ત્વચા પર કોઇ ડાઘ કે ધબ્બા ન હોય તેવું તો કોને ના ગમે?! પરંતુ બધાની સ્કિન એકસમાન હોય એવું બનતું નથી. ખીલને લીધે ઘણી વખત ડાઘ - ધબ્બા રહી જાય છે. તો ક્યારેક ડાર્ક સર્કલને કારણે પણ ચહેરો નિસ્તેજ લાગે છે. આ ઉપરાંત બર્થ માર્ક્સ, સન ટેન, કાળાં નિશાન, પિગ્મેન્ટેશન આ બધાને કારણે ચહેરા પર ધબ્બા દેખાવા લાગે છે. જોકે આ બધી તકલીફોથી તમારે આત્મવિશ્વાસ ઘટાડવાની જરૂર નથી. માર્કેટમાં મળતાં કન્સીલરના યોગ્ય ઉપયોગથી ડાઘ ધબ્બાને સરળતાથી છુપાવી શકાય છે. કન્સીલર વિવિધ પ્રકારનાં આવે છે, જે અંગે જાણીએ.
• ક્રીમ કન્સીલરઃ આ કન્સીલરનું ટેક્સચર ક્રીમી હોય છે. ક્રીમી હોવાને કારણે એ આપણાં ચહેરાના ડાઘને સારી રીતે કવર કરવામાં આપણી મદદ કરે છે. ક્રીમ કન્સીલરને ઓઇલીથી લઇને નોર્મલ સ્કિન ધરાવતી યુવતીઓ ઉપયોગમાં લઇ શકે છે.
• લિક્વિડ કન્સીલરઃ આ કન્સીલરનું ટેક્સચર તેના નામ પ્રમાણે જ લિક્વિડ હોય છે. તે સરળતાથી આપણી ત્વચામાં બ્લેન્ડ થઇ જાય છે. વળી, લિક્વિડ કન્સીલર લાઇટવેટ પણ હોય છે. લિક્વિડ હોવાને કારણે તે ત્વચામાં સરળતાથી શોષાઇ જાય છે. ડ્રાયથી લઇને કોમ્બિનેશન સ્કિન ધરાવતી વ્યક્તિઓ માટે લિક્વિડ કન્સીલર બેસ્ટ છે, કારણ કે શુષ્ક ત્વચામાં તે નમી પ્રદાન કરે છે.
• પેન કન્સીલરઃ ડાઘ ધબ્બા, ખીલ, કાળાં કુંડાળાંને છુપાવવા માટે આ કન્સીલર સૌથી બેસ્ટ છે. સાથે સાથે જ આ કન્સીલરને લગાવવું એકદમ સરળ છે. સાઇઝમાં નાનું હોવાથી તેને ગમે ત્યાં કેરી કરી શકાય છે.
રંગની પસંદગીમાં કાળજી
આંખ નીચેના કાળા ડાઘને દૂર કરવા માટે કન્સીલરના બે શેડ્સની જરૂર પડી શકે છે. ફક્ત પીચ શેડ લગાવવાથી આંખ થાકેલી દેખાશે. તેથી એના ઉપર એક પરત ત્વચાના રંગથી એક શેડ હળવું કન્સીલર લગાવો અને સારી રીતે બ્લેન્ડ કરો. ડાઘ - ધબ્બા માટે ત્વચાની રંગત સાથે એકદમ મેળ ખાતા હોય એવા કન્સીલરની પસંદગી કરો. યોગ્ય કલર મેચિંગ માટે ઘણાં બધા શેડ્સવાળી કન્સીલર પ્લેટ લો, જરૂર પડે ત્યારે એકબીજાની સાથે બ્લેન્ડ પણ કરી શકો છો. એનાથી ડાઘને સરળતાથી છુપાવી શકાશે.
કન્સીલર કઇ રીતે લગાવશો?
સૌથી પહેલાં મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચાને હાઇડ્રેટ કરી લો. પાંચ મિનિટ પછી ચહેરા પર ક્લેયર પ્રાઇમર લગાવો. પ્રાઇમર કન્સીલરને સ્મૂધ કરે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. પછી નાના બ્રિસલવાળા બ્રશથી કન્સીલર લગાવો. એ પછી સ્પોન્જથી થપથપાવીને બરાબર કરો. સ્કિન સાથે મેચ થઇ જાય એ પછી કોમ્પેક્ટ પાઉડર લગાવો. કલરલેસ પાઉડરથી હળવા હાથે ડસ્ટિંગ કરવાથી કન્સીલર કેક જેવું નથી લાગતું. સ્મૂધ સ્કિન લુક આપવા માટે નોઝ બ્રિઝ અને આંખની બહારના ખૂણામાં કન્સીલર લગાવવાનું ભૂલશો નહીં. કન્સીલર લગાવ્યા પછી પણ આંખની નીચે કાળા ધબ્બા દેખાય તો થોડું ઓરેન્જ કન્સીલર લગાવો.
અને હા, ખાસ યાદ રાખો કે મેકઅપ હટાવવા માટે સાબુ કે પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ. ઓઇલયુક્ત રિમૂવરનો ઉપયોગ કરો અને એ પછી ઓઇલરહિત ફેસ ક્લિન્ઝર લગાવો.