ફેશનબેલ કપડાં, એક્સેસરીઝ કે શૂઝની ખરીદી માત્ર પોકેટને જ ભારે પડે છે એવું નથી, અમુક પ્રકારની ફેશન કમરને પણ ‘ભારે’ પડી શકે છે. હાઇ-હિલ સેન્ડલ કે શરીરને ચપોચપ ચોંટી જતાં ક્લોથ્સને કારણે શરીરનું હલનચલન મર્યાદિત થઇ જતું હોવાથી કમરનો દુઃખાવો થઈ શકે છે એવું સ્પાઈન એક્સપર્ટ્સનું કહેવું છે. કેવી-કેવી ફેશન આપણી કમરને ભારી પડી શકે છે તેની માહિતી અહીં રજૂ કરી છે.
• ફોર્મ ફિટિંગ સ્કર્ટ્સઃ ટૂંકું અને નીચેથી સાંકડું થઈ જતું સ્કર્ટ પહેરવાથી બેઉ પગના ઘૂંટણ એકદમ નજીક-નજીક રાખીને ચાલવું પડે છે. બે ઘૂંટણ વચ્ચે નોર્મલ કરતાં ઓછું ડિસ્ટન્સ રહેતું હોવાથી બોડીનો ભાર લોઅર બેક પર વધુ આવે છે. લાંબો સમય આ પ્રકારના સ્કર્ટસ પહેરવાથી ચાલમાં બદલાવ આવે છે. આથી પગ અને કમરના સ્નાયુઓ ખેંચાઈ જવાની તેમ જ ડિસ્ક વચ્ચેની ગાદી ઘસાઈ જવાની સમસ્યા થઈ શકે છે.
• અતિશય ટાઈટ જીન્સઃ શરીરને ચપોચપ ચોંટી જાય એવા જીન્સની કમર, હિપ્સ, નિતંબ અને પગની પાનીઓ પર પર જબરી પક્કડ હોય છે. આથી જોઈન્ટ્સ એકદમ તણાયેલા રહે છે. ત્વચા પર ટાઈટ આવરણ સતત જકડાયેલું રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પર વિપરિત અસર થાય છે. પગની સંવેદનશીલતા ઘટે છે અને ખાલી ચડી જવાનું પ્રમાણ વધે છે. એમાં જો પોકેટમાં મોબાઈલ કે ચીજો રાખવાની વાત હોય તો અસંતુલનને કારણે હિપનું અલાઈમેન્ટ પણ બગડે છે અને લોઅર બેકની તકલીફ થાય છે.
• ઓવરસાઈડ્ઝ હેન્ડબેગઃ મોટી હેન્ડબેગ હોય એટલે વધુ ચીજો લઈને ફરવાની આદત પડે છે. હેન્ડબેગને હંમેશા એક જ ખભા પર ભરાવીને ચાલવાની આદત હોય તો એનાથી ગરદન અને અપર બેકની તકલીફો થાય છે.
• હાઈ હીલ્સઃ લાંબો સમય સુધી ઊંચી એડીના જૂતાં, પગ, કમર અને પિંડીઓના સ્નાયુઓને સંકોચે છે. હાઈ હીલ્સ પહેરીને ચાલવાના કારણે આખા શરીરનું વજન ઘૂંટણ અને હિપ જોઈન્ટ્સ પર વધુ આવે છે. હાઈ હીલ્સ પહેરીને લાંબુ ચાલવામાં આવે ત્યારે ઘુંટણ અને કમર બન્નેને નુકસાન થાય છે.
• એક સાઈડમાં પાંથી પાડવીઃ તમે કદાચ પૂછશો કે પાંથી પાડવાની સ્ટાઇલને અને શરીરના દુખાવાને શું લાગેવળગે? તો વાંચો... જેમાં સાઈડમાં પાંથી પાડીને મોટા ભાગના વાળ એક જ બાજુમાં ઢાળેલા હોય છે એ પ્રકારની હેરસ્ટાઈલ ગરદન માટે નુકસાનકારક છે. સાઈડ અંબોડો, સાઈડમાં ચોટલો કે પછી એક બાજુ પાંથી પાડીને મોટા ભાગના વાળ એક તરફ જ રાખવાની આદત હોય તો એ પણ ગરદનને ટ્વિસ્ટ કરી દઈ શકે છે.