્ડોર ગેમ્સઅં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૦માં કઝાકિસ્તાનમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૧માં ચીનમાં આયોજિત એશિયન વિમેન કપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૨માં મોંગોલિયામાં આયોજિત એશિયન વિમેન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૨માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક અને ૨૦૧૪માં દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક... મેરી કોમની આ સફળતાને પગલે ભારત સરકારે પણ તેને વિવિધ પુરસ્કારોથી નવાજી છે. ૨૦૦૩માં અર્જુન એવોર્ડ, ૨૦૦૬માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી, ૨૦૦૯માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ૨૦૧૩માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી પુરસ્કૃત કરી છે. ૨૦૧૬થી ૨૦૨૨ સુધી મેરી કોમ રાજ્યસભાની સભ્ય રહી ચૂકી છે. પણ એને ઓળખ મુક્કેબાજ તરીકેની જ મળી અને ફળી છે!
મુક્કેબાજ મેરી કોમનો જન્મ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં આવેલા કાંગાથેઇ ગામની કોમ જનજાતિમાં ૨૪ નવેમ્બર ૧૯૮૨ના થયેલો. મેરી પિતાને આપા કહેતી. આપા મેરી કોમને લાડમાં સનાહેન કહીને બોલાવતાં, જેનો અર્થ સૌથી વહાલી દીકરી થાય છે! તેમણે મેરીને મોઈરંગની લોકતાક ક્રિશ્ચિયન મોડલ હાઈસ્કૂલમાં દાખલ કરી. મેરી રોજ એક કલાક ચાલીને શાળાએ જતી. એને ભણવા કરતાં ખેલકૂદ પ્રત્યે રુચિ હતી. એ સો મીટર, ચારસો મીટર અને લાંબા અંતરની દોડ જેવી મોટા ભાગની રમતોમાં ભાગ લઈને વિજેતા બનતી.
લોહચુંબક પ્રત્યે ખેંચાતા લોખંડની જેમ મેરીનું રમતો પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. શાળાના આચાર્ય અને શિક્ષકોએ મેરીને રમતગમત જગતમાં કારકિર્દી ઘડવાની સલાહ આપી. તે સમયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મહિલા બોક્સિંગને સામેલ કરવા માટે વિચારણા ચાલતી હતી. બોક્સિંગનું નામ સાંભળી મેરી કોમ તેના પ્રત્યે આકર્ષાઈ.
મેરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જાણીતા બોક્સિંગ કોચ રહેલા ઓજા ઈબોમ્ચા પાસેથી મુક્કેબાજીનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. બોક્સર તરીકે મેરી કોમે ભારતનું નામ ઉજાળ્યું. ચંદ્રકો જીતવાની પરંપરા એણે આરંભી. આખરે ઓલિમ્પિકમાં પણ દેશને ચંદ્રક અપાવ્યો. મહિલા મુક્કેબાજીમાં દેશનો એ પહેલો ચંદ્રક હતો. મેરી કોમ અત્યારે પોતાની સ્પોર્ટ્સ એકેડેમીમાં બોક્સરોને તૈયાર કરી રહી છે. એ બોક્સર બનવા માંગતા યુવાનો અને અન્ય રમતવીરોને એક જ સંદેશ આપે છે : ક્યારેય હાર ન માનતા, કારણ કે જિંદગી તમને હંમેશાં બીજો મોકો આપે છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter