જ્યુટનો અર્થ થાય છે, શણ, કંતાન. લોકોમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રસરેલી હોય છે કે કોઈ પણ ચીજ ભરવા માટે કંતાન કે શણનો ઉપયોગ થાય, પરંતુ હવે વાગતા ખૂંચતા કંતાન પર પ્રોસેસ કરીને તેને મુલાયમ બનાવવામાં આવે છે અને તેમાંથી અનેક જીવન જરૂરિયાતની ચીજો પણ બનાવાય છે જે રોજિંદી જિંદગીમાં વાપરતાં સ્ટાઈલિશ પણ લાગે છે અને યુનિક પણ લાગે છે. આજે આપણે શણના જૂતાંની વાત કરીશું.
નેશનલ જૂટ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે કે જ્યુટમાંથી ઘણી ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ બનાવાય છે જેમાં ચંપલનો પણ સમાવેશ થાય છે. ચંપલમાં અલગ અલગ વેરાઇટી પણ જોવા મળે છે.
નેશનલ જ્યુટ બોર્ડ કહે છે કે સ્ટ્રોંગ ફાઇબર એવું જ્યુટ હીટ અને ફાયરપ્રૂફ પણ હોય છે. શણના લાંબા, સોફ્ટ અને ચમકીલા વેજિટેબલ ફાઇબર્સના દોરા બનાવી ત્યાર બાદ એને ગૂંથીને બનાવેલા ચંપલ સસ્તા સુંદર અને ટકાઉ હોય છે.
જૂટની બાયોગ્રેડેબલ ક્વોલિટીને કારણે મહિલાઓ એના ચંપલનો વપરાશ કરવાનું વધુ પસંદ કરે છે. ઉપરાંત ઇકો-ફ્રેન્ડ્લી હોવાથી એનાથી સ્કિનને કોઈ એલર્જી પણ નથી થતી.
જ્યુટમાંથી માત્ર સ્ત્રીઓના જ નહીં પુરુષો માટેનાં ચંપલ અને સેન્ડલ્સ પણ ખૂબ સુંદર ડિઝાઇનમાં મળી રહે છે.
જ્યુટના ચંપલની સૌથી સારી બાબત એ છે કે તેના ભાવ પરવડે એવા નોમિનલ છે. જૂટ પર રંગ, સ્ટોન અને લાકડાનાં મોતી લગાવીને બનાવવામાં આવેલા ચંપલની રેન્જ દોઢસો રૂપિયાથી શરૂ થાય છે અને ૧૦૦૦ રૂપિયા સુધીની હોય છે. નાનાથી લઈને મોટી સાઇઝનાં શણનાં ચંપલ જ્યુટના અસલી રંગમાં અને રંગીન બંને પ્રકારે મળે છે.
કપડાંની જેમ જ હવે એક્સેસરી ડિઝાઈનરની પણ માર્કેટમાં બોલબાલા છે. ખાસ કરીને મોટી મોટી શૂઝ કંપનીઝ વિવિધ ડિઝાઈન માટે શૂઝ ડિઝાઈનર પણ રાખતા હોય છે. તેથી પરફેક્ટ ફિટિંગ માટે બ્રાન્ડેડ કંપની દ્વારા બનાવવામાં આવેલા જ્યુટના ચંપલનો ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત તમે પોતે પણ કોઈ શૂઝ ડિઝાઈનરને મળીને મનગમતા ડિઝાઈનર જ્યુટ ચંપલ ડિઝાઈન કરાવી શકો છો.