કટ્ટરવાદી સરકારના અત્યાચારથી ઇરાન ફરી હિજાબમાં

Friday 02nd June 2023 06:41 EDT
 
 

તહેરાનઃ ઇસ્લામિક સરકારના જોરજુલમ અને અત્યાચારના પગલે ઇરાન ફરી હિજાબમાં છે અને 9000 મહિલાઓ જેલના સળિયા પાછળ દિવસો વીતાવી રહી છે. ઇરાનમાં મહસા અમીનીનાં મોતને 250 દિવસ થઇ ચૂક્યા છે. ગયા વર્ષે 16મી સપ્ટેમ્બરે તહેરાનમાં પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત નીપજ્યું હતું. હિજાબ નહીં પહેરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે, માર મારવાનાં કારણે અમીનીનું મોત થયું હતું. ત્યારબાદ ઇરાનમાં થયેલા હિજાબ વિરોધી આંદોલનમાં 500 લોકોનાં મોત થયા હતા. આશરે 17 હજાર લોકોની ધરપકડ કરાઇ હતી. આંદોલન કરવાનાં મામલામાં હજુ સુધી 10 લોકોને મૃત્યુદંડ અપાયો છે.
તહેરાનમાં હોર્ડિંગ લગાવીને હિજાબ પહેરવા માટે જણાવાઇ રહ્યું છે. એટર્ની જનરલ ઝફર મોન્ટાજેરીએ કહ્યું છે કે, એરલાઇન્સ હિજાબનાં નિયમો લાગુ કરે. પોલીસને કહેવામાં આવ્યું છે કે, સર્વેલન્સ કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એવી મહિલાઓની ઓળખ કરવામાં આવે જે હિજાબ પહેરતી નથી.
કટ્ટરપંથી સરકારનો આદેશ, હિજાબ તો પહેરવો જ પડશે
હિજાબનાં મામલે મૌલવી, કટ્ટરપંથી અને સરકાર એક સૂરમાં વાત કરી રહ્યા છે. ઇરાનનાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખૌમેનીએ જાહેરાત કરી છે કે, હિજાબને દુર કરવાની બાબત અસ્વીકાર્ય છે. ઇરાનનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહિસીનું કહેવું છે કે, હિજાબ ધાર્મિક રીતે જરૂરી છે. બીજી બાજુ કટ્ટરપંથી સાંસદોનું કહેવું છે કે, હિજાબ અલ્લાહનો આદેશ છે.
દેખાવકારોનાં પરિવારો પર અત્યાચાર
• તહેરાન યુનિવર્સિટીની વિદ્યાર્થિની શિરીને કહ્યું છે કે, અમીનીનાં આદોલન વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પરિવારનાં સભ્યો પણ અત્યાચારનો સામનો કરી ચુક્યા છે. તેની બહેન, માતા અને ભાઇ ૫ર પોલીસે અત્યાચાર કર્યા હતા.
• ઓસ્ટ્રેલિયન મુળની ઇરાની દેખાવકારની માતાને તહેરાન જેલમાં ધકેલી દેવાઈ. તેમને હજુ જેલમાં જ રાખવામાં આવી છે. બીજી બાજુ વકીલ નોસ હોસેનીએ દાવો કર્યો છે કે, તેમના એક સંબંધીની ધરપકડ કરાઇ હતી. પુછપરછ પણ કરાઇ હતી.
હિજાબ નહીં તો સામાન નહીં
• શોપિંગ મોલઃ હિજાબને મંજૂરી આપતા ઉત્તરી તહેરાનમાં બનેલા 23 માળનાં ઓપલ શોપિંગ મોલને બંધ કરીને કઠોર કાર્યવાહી કરાઇ છે.
• બુક ફેરઃ ઇસ્ફાહાનમાં નેશનલ બુક ફેરને પણ બંધ દેવાની જાહેરાત કરાઇ છે. હિજાબ નહીં પહેરનારને દુકાનોમાં સામાન ન આપવા માટે કઠોર આદેશ કરાઇ રહ્યા છે.
• પબ્લિક સર્વિસ અને મેટ્રોઃ હિજાબ નહીં પહેરનાર મહિલાઓને સરકારી ઓફિસ અને મેટ્રો રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
• યુનિવર્સિટીઃ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ પર દબાણ, સરકારી ગાર્ડ કલાસમાં જઇને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા માટે કહી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter