હિન્દીમાં સુઈ ધાગા કે ગુજરાતીમાં સોય દોરો આ શબ્દો સાંભળો તો તમને થાય કે ચોક્ક્સ કંઈક ફાટેલું મટીરિયલ સાંધવાની વાત હશે, પણ તમને જણાવી દઈએ કે સુઈ ધાગા કે સોય દોરો એ બુટ્ટીનો એક પ્રકાર છે. સોના, ચાંદી, પ્લેટિનમ કે ઈમિટેશન વર્કમાં મળી રહેતાં આ કાનમાં પહેરવાનાં સોય દોરા સ્ત્રીનાં કાનમાં શોભી પણ ઊઠે છે. મોતી કે સોલિટેરના ઉપયોગથી બનાવાયેલા સોય દોરા આજકાલ ઈનટ્રેન્ડ છે. જો જાતે જ તેની ઘડાઈ કરાવવાના હોય તો તમે તમારી ડોકની લંબાઈ પ્રમાણે સોય દોરા બુટ્ટીની લંબાઈ રખાવી શકો છો.
સોય દોરાનાં પ્રકાર
સોય દોરા તમને કમ્ફર્ટેબલ હોય એટલા વજનના તમે બનાવડાવી પણ શકો અને બજારમાંથી તૈયાર ખરીદી પણ શકો છો. સોય દોરા જુદી જુદી સ્ટાઈલથી બને છે. છેડે એક જ પર્લ કે ડાયમંડનો ગુચ્છો હોય અથવા ટોપકું હોય અને એક છેડો સીધો ઘડેલો હોય તેવા સોય દોરા બજારમાં ઉપલબ્ધ હોય છે. ઘણા સોય દોરામાં છેલ્લા સીધા ભાગને કાનમાં નાંખીને પેચ ભરાવી શકાય તેવા સુઈ ધાગા ઇયરિંગ પણ માર્કેટમાં મળી રહે છે.
સોય દોરા બુટ્ટીમાં એક સ્ટાઈલ એવી પણ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે કે જેનો સીધો છેડો કાનમાં પરોવી દેવાય. તેના બીજા છેડે જડાયેલું નંગ કે મોતી કે ટોપકાં જેવી બુટ્ટી કાનની બુટમાં આવી જાય અને સોય દોરાનો સીધો છેડો વિંધાયેલા કાનની પાછળના ભાગમાંથી થઈને લટકતો રહે.
આ સિવાય બે દોરીની વચ્ચેનો ભાગ સીધો હોય તેવા સોય દોરા પણ બજારમાં મળે છે. આ પ્રકારનાં સોય દોરામાં બુટ્ટીનો એક છેડાનો ભાગ ફોલ્ડિંગ હોય છે અથવા બંને છેડાનાં ભાગ ફોલ્ડિંગ હોય છે. આવા સોય દોરામાં ચેઈનની બંને છેડે આવેલા ભાગ પર મોતી, ડાયમંડ કે બુટ્ટીથી એક સરખી બનાવાયેલી હોય છે કે પછી બંને છેડે અલગ અલગ ડિઝાઈન પણ જોવા મળે છે. આ ઉપરાંત ચેઈન કે દોરીના છેડાના ભાગને વળાંક આપીને પણ સુઈ ધાગા બુટ્ટી બને છે. આ પ્રકારની લટકતી બુટ્ટી ખૂબ જ બ્યુટીફુલ લુક આપે છે.
પ્રસંગ પ્રમાણે લુક
ખાસ કરીને લટકતી સેરવાળી બુટ્ટી તમને પસંદ હોય તો સોય દોરા બુટ્ટીની પ્રસંગો મુજબ તમે પસંદગી કરી શકો છો. એક સેરથી લઈને બે ત્રણ કે પાંચ સેર સુધીની સોય દોરા બુટ્ટી તમે પ્રસંગ પ્રમાણે પસંદ કરી શકો છો.
જો તમારે ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસ પહેરવાનો હોય તો ઝુમકી સોય દોરા, હેવિ લટકણ સોય દોરા કે ચાંદબાલી સોય દોરા પસંદ કરી શકો છો. બેથી લઈને પાંચેક ચેઈન ધરાવતાં સોય દોરા તમને હેવિ રજવાડી લુક આપશે.
જો તમારે ઇવનિંગ પાર્ટીમાં કે ફંક્શનમાં જવાનું હોય તો સિમ્પલ મોતીની કે ડાયમંડ સેર ધરાવતા સોય દોરા પસંદ કરવા. સોના ચાંદી કે પ્લેટિનમ ચેઈનમાં વચ્ચે ત્રણથી પાંચ ડાયમંડ કે મોતી પરોવ્યા હોય તેવા સોય દોરા આ પ્રસંગે રિચ લુક આપશે. મીડિયમ સાઈઝનાં પર્લ કે ડાયમંડની સેર અને સીધો છેડો કાનમાં પરોવી દેવાય તેવા સોય દોરