એક તરફ, અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં જે.ડી. વાન્સને ઉપપ્રમુખપદના દાવેદાર તરીકે પસંદ કર્યા હોવાથી તેમના ભારતીય મૂળના પત્ની ઉષા ચિલુકુરી ચર્ચામાં છે. બીજી તરફ, પ્રમુખપદની દાવેદારીમાંથી પીછેહઠ કરનારા બાઈડેને તેમના અનુગામી તરીકે ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. 2013માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક જ ભારતવંશી સભ્ય હતો. આજે, 11 વર્ષ પછી અમેરિકન સ્ટેટ લેજીસ્લેચરમાં 50 ભારતવંશીઓ સભ્યો બિરાજે છે.
કમલા હેરિસ
કમલા હેરિસે જાન્યુઆરી 2021માં અમેરિકાના ઉપપ્રમુખ તરીકે શપથ લીધા હતા. આ સાથે જ જમૈકન પિતા અને ભારતીય મૂળનાં માતાનાં દીકરી કમલા હેરિસ આ પદ પર પહોંચનારાં પ્રથમ નારી, બ્લેક અમેરિકન અને સાઉથ એશિયન બન્યાં હતાં. રાજકારણ પહેલા સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયાનાં એટર્ની જનરલ જેવા ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલાં કમલા હેરિસ - બાઈડેનના પ્રમુખપદની રેસમાંથી હટયા બાદ - અમેરિકામાં પ્રમુખપદનાં સૌથી મોટાં દાવેદાર તરીકે ઉભર્યાં છે.
ઉષા ચિલુકુરી વાન્સ
રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપપ્રમુખપદના ઉમેદવાર જે.ડી. વાન્સનાં પત્ની ઉષા તેલુગુ ભાષી ઈમિગ્રન્ટ્સનાં દીકરી છે. ઉષાએ પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં માસ્ટર્સ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પતિ જે.ડી. વાન્સની સફળતા પાછળ ઉષાનું જ પીઠબળ છે. જે.ડી. વાન્સ ખુદ આ બાબત એકથી વધુ વખત પુરવાર કરી ચૂક્યા છે.
નિક્કી હેલી
નમ્રતા કૌર રંધાવા ઉર્ફે નિક્કી હેલીના માતા-પિતા પંજાબથી અમેરિકા આવીને વસ્યાં છે. નિક્કીએ ક્લેમસન યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગની ડિગ્રી હાંસિલ કરી છે. તે સાઉથ કેરોલિનાનાં ગવર્નર રહી ચૂક્યાં છે. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદની ચૂંટણીના દાવેદાર રહેલાં નિક્કીએ હાલમાં જ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે.
શિવાની રાજા
તાજેતરમાં યુકેમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના રિશિ સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી એટલે કે ટોરીઝનો ભલે કારમો પરાજય થયો હોય પરંતુ, તેમની જ પાર્ટીના 29 વર્ષીય શિવાની રાજા દિગ્ગજ પ્રતિસ્પર્ધીઓને જંગી સરસાઇથી હરાવીને ડાર્ક હોર્સ બનીને ઉભર્યા છે. લેસ્ટર ઈસ્ટમાં 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ્સને જીતાડનાર શિવાનીના માતાપિતા રાજકોટના વતની છે. યુકેની સંસદમાં ભગવત ગીતા પર શપથ લેનારી શિવાની પાસે ફાર્મા અને કોસ્મેટિક સાયન્સની ડિગ્રી છે. તેણે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અને લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને લગભગ 15,000 વોટથી હરાવ્યા હતાં.
પ્રીતિ પટેલ
યુકેની કન્ઝર્વેટિવ પાર્ટીનાં વરિષ્ઠ નેતા પ્રીતિ પટેલ 2010માં પ્રથમ વખત એસેક્સની વિધામ બેઠક પરથી સંસદમાં ચૂંટાયાં હતાંં ત્યારથી એટલે કે સતત 14 વર્ષથી આ બેઠકનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે. અંજનાબહેન પટેલ અને સુશીલભાઇ પટેલના પુત્રી એવા પ્રીતિ પટેલના પતિનું નામ એલેક્સ સોયર છે. મધ્ય ગુજરાતનું તારાપુર પ્રીતિ પટેલનું વતન. તેઓ માતા-પિતા સાથે યુગાન્ડા જઇ વસ્યાં, પણ સરમુખત્યાર ઇદી અમીનના શાસનકાળમાં હકાલપટી થતાં બ્રિટનમાં સ્થાયી થયાં. ‘આયર્ન લેડી’ તરીકે જાણીતાં તત્કાલીન વડાપ્રધાન માર્ગારેટ થેચરના વિચારોથી પ્રભાવિત પ્રીતિ પટેલ વડાપ્રધાન જ્હોન મેજરના કાર્યકાળમાં ટીનેજર તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયાં હતા. આગામી દિવસોમાં તેઓ રિશી સુનાકના અનુગામી તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીનું સુકાન સંભાળે તો નવાઇ નહીં..
પ્રિયંકા રાધાકૃષ્ણન્
ન્યુઝીલેન્ડ સરકારમાં પ્રધાન બનનારાં પ્રિયંકા રાધાકૃષ્ણન્ ભારતીય મૂળનાં પ્રથમ વ્યકિત છે. ભારતમાં જન્મેલાં પ્રિયંકા ભણવા માટે સિંગાપોર ગયા હતાં અને ત્યારબાદ આગળ ભણવા માટે તે ન્યુઝીલેન્ડ પહોંચી ગયાં હતાં. વર્ષ 2006માં પ્રિયંકા ન્યુઝીલેન્ડમાં લેબર પાર્ટીમાં જોડાયાં હતાં. તેઓ 2020થી 2023 સુધી જેસિન્ડા આર્ડેન સરકારમાં કમ્યુનિટી એન્ડ વોલેન્ટરી સેક્ટરનાં મંત્રી રહ્યાં હતાં. હાલમાં તેઓ સાંસદ છે.
અનીતા ઈન્દિરા આનંદ
જુલાઈ 2023થી કેનેડિયન ટ્રેઝરી બોર્ડનાં પ્રમુખ તરીકે કાર્યરત અનીતા ઈન્દિરા આનંદનાં માતાપિતા તમિલનાડુ અને પંજાબના વતની હતા. અનીતા આનંદ ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લો સહિત ચાર અન્ય ડિગ્રી ધરાવે છે.
આ મહિલા નેતાઓ સિવાય લેબર નેતાં અને માત્ર 23 વર્ષની વયે ચૂંટાઇને બ્રિટનમાં સૌથી નાની વયના સાંસદ બનવાનું બહુમાન ધરાવતાં નાદિયા વિટ્ટોમ, તુલસી ગબાર્ડ (યુએસ) સહિત અનેક ભારતીય મૂળની મહિલાઓએ વિશ્વના રાજકીય તખતે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે.