એજવેરના મિડલસેક્સમાં રહેતાં સમીક્ષાબેન ફાર્માસિસ્ટ અને વેલબીઈંગ કોચ તરીકે કામ કરતાં હોવાં છતાં, તેમને 49 વર્ષની વયે ઓવેરીઅન કેન્સરનું ચોથું સ્ટેજનું નિદાન કરાયું ત્યારે પણ અંડાશયના કેન્સરનાં ચેતવણીજનક લક્ષણોની જાણકારી ન હતી. આ નિદાનની શારીરિક-માનસિક અસર તેમનાં રોજિંદા જીવન પર થઈ હતી કારણ એ હતું કે લગભગ અંધ કહી શકાય તેવા તેમના પતિની સારસંભાળ લેનારા તો મુખ્ય વ્યક્તિ હતાં.
કેન્સર નિદાન પછી સમીક્ષાબહેને ઘરમાં સમય પસાર કરવાં અને શરીરને જરૂરી આરામ આપવાને પ્રાથમિકતા આપવા નિર્ણય કર્યો હતો. સમર્પિત પત્ની, માતા અને ગ્રાન્ડમધર સમીક્ષાબહેન પરિવાર પાસેથી સપોર્ટ મેળવવાં લાગ્યાં. તેમણે આગળ વધી રહેલાં ઓવેરીઅન કેન્સર સાથે જ ‘નવું સામાન્ય’ જીવન કેવી રીતે પસાર કરવું તે શીખી લીધું હતું.
આજે સમીક્ષાબહેને માનસિક સ્વાસ્થ્યને સપોર્ટ કરવા સ્વસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હેલ્ધી ડાયેટ અપનાવ્યું છે, વધુપડતો શ્રમ ટાળવા મર્યાદા બાંધી લીધી છે ને પુસ્તકોનાં વાંચન અને સ્નેહીજનો સાથે સમય પસાર કરવા જેવાં શોખને પ્રાથમિકતા આપી છે. સમીક્ષાબહેને યુકેમાં અગ્રણી ઓવેરીઅન કેન્સર ચેરિટી ઓવાકમ-Ovacome ના ટ્રસ્ટી તરીકે સેવા આપવાં ઉપરાંત કેન્સર ચેરિટીઓના સ્વયંસેવક તરીકે સમર્પિત છે.
ઓવેરીઅન કેન્સર સાથે જીવવાની આશા સંદર્ભે જાગરૂકતા પ્રસરાવવા, જેઓ કેન્સરગ્રસ્ત છે તેમની હિમાયત કરવા પાછળ પ્રત્યેક ક્ષણ ખર્ચવાની તેમની પ્રતિબદ્ધતાને જોમ સાંપડ્યું છે. તેમની પાસે જેટલો સમય બચ્યો છે તેને સાથે રાખી પોતાના રોગ સામે પીછેહઠ નહિ કરવા અને ભવિષ્ય માટે આશાવાદી બનવા ખુદને વચન આપ્યું છે.
સમીક્ષાબહેને ગુજરાત સમાચાર-Asian Voice સાથે આ અંગે ઘણી વાતો કરી હતી. કેન્સર નિદાન અગાઉ ઓવેરીઅન કેન્સરના પ્રાથમિક લક્ષણોની જાણકારી અંગે તેમણે કહ્યું હતું કે આ કેન્સરના લક્ષણો વિશે તેમને ઈન્ટરનેટ પરથી BEAT સાઈન્સ-નિશાનીઓ અને લક્ષણોની જાણકારી મળી હતી. પરંતુ, ઓવાકોમ દ્વારા તે જારી કરાયાની જાણ ન હતી. ઓવેરીઅન કેન્સરની સારવાર શરૂ થઈ તે પહેલાં ઓવાકોમનો સંપર્ક કર્યો હોત તો સારું હતું એવું તેમને લાગે છે.
BEAT સાઈન્સ-નિશાનીઓ અને લક્ષણો આ મુજબ છેઃ
Bનો અર્થ શરીર ફૂલતાં રહેવાનો છે
Eનો અર્થ ખોરાક લેવામાં મુશ્કેલી અને પેટ ઝડપથી ભરાઈ જવાની લાગણીનો છે
Aનો અર્થ પેટ-ઉદર અને પેઢૂનો દુઃખાવો થતો રહે છે
Tનો અર્થ મૂત્રનિકાલ અથવા મળવિસર્જનની આદતોમાં ફેરફાર
સમીક્ષાબહેને કેન્સર નિદાન સાથે પતિની સારસંભાળ લેનારી મુખ્ય વ્યક્તિ તરીકેની ભૂમિકા પર પડેલી અસરનો પડકાર ઝીલી લીધો હતો. તેમની પ્રથમ ચિંતા પતિનું કામકાજ કેવી રીતે થશે તે હતી. જોકે, 12 વર્ષ પછી બધું બદલાઈ ગયું છે અને સમીક્ષાબહેન તેમને જરૂર હોય ત્યારે મદદ માંગતાં થયાં છે. તેમના પતિ પણ અન્ય સ્રોતો થકી મદદ મેળવી શકે તેમ વિચારતા થયા છે. તેઓ સમજી ગયાં છે કે પોતાની સારસંભાળને અગ્રતાથી જ તેમનું અને તેમના પતિનું સ્વાસ્થ્ય સચવાશે.
