તાલિબાની શાસનવાળા અફઘાનિસ્તાનમાં દીકરીઓના પિતા પરિવર્તન લાવી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરીઓ ભણે અને આગળ વધે. તેમને નોકરી કે વેપાર કરવાની આઝાદી મળે. તેના માટે તેઓ તાલિબાન સરકારની વિરુદ્ધ પણ ઊભા થઈ રહ્યા છે. આમાં મોટી સંખ્યા એવા લોકોની છે જેઓ તાલિબાન સરકારના કટ્ટર સમર્થક છે. એમહર્સ્ટ મેસેચુસેટ્સ યુનિવર્સિટીની હ્યુમન સિક્યુરિટી લેબના રિપોર્ટ મુજબ, દેશમાં જે લોકો તાલિબાનના કટ્ટર સમર્થક છે, તેમાં 45 ટકા અફઘાની મહિલાઓના અધિકારોના પણ સમર્થનમાં છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ પિતાઓની છે, જેમને સંતાનમાં દીકરીઓ છે. આ રિસર્ચનો હિસ્સો રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અફઘાની પ્રજાની વિચારધારામાં પરિવર્તન આવવાનું મોટું કારણ તેમની દીકરીઓ છે.
દીકરીઓના શિક્ષણ માટે પિતાઓએ બનાવ્યું સંગઠન
તાલિબાની શાસનમાં પણ દીકરીઓને ભણવાનો અધિકાર મળે, તેના માટે દીકરીઓના પિતા સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે બધાએ ભેગા થઈને પેન પાથ નામના એક સંગઠનની રચના કરી છે. તેના માધ્યમથી તેઓ છોકરીઓના ભણતરની જરૂરિયાત પ્રત્યે સમાજમાં જાગૃતિ આણવાનું કામ કરે છે. દીકરીઓને શિક્ષણ મળવું જ જોઇએ તે વાતના સમર્થક પિતાઓ એકસંપ થઇને અનેક વાર ધરણાં અને વિરોધ પ્રદર્શન પણ કરે છે. અફઘાનિસ્તાનમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
જેમને માત્ર દીકરીઓ તેઓ મહિલાહકના સમર્થક
• 66 ટકાના મતે અફઘાનિસ્તાન વિકાસ માટે મહિલાને સમાનતાનો અધિકારી આપવો જરૂરી.
• 80 ટકા અફઘાની પિતા મહિલા અધિકારોનું સમર્થન કરે છે.
છોકરીઓના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો
ઓગસ્ટ - 2021... કાબુલમાં તાલિબાન શાસકોએ સત્તાના સૂત્રો સંભાળ્યા તેની સાથે જ મહિલાઓના અનેક અધિકારો ખતમ કરી દેવાયા. નોકરીઓ છીનવી પણ લેવાઈ.