કાબુલઃ કટ્ટરવાદના રંગે રંગાયેલા તાલિબાનો સમય સાથે ચાલવા પ્રયત્નશીલ હોવાનો દાવો તો કરે છે, પરંતુ વરવી વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. તાલિબાની શાસનમાં કન્યા શિક્ષણના મામલે મોટું નાટક ભજવાઇ ગયું. અફઘાનિસ્તાન સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે રાજધાની કાબુલ સહિત અનેક પ્રાંતોમાં 23 માર્ચથી કન્યા શાળાઓ ફરી થશે, જ્યારે કંદહારમાં એપ્રિલ પછી શાળાઓ ખુલશે. આ જાહેરાત અનુસાર રાજધાની સહિતના પ્રાંતોમાં 23 માર્ચે કન્યા શિક્ષણ શરૂ તો થયું હતું, પરંતુ ગણતરીના કલાકોમાં જ સરકારે તેને બંધ કરવાનો આદેશ જારી કરી દીધો હતો.
ગયા વર્ષે ઓગસ્ટમાં તખ્તાપલટ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓનું શિક્ષણ બંધ કરાવી દીધું હતું. પછી આ વર્ષના પ્રારંભે તાલિબાને જાહેરાત કરી હતી કે દેશમાં ફરી એક વાર છોકરીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે અને શાળાઓ ખોલવામાં પણ આવી હતી, પરંતુ કેટલાક વર્ગો પછી શાળાને તાળાં મારી દેવાયા હતા.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે હા, તે સાચું છે. આ આદેશ બાદ વિદ્યાર્થિનીઓમાં ઉચાટ ફેલાઈ ગયો હતો. તાલિબાનના આ પગલાથી યુદ્ધગ્રસ્ત દેશમાં છોકરીઓના શિક્ષણને લઈને નવી ચિંતાઓ ઊભી થવાની શક્યતા છે. દેશમાં સત્તા કબજે કર્યા પછી, તાલિબાને મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોનું ‘રક્ષણ’ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે ભાગ્યે જ કોઇ વચન પાળ્યું છે.
તાલિબાન સરકારે સપ્ટેમ્બર 2021માં ધોરણ 6 સુધીની બાળાઓ માટે કેટલીક શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી. તે જ સમયે, યુવતીઓને પણ યુનિવર્સિટીઓમાં જવાની છૂટ આપવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થિનીઓના ઉચ્ચ અભ્યાસ માટે શાળાઓ ખુલી જ નહોતી, અને ઇસ્લામિક અમિરાતે જાહેરાત કરી હતી કે તમામ છોકરીઓ માટે ‘શક્ય તેટલી વહેલી તકે’ શિક્ષણ વર્ગો ફરી શરૂ થશે.