ઘણી વખત એવું બને છે કે આપણી જૂની સાડી આપણને ફેંકી દેવી પણ ગમતી નથી અને તે પહેરી શકાય એવી પણ હોતી નથી. અમુક સમય થાય એટલે સાડીની નવી ફેશન આવતી જાય એમ જૂની સાડીને આપણે એક બેગમાં પેક કરીને મૂકી દેવાનો વારો આવે છે. પરિણામ એ આવે છે કે તે વર્ષો સુધી તે બેગમાં રહીને સડી જાય છે. આ એવી જ સાડીઓ છે જેની પાછળ આપણે કેટલાય પૈસાનો ખર્ચ કર્યો હોય છે, પણ હવે જો જૂની સાડીઓ પડી રહી હોય તો તમે તે જૂની સાડીને પણ ઘર સજાવટમાં વાપરીને તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. જૂની સાડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. આમ કરવાથી જૂની સાડીનો ઉપયોગ પણ થઇ જશે અને તમને સજાવટ માટે નવી વસ્તુ પણ મળી જશે. હવે જૂની સાડીને તમે કઇ રીતે શામાં શામાં ઉપયોગમાં લઇ શકશો તેના ઉપર એક નજર કરીએ.
કુશન કવર
જૂની સાડીમાંથી તમે તમારા સોફા ઉપરના ડિઝાઇનર કવર બનાવી શકો છો. એમાં પણ સિલ્કની સાડી હોય તો તો તેના ખૂબ જ સુંદર કવર્સ બનશે. કુશન કવર્સમાં મોટેભાગે એવું બનતું હોય છે કે તે બહુ જલદી જૂના થઇ ગયા લાગે છે. કેમ કે તે આપણાં ઘરના દિવાનખંડની શોભા વધારતા હોય છે અને દિવાન ખંડ એવી જગ્યા છે જ્યાં આપણી નજર વારંવાર પડે અને વારંવાર એક જ કવર જોવાથી આપણી આંખો માટે તે જૂના થઇ જાય છે. જો તમારે તેમાં નવીનતા લાવવી હોય તો તમે ઓછા પૈસાથી સુંદર કુશન કવર્સ બનાવી શકો છો, આમાં તમારે મોંઘા ભાવના કવર્સ ખરીદવાની જરૂર નથી. બસ તમે જૂની સાડીના કવર બનાવી શકો છો. અને તેમાં ફરતે સુંદર બોર્ડર લગાવીને તેને ડેકોરેટીવ બનાવી શકો છો.
રજાઈ
રજાઇ માટે પણ જૂની સાડીનો સુંદર ઉપયોગ થઇ શકે છે. રજાઇના કવર બનાવવા માટે તમે જૂની બે કે ત્રણ સાડી લઇને તેમાંથી ચોરસ અલગ-અલગ પેચીસ કટ કરીને રજાઇ કવર બનાવી શકો છો. તમારા ઘરના કુશન કવરને મેચિંગ તમે સાડીમાંથી જ રજાઇ કવર બનાવી શકો છો. જે મેચિંગ પણ થઇ જશે અને દેખાવે પણ સરસ લાગશે.
પડદા
આ જ રીતે સાડીમાંથી પેચ કટ કરીને તમે મલ્ટિ કલર પડદા પણ તૈયાર કરી શકો છો. જે દેખાવે ખરેખર ખૂબ જ આર્ટિસ્ટીક લાગશે. જો તમે તમારા ઘરને રજવાડી લુક આપવા માંગતા હોવ તો જૂની સાડીમાંથી આ રીતે કુશન કવર, પડદા અને રજાઇના કવર બનાવીને રજવાડી લુક આપી શકો છો.