ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો પ્રયત્ન કરે... ખેલાડી ગોલ ફટકારવામાં કુશળ હોય તો તેના શોટ સફળતાપૂર્વક ગોલ પોસ્ટમાં પ્રવેશે છે. ગોલ થાય ત્યારે ખેલાડીઓમાં દિવાળીની ઉજવણી થતી હોય છે. એવામાં કોઈ ખેલાડી એકસાથે ત્રણ ત્રણ ગોલ કરે તો ઈતિહાસ રચાઈ જાય...એ ખેલાડીને જાણો છો ?
એનું નામ વંદના કટારિયા... ભારતની ઉત્કૃષ્ટ હોકી ખેલાડી. રાજ્ય સ્તરે, કે રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનાર ખેલાડી. ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિકમાં ગોલની હેટ્રિક કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે વંદના કટારિયા. આ રમતવીરે એકથી વધુ સિદ્ધિ મેળવી છે. ૨૦૧૩માં જર્મનીના મોનચેંગ્લાદબાકમાં આયોજિત જુનિયર વિશ્વ કપમાં ચાર મેચમાં પાંચ ગોલ સાથે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની. પરિણામે ભારતને કાંસ્ય ચંદ્રક મળ્યો. વંદનાએ ૨૦૧૪માં ઇંચિયોનમાં આયોજિત એશિયાઈ ખેલોમાં કાંસ્ય ચંદ્રક, ૨૦૧૪માં જ જાપાનના ગિફૂમાં આયોજિત એશિયા કપમાં સુવર્ણ ચંદ્રક અને ૨૦૧૮માં જાકાર્તામાં આયોજિત એશિયાઈ ખેલોમાં રજત ચંદ્રક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. દુનિયામાં દેશને ગૌરવ અપાવવા બદલ વંદનાને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવી છે. ૨૦૨૧માં ઉત્તરાખંડ સરકારે તિલી રૌતાલી પુરસ્કાર, ભારત સરકારે ૨૦૨૧માં એને અર્જુન પુરસ્કારથી અને ૨૦૨૨માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરેલી.
વંદના કટારિયાનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૯૨ના ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાના રોશનાબાદમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો. શાળામાં ભણતી ત્યારે વંદના ખો ખોની પ્રતિયોગિતામાં ભાગ લેતી. ૨૦૦૨અં વંદનાએ ખો ખોની રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં વિક્રમ સર્જેલો. એક વાર વંદના રોશનાબાદના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ખો ખો રમતી હતી ત્યારે જિલ્લા ખેલ અધિકારી કૃષ્ણ કુમારે એની સ્ફૂર્તિથી પ્રભાવિત થઈને હોકી રમવા માટે પ્રેરી.
એ દિવસોમાં વંદના પાસે અભ્યાસ કરવા યોગ્ય સાધનો નહોતા. એથી પોતાના કૌશલ્યને નિખારવા વૃક્ષની ડાળીઓને હોકી બનાવી પ્રેક્ટિસ કરતી. વંદનાના પહેલા કોચ પ્રદીપ ચિન્યોતી યોગ્ય તાલીમ માટે તેને ૨૦૦૪માં મેરઠ લઈ ગયા. ત્રણ વર્ષ બાદ, ૨૦૦૬ માં કેડી સિંહ બાબુ સ્ટેડિયમ લખનઉમાં એણે એડમિશન લીધું. વંદનાના પ્રશિક્ષણ સાથે હોકીની સફર પણ શરૂ થઈ ગઈ. તેની નિષ્ઠાનું પરિણામ એ આવ્યું કે વંદનાને ભારતની જુનિયર મહિલા ટીમ માટે રમવાનું પ્રથમ આમંત્રણ મળ્યું.
વંદના કટારિયાએ ૨૦૦૬માં જુનિયર ખેલાડી રૂપે પદાર્પણ કર્યું. સીનિયર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એણે ૨૦૧૦માં ભાગ લીધો. વંદના કટારિયા મહિલા હોકી જુનિયર વર્લ્ડ કપમાં ભારતની ટોપ સ્કોરર બનીને ૨૦૧૩માં પ્રખ્યાત થઈ, જ્યાં એ સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગઈ. તેણે આ ટુર્નામેન્ટમાં ચાર મેચમાં પાંચ ગોલ કર્યા. ફળસ્વરૂપે ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. વંદનાએ રિયો ૨૦૧૬ પછી ભારતની મહિલા હોકી ટીમનું પણ નેતૃત્વ કર્યું. ૨૦૧૬ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે અગાઉની કેપ્ટન સુશીલા ચાનુની ભૂમિકા તેણે ભજવેલી. તેના નેતૃત્વમાં ભારતે ફાઇનલમાં ચીનને ૨-૧થી હરાવીને ૨૦૧૬ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી. ૨૩ નવેમ્બરથી ૩૦ નવેમ્બર ૨૦૧૬ દરમિયાન મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેને રાષ્ટ્રીય ટીમની કેપ્ટન તરીકે સુકાન સોંપાયેલું. વંદનાએ ભારત માટે ૨૫૦ આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરી છે. વંદના ઓલિમ્પિક રમતોની મેચમાં ગોલની હેટ્રિક કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ બનેલી.પોતાની આ સફળતા માટે વંદના સઘળો શ્રેય પિતા નાહર સિંહને આપે છે.
વંદનાની કારકિર્દીની કેડી કંડારવામાં પિતા પછી જો કોઈ હોય તો એ છે આર્જેન્ટિનાની લુસિયાના અયમાર. વંદનાએ લુસિયાનાની રમતથી પ્રેરાઈને શાનદાર ખેલ કૌશલ્ય વિકસાવ્યું છે. આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર મારાડોનાના નામે લુસિયાનાને હોકીની મારાડોના કહે છે. વંદના કટારિયા
ભારતીય હોકીની લુસિયાના અયમાર બનવા ઉત્સુક છે !