કેન્સરના નિદાન પછી તન-મનના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા લીધેલાં પગલાં અને આ ફેરફારોથી તેમના જીવન પર થયેલી અસરોના સંદર્ભે સમીક્ષાબહેન કહે છે, ‘મેં મિત્રો સાથે મુલાકાતો, જે લોકોને કેન્સરનું નિદાન કરાયેલું હોય તેમને મળવા કે સપોર્ટ ગ્રૂપ્સમાં હાજરી આપવા, એક્સરસાઈઝ ક્લાસીસ અને ક્રિએટિવ લેખન ક્લાસીસમાં હાજરી આપવા પૂરતો સમય મળે તેની ખાસ કાળજી રાખી હતી. ઓવાકોમ દ્વારા નિયમિત ઓનલાઈન અને રૂબરૂ સપોર્ટ સેશન્સ રખાતા હતા તેમાં પણ ઈચ્છાનુસાર હાજરી આપતાં હતાં. કોઈ બાબત પરેશાન કરતી હોય કે કોઈ માહિતી જોઈતી હોય ત્યારે વાતચીત કરવાની જરૂર લાગે તે સમયે મારી ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ કે ઓવાકોમ સપોર્ટ લાઈનને કોલ કરતી હતી. આ ઉપરાંત, મારાં માનસિક આરોગ્યને ટેકો મળે તે માટે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ અને કાઉન્સેલર સાથે સેશન્સ પણ કરતી હતી. જાતે જ બધું કરવાના પ્રયાસ કરતાં અન્ય પાસે મદદ માગવી અને સપોર્ટ મેળવવો તે ઘણું મહત્ત્વનું છે.
સમીક્ષાબહેને આગળ વધેલાં ઓવેરીઅન કેન્સર સાથે ‘ન્યૂ નોર્મલ’ જીવન સાથે અનુકૂળતા સાધવામાં પરિવાર દ્વારા મળેલા સપોર્ટ અંગે કહ્યું હતું કે, ‘હું કોઈ ચોક્કસ કામકાજ કરી શકતી નથી કે કેટલુંક કામ કરવાનું ચાલુ રાખવાં ઈચ્છતી ન હોવાના ખુલાસા કર્યાં ત્યારે પરિવારે મને શાંતિથી સાંભળી તે બાબતે હું નસીબદાર હતી. મારાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે જે કોઈ પ્રવૃત્તિ હાથ ધરતી હતી તેને આગળ વધારવામાં પણ તેમનો સાથ મળ્યો હતો. સૌથી મહત્ત્વની બાબત એ રહી કે મારી પોતાની આરોગ્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં અને મારા માટે હિમાયત કરવામાં પણ તેમણે મને તક આપી હતી. તેમણે મને મારી સારવારની પસંદગીના નિર્ણયો લેવાં દીધાં અને મારા નિર્ણયોમાં સપોર્ટ આપ્યો હતો.’
ઓવાકોમ જેવી કેન્સર ચેરિટીઝ સાથે જોડાણ અને તેમની યાત્રા પર વોલન્ટઅરીંગના પ્રભાવ વિશે સમીક્ષાબહેન કહે છે કે તેમણે 2012માં કીમોથેરાપીની આડઅસરો વિશે સલાહ મેળવવા ઓવાકોમની સપોર્ટ લાઈનનો સંપર્ક કર્યો હતો. તેઓ આ ચેરિટીના સભ્ય બન્યાં પછી કદી પાછું વળીને જોયું નથી. ઓવાકોમનું સભ્યપદ નિઃશુલ્ક છે અને ફાયદા પણ ઘણા છે. ઓવાકોમ સભ્યો સંચાલિત ચેરિટી છે જેમાં સભ્યોના કહેવા પર ધ્યાન અપાય છે અને સભ્યોની જરૂરતોને પહોંચી વળવા શ્રેષ્ઠ પ્રયાસો કરાય છે. સર્વાઈવર્સ ટીચિંગ પ્રોજેક્ટનો આરંભ 2014માં કરાયો ત્યારથી તેમણે ઓવાકોમ ચેરિટી માટે વોલન્ટીઅરીંગ સેવા શરૂ કરી હતી અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સ માટે પણ આ સ્વયંસેવા કામગીરી ચાલુ રાખી હતી. દરેક વ્યક્તિ સંસ્કૃતિ, ભાષા કે આરોગ્યવિષયક અન્ય કોઈ અસમાનતાને ધ્યાનમાં લીધા સિવાય ઓવાકોમ પાસેથી સપોર્ટ મેળવી શકે તેની ચોકસાઈ તેમજ ઓવેરીઅન કેન્સર વિશે જાગૃતિ પ્રસરાવવાનું ચાલુ રાખવાના લક્ષ્ય સાથે તેમણે 2022માં ઓવાકોમમાં ટ્રસ્ટીપદ સ્વીકાર્યું હતું. તેઓ માને છે કે દરેકને સમાન આરોગ્યસંભાળ પ્રાપ્ત કરવાનો અધિકાર છે અને શ્રેષ્ઠ પરિણામો શક્ય છે.
કોઈ પણ વ્યક્તિ ઓવેરીઅન કેન્સર સાથે જીવન જીવતી હોય કે આ રોગ વિશે જાગરૂકતા ફેલાવવાની ઈચ્છા રાખતી હોય તેમને શું સંદેશો કે સલાહ આપશો તેવા પ્રશ્નના જવાબમાં સમીક્ષાબહેને કહ્યું હતું,‘ઓવેરીઅન કેન્સર વિશે ચિંતિત હોય કે જાગરૂકતા ફેલાવવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિએ ઓવાકોમ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને તેમનો સંપર્ક કરવો જોઈએ.’