શાહિન અન્સારી નામ તો સુના હોગા? જો કદાચ તમે આ નામથી વાકેફ ન હોય તો જણાવી દઈએ કે તાજેતરમાં જ ૪૪ વર્ષીય શાહિન કરાટે વિશ્વ ચેમ્પિયનશિપનાં રેફરી તરીકે નિયુક્તિ પામ્યાં છે. શાહિન નાની હતી ત્યારે તેનાં માતા-પિતા ઇચ્છતા હતા કે તે આત્મરક્ષાની તાલીમ મેળવે. તેથી જ્યારે તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ કરાટે શીખવા લાગી. અઠવાડિયામાં ૬ દિવસ સતત પ્રેક્ટિસ કરે. સ્કૂલના દિવસોથી કોલેજ સુધી રુટિનનું ભણતર પૂરું કરીને ઘરે આવે. લંચ કરે અને કરાટેની પ્રેક્ટિસ કરવા જાય. સ્પર્ધાઓ ક્યારેક રાષ્ટ્રીય સ્તરની તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરની હોય. તેણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અનેક મેડલ જીત્યા.
શાહિનના લગ્ન પોતાના કરાટે ટીચર સલાઉદ્દીન સાથે જ થયા છે. સલાઉદ્દીને તેને કરાટે માટે વધુ ને વધુ પ્રોત્સાહન આપ્યું. ઉલ્લેખનીય છે કે આ એ જ સલાઉદ્દીન અન્સારી છે જેમણે કરાટેમાં બનાવટી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ બહાર પાડ્યું હતું.
શાહિન કહે છે કે અમારા સમાજમાં મહિલાઓ ભાગ્યે જ કરાટે શીખે છે. જોકે મને મારા ઘરના લોકોએ અને મારા પતિએ કરાટેમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. મારા બે બાળકો છે. બાળકોના જન્મ પછી પણ શાહિને કરાટેમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેઓ ડિગ્રી બ્લેક બેલ્ટ છે. તેમના બાળકો પણ હવે કરાટેમાં ફાઈવ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને નેશનલ ચેમ્પિયન છે. વર્ષ ૨૦૧૦માં શાહિને કરાટે મેચ રમવાનું બંધ કર્યું, પણ આ ક્ષેત્રે કોચિંગ આપવાનું ચાલુ રાખ્યું. આજે પણ મુંબઇ અને આસપાસમાં તેના કરાટે ક્લાસ ચાલે છે. શાહિન કહે છે કે, દિવસ દરમિયાન હું ક્લાસ પર ધ્યાન આપું છું અને રોજ સાંજે તથા રવિવારે પરિવાર સાથે સમય પસાર કરું છું.
ઓગસ્ટ ૨૦૧૦માં શાહિને કરાટે મેચના રેફરી થવાની પરીક્ષા આપી હતી. રેફરી થવા માટે તમારે ૬ સ્ટેપમાં પરીક્ષા પાર કરવી પડે છે. બે પરીક્ષાને ‘કાતા’ ટેસ્ટ કહેવાય છે અને ચાર ‘કુમિતે’. આ પરીક્ષાઓમાં શાહિન પાસ થયાં અને તેઓ કરાટે મેચિસ માટે એલિજિબલ રેફરી થઈ ગયાં. સમગ્ર દક્ષિણ એશિયામાં તેઓ પ્રથમ એવી મહિલા છે જે વિશ્વ કરાટે ચેમ્પિયશિપમાં રેફરીની ભૂમિકા ભજવે છે. તેઓ વિશ્વ ચેમ્પિયનશિપ સાથે ઓલિમ્પિકમાં પણ રેફરી બની શકે છે.