રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ યાદ છે?
વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલી. તેમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર માટે જોન મોલો અને ભાનુ અથૈયાને એવોર્ડ મળેલો.... એની વિશેષતા એ હતી કે ફિલ્મની વેશભૂષા માટે પુરસ્કૃત થનાર ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી! ભાનુનો અર્થ સૂરજ થાય. એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે પોતાનું નામ સાર્થક કરીને ઓસ્કારના આકાશમાં સૂર્ય બનીને ઝળહળી ઊઠેલી ભાનુ ! શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ભાનુ અથૈયાના નામની ઘોષણા થઈ ત્યારે આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠેલું. ભાનુએ વિનમ્રતાથી એવોર્ડ સ્વીકારીને કહેલું, ‘શુક્રિયા રિચર્ડ એટનબરો, દુનિયાનું ધ્યાન ભારત ભણી દોરવા બદલ...!’
રિચર્ડ એટનબરોને ભારતીય સંસ્કૃતિને સમજનાર અનુભવી ડ્રેસ ડિઝાઈનરની જરૂર હતી. સિમી ગરેવાલે ભાનુની મુલાકાત રિચર્ડ એટનબરો સાથે ગોઠવી. માત્ર પંદર મિનિટની વાતચીતમાં એમણે ભાનુને કોસ્ચ્યુમ ડિઝાઈનિંગનું કામ સોંપી ભાનુએ મુખ્ય કલાકારો ઉપરાંત પરદે દેખાનારા પ્રત્યેક વ્યક્તિ માટે વસ્ત્રો તૈયાર કરવાનાં હતાં. પરિશ્રમને અંતે ‘ગાંધી’ પ્રદર્શિત થઈ ત્યારે ગાંધી અને નેહરુના કિરદારે ફિલ્મમાં પહેરેલાં વસ્ત્રોની વિદેશમાં પણ બોલબાલા થઈ ગઈ..ગાંધીનો કાઠિયાવાડી પહેરવેશ, નેહરુ જેકેટ અને કસ્તૂરબાની હેન્ડલૂમની કિનારીવાળી સાડીઓ...આ પાત્રોની વેશભૂષા તો ઊડીને આંખે વળગે એવી હતી જ, ઉપરાંત અન્ય પાત્રોના ડ્રેસ ડિઝાઈન કરીને કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ભાનુએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવેલી.
ભાનુ અથૈયાનો જન્મ ૨૮ એપ્રિલ ૧૯૨૯ના મહારાષ્ટ્ર સ્થિત કોલ્હાપુરમાં થયેલો. માતા શાંતાબાઈ રાજોપાધ્યાય. પિતા અન્નાસાહેબ રાજોપાધ્યાય મશહૂર ફિલ્મમેકર બાબૂરાવ પેન્ટર માટે ફોટોગ્રાફી કરતા. ભાનુ અગિયાર વર્ષની થઈ ત્યારે અન્નાસાહેબનું મૃત્યુ થઈ ગયું.
જોકે બાળપણથી જ કળા પ્રત્યે એને સવિશેષ લગાવ હતો. કળાને નિખારવા એણે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લીધો. ભાનુ વિમેન મેગેઝિન ઇવ્ઝ વીકલી અને ફેશન એન્ડ બ્યુટી માટે પણ ફેશન ઈલસ્ટ્રેશન તૈયાર કરતી.
કેટલાક વર્ષો બાદ ઇવ્ઝ વીકલીના એડિટરે એક ફેશન બુટીક ખોલ્યું, ત્યારે એમણે ભાનુ સમક્ષ ડ્રેસ ડિઝાઈન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભાનુએ સહર્ષ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એણે ડ્રેસ ડિઝાઈનિંગમાં જીવ રેડી દીધો. ભાનુએ ફેશન ડિઝાઈનિંગમાં કારકિર્દી કંડારવાનો નિર્ણય કર્યો.
દરમિયાન, ભાનુએ વર્ષ ૧૯૫૦માં હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર અને એક કવિ તરીકે પ્રખ્યાત સત્યેન્દ્ર અથૈયા સાથે લગ્ન કર્યાં. ફળસ્વરૂપે એક દીકરી થઈ, પણ આ લગ્ન લાંબો સમય ન ચાલ્યાં. જોકે ત્યાં સુધીમાં ભાનુ ડ્રેસ ડિઝાઈનિંગના ક્ષેત્રમાં જાણીતી થઈ ગયેલી. ભાનુએ વર્ષ ૧૯૫૩માં ડ્રેસ ડિઝાઈનિંગ શરૂ કર્યું. ડ્રેસ ડિઝાઈનના સૌંદર્યશાસ્ત્રને પરિભાષિત કરનારી એક અસાધારણ કાર્યપદ્ધતિનો વિકાસ કર્યો.
કોસ્ચ્યુમ ડિઝાઈનિંગના ક્ષેત્રે ઈતિહાસ સર્જનાર ભાનુ અથૈયાનું બ્રેઈન ટ્યુમરની બીમારીથી ત્રણ વર્ષ પીડાયા બાદ ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ના મૃત્યુ થયું. જોકે નિધનના સાત વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૨માં ભાનુએ ઓસ્કાર ટ્રોફી પરત કરી દીધેલી. એનું કારણ જણાવતાં ભાનુએ એક મુલાકાતમાં કહેલું કે, ‘ટ્રોફીની સુરક્ષાનો મુદ્દો સૌથી મોટો છે. ભારતમ અગાઉ ઘણા એવોર્ડ ગાયબ થયા છે.મેં આટલાં વર્ષો સુધી ઓસ્કારનો આનંદ ઉઠાવ્યો છે. એથી મારા ગયા પછી પણ ટ્રોફી જળવાઈ રહે એ હેતુથી મેં ટ્રોફી પરત કરવાનું વિચાર્યું. હું ઘણી વાર ઓસ્કારની ઓફિસે ગઈ છું. મેં જોયું છે કે ઘણા લોકોએ પોતાની ટ્રોફી ત્યાં રાખી છે. અમેરિકી કોસ્ચ્યુમ ડિઝાઈનર એડિથ હેડે પોતાના આઠ ઓસ્કાર એવોર્ડ ઓસ્કારની ઓફિસમાં મુકાવેલા. એથી મેં પણ સુરક્ષા જળવાઈ રહે એ કારણસર મારો એવોર્ડ ઓસ્કારની ઓફિસમાં મકાવી દીધો.’
ઓસ્કાર ઓફિસમાં સજાવેલો એ એવોર્ડ ભાનુએ એવોર્ડ સ્વીકારતી વખતે કહેલા શબ્દોનું જ સ્મરણ કરાવે છે. એના કથનમાં એક શબ્દનો ફેરફાર કરીને ઓસ્કાર પોકારી પોકારીને કહે છે જાણે : ‘શુક્રિયા ભાનુ અથૈયા, દુનિયાનું ધ્યાન ભારત ભણી દોરવા બદલ....!’