ઘણી યુવતીઓ ત્વચાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક સર્જરીનો આશરો લે છે, પણ આના કારણે કેટલીક વાર ત્વચા પર ઘણી આડઅસરો પણ જોવા મળે છે. આ પરિસ્થિતિથી બચવા માટે ત્વચાને કુદરતી રીતે પોષણ મળે તેવા પ્રયાસ કરો અને આ માટે ઓસામણ (ચોખાનું પાણી)ની સાથે રસોડામાં હાજર કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
ત્વચાને થતા ફાયદા
ઓસામણમાં વિટામિન B1, C અને Eની હાજરીની સાથે પર્યાપ્ત માત્રામાં મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે, જે ત્વચાનાં રોમછિદ્રોને ઓછા કરવા ઉપરાંત તેને યુવાન રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં હાજર વિટામિન બી કોમ્પ્લેક્સ ત્વચાના રંગને સુધારવામાં મદદરૂપ છે. ઓસામણ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને તેના લુબ્રિકન્ટ ગુણધર્મો કરચલીઓ ઘટાડીને ત્વચાને નરમ રાખે છે. ઓસામણમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે જે ત્વચાની લાલાશ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. વળી, તે ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
કઇ રીતે તૈયાર કરશો ઓસામણ?
એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી ચોખાને રાતભર અથવા 4-5 કલાક પલાળી રાખો. પછી ચોખાને નીતારી લો અને પાણી અલગ કરો. આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ચોખાને ઉકાળ્યા પછી બાકી રહેલું પાણી પણ સુંદરતા વધારવા માટે વાપરી શકો છો.
ઓસામણનો ઉપયોગ કરો આ રીતે
• ક્લીન્ઝર તરીકે: ઓસામણ ત્વચામાંથી ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે. તેથી તેનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે કરી શકાય છે. એક કોટન સ્વેબ લો અને તેને ઓસામણમાં ડૂબાડીને ધીમે ધીમે ચહેરા પર લગાવો. થોડીવાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
• ફેસ ટોનર તરીકે: ચોખાના પાણીનો ટોનર તરીકે ઉપયોગ કરવા માટે તેને સ્પ્રે બોટલમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ પછી, તેને સ્વચ્છ ચહેરા પર સ્પ્રે કરો અને ટોનર તરીકે ઉપયોગ કરો.
• ફેસ માસ્ક તરીકે: ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી મુલતાની માટી અથવા ચણાનો લોટ અને થોડું ઓસામણ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને 20થી 30 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.
• ખીલથી મળશે રાહત: જો તમારા ચહેરા પર ખીલ છે તો કોટનની મદદથી ઓસામણને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આમ નિયમિત કરવાથી તમને ખીલથી રાહત મળશે.