ટોક્યોઃ જાપાનનાં માસાકો વોકામિયા ૮૧ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે આઈફોન માટે એપ બનાવી છે. ‘હિનાદન’ નામની આ એપ લોકોને જાપાનની પરંપરાગત ઢીંગલીઓને યોગ્ય રીતે પ્રદર્શિત કરતા શીખવે છે. માસાકોએ કહ્યું કે મારો હેતુ તો સિનિયર સિટિઝન્સને ટેક્નોફ્રેન્ડલી બનવા માટે પ્રેરિત કરવાનો છે. જેથી તેઓ ટેક્નોલોજીના માધ્યમથી પોતાની જીવનશૈલી વધુ બહેતર બનાવી શકે.
માસાકો વોકમિયા કહે છે કે મેં એક બેંકમાં ૪૩ વર્ષ સુધી નોકરી કરી, પરંતુ મને કમ્પ્યુટર ચલાવતા આવડતું ન હોવાથી ૬૦ વર્ષની વયે નિવૃત્તિ લેવાની મને ફરજ પાડવામાં આવી હતી. મારી સાથે થયેલા વર્તનથી મને ખૂબ માઠું લાગ્યું હતું અને મેં વિચાર્યું કે બદલાતા જમાના સાથે જો મોટી વયના લોકો પોતાની જાતને ન બદલી શકે તો તેમની કેવી કપરી સ્થિતિ થઈ શકે છે.
માસાકો કહે છે કે તે સમયે મારે ખરેખર નોકરી કરવી હતી. હું ઘરે બેસી રહું તે મને મંજૂર નહોતું. આથી મેં હિંમત હાર્યા વગર બજારમાં જઈને કમ્પ્યુટર ખરીદયું. શરૂઆતમાં તો ઘણી મુશ્કેલી પડી. પણ પછી ઓનલાઈન ચેટિંગ શરૂ કર્યું. ધીમે ધીમે લાગ્યું કે હું વિચારતી હતી એટલું આ મુશ્કેલ નથી. આ પછી હું કમ્પ્યુટરમાં એક્સપર્ટ થઈ ગઈ. તેમાં મને મજા પણ આવવા લાગી. ઓનલાઈન પ્રોગ્રામીંગ કોર્સ શીખી લીધો. મને જીવનનો એક નવો ઉદ્દેશ્ય મળી ગયો.
માસાકો કહે છે કે હું મારી વયના લોકોને એટલું જ કહેવા માગું છું કે તમે ટેક્નોફ્રેન્ડલી નહીં હોવ તો શરમાવાની જરૂર નથી. બસ તેને શીખવા માટેની ઈચ્છા ક્યારેય ખતમ ન થવી જોઈએ. સમય પણ પોતાની પાંખો પર ઊડવાનો છે.
આજે માસાકો એક વેબસાઈટ પણ ચલાવે છે. આ વેબસાઈટ વૃદ્ધોને કમ્પ્યુટરની ટ્રેનિંગ આપે છે. તેમને જરૂર પ્રમાણે માર્ગદર્શન આપે છે. તે ઉપરાંત તેમનો એક બ્લોગ પણ છે. તેના માધ્યમથી જાપાની અને અંગ્રેજી ભાષામાં તેઓ પોતાના અનુભવો શેર કરે છે.