તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઇમ’ દ્વારા દુનિયાની સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પર નજર ફેરવશો તો તમને કોર્પોરેટ દિગ્ગજ ગૌતમ અદાણીની સાથોસાથ ભારતની સુપ્રીમ કોર્ટનાં વકીલ કરુણા નંદીનું નામ પણ જોવા મળશે. 46 વર્ષની નાની વયે તેમણે આ બહુમાન મેળવ્યું છે. આ સિદ્ધિ નાનીસૂની નથી તો જાહેરજીવન ક્ષેત્રે - મહિલા અધિકારોના ક્ષેત્રે કરુણા નંદીનું પ્રદાન પણ નાનુંસૂનું નથી. કરુણા નંદી માટે ‘ટાઇમ’એ લખ્યું છેઃ કરુણા વકીલ હોવા ઉપરાંત સાર્વજનિક કાર્યકર્તા પણ છે. તેઓ બહાદુરીની સાથે સાથે પરિવર્તન લાવવા માટે પોતાનો અવાજ - કોર્ટની અંદર અને બહાર બંને સ્થળે - ઉઠાવે છે. ‘ટાઇમ’ મેગેઝીને કરુણાને ‘મહિલા અધિકારોની ચેમ્પિયન’ ગણાવ્યાં છે.
ભોપાલમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ અને લંડનમાં નોકરી કરી ચૂકેલાં કરુણા પત્રકાર તરીકે થોડા સમય માટે ટીવી ચેનલમાં પણ કામ કરી ચૂક્યાં છે. બાદમાં તેમણે પત્રકારત્વ છોડીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. આ પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીથી એલએલએમ કર્યું. કરુણા વકીલ જ કેમ બન્યાં? તેનો જવાબ આ ઘટનાથી મળી શકે છે. કરુણા જ્યારે 15 વર્ષનાં હતાં ત્યારે તેમના જ ક્લાસના વિદ્યાર્થીએ તેમનો પીછો કર્યો હતો. તેમને દુષ્કર્મની ધમકીઓ પણ મળી. હેડ માસ્ટરને ફરિયાદ કરી પણ કોઈ અસર ન થઈ. આ સમગ્ર ઘટનાક્રમે કરુણાની વિચારધારા પર અસર કરી. કરુણા દેશના અનેક ચર્ચિત કેસો સાથે જોડાયેલાં રહ્યાં છે. તેઓ કહે છેઃ હું અનેકવાર એવા કેસ લઉં છું જેની ભારતીય સમાજ પર લાંબો સમય સુધી અસર રહે.
સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ડિગ્રી લીધા બાદ કરુણાએ ફિલ્મ સ્કૂલમાં અરજી કરવાનું નક્કી કરી લીધું હતું. બાદમાં તેમનો ઝૂકાવ કાયદાના અભ્યાસ તરફ થઈ ગયો. કાયદાના અભ્યાસ બાદ તેઓ ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂનલ્સમાં વકીલ તરીકે જોડાયાં. તેમણે યુનાઇટેડ નેશન્સની સાથે પણ કામ કર્યું. કરુણા સમાજ માટે કંઈક કરવા માંગતાં હતાં, તેથી ભારત પરત આવવાનો નિર્ણય કર્યો. તેના કારણે તેમના પિતાએ હાર્વર્ડ મેડિકલ સ્કૂલની નોકરી છોડી દીધી. કરુણાનાં માતા પણ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રતિષ્ઠિત હિસ્ટ્રી પ્રાઇઝથી સન્માનિત થઇ ચૂક્યાં છે.
કરુણાને ગીત લખવાનો પણ શોખ છે. તેમણે પોતાના પિતાના 80મા જન્મદિવસે એક જેઝ સોન્ગ લખ્યું હતું. એ ગીતના માધ્યમથી કરુણાએ જણાવ્યું કે કેવી રીતે તેમના પિતાએ તેમને એક સ્વતંત્ર અને મજબૂત મહિલા બનવામાં મદદ કરી. કરુણા ડોગ લવર પણ છે. અનેકવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પેટ ડોગ ટિગ્ગર સાથે ફોટો પોસ્ટ કરે છે. લીગલ એજ્યુકેશનથી જોડાયેલા વિભિન્ન સંસ્થાનો સાથે પણ તેઓ સંકળાયેલા છે.
કરુણાના બે સૌથી બહુચર્ચિત પ્રદાનની વાત કરીએ તો...
• ૨૦૧૨માં દિલ્હીના નિર્ભયા રેપ કેસ બાદ કરુણાએ એન્ટી રેપ લો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. આ કાયદામાં પહેલી વાર યુવતીનો પીછો કરવો અને તાકી તાકીને જોવા જેવી બાબતને બિનજામીનપાત્ર અપરાધ ઘોષિત કરાયા, તેમાં શરત એવી હતી કે અપરાધી બીજી વાર આ અપરાધ કરતાં પકડાયો હોય.
• કરુણા નંદીએ 2016માં સ્પાઇસજેટ એરલાઇન્સની વિરુદ્ધ થયેલા કેસમાં સેરેબ્રલ પાલ્સીથી પીડિત જીજા ઘોષનું પ્રતિનિધિત્વ કર્યું. જીજા સ્પાઇસજેટથી કોલકાતાથી ગોવા જઈ રહી હતી. એરલાઇન્સે તેમને ફ્લાઇટમાંથી એવું કહીને ઉતારી દીધા કે તેઓ શારીરિક રીતે ઉડાન ભરવા માટે સક્ષમ નથી. અપમાનિત જીજા ઘોષ કોર્ટ પહોંચ્યાં. કેસ કરુણા નંદીએ લડ્યો અને સ્પાઇસજેટ એરલાઇન્સ વિરુદ્ધ વિજય મેળવ્યો.
ઉપલબ્ધિઓની લાંબી યાદી
• કરુણા કાયદા સાથે જોડાયેલું ફ્રેમવર્ક તૈયાર કરવા માટે નેપાળ, પાકિસ્તાન અને ભૂતાન સરકારની સાથે પણ કામ કરી ચૂક્યાં છે. માલદીવમાં એટર્ની જનરલના કાર્યાલય અને માલદીવની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સાથે પણ કામ કર્યું.
• ભોપાલ ગેસ કાંડના પીડિતોને સ્વચ્છ પાણી અને જરૂરિયાતો માટે સફળ રજૂઆત કરી છે.
• 2019માં બ્રિટને મીડિયાની સ્વતંત્રતાની રક્ષા માટે કાયદાકીય ફ્રેમવર્ક તૈયાર કરવા એક પેનલ બનાવી હતી, તેમાં કરુણાને પણ સ્થાન મળ્યું હતું.
• 2019માં તેમને લંડનમાં ગ્લોબલ ટ્રસ્ટ લો એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો.
• 2020માં ‘ફોર્બ્સ’ મેગેઝીને કરુણાને ‘સેલ્ફ મેડ વુમન 2020’ની યાદીમાં સ્થાન આપ્યું હતું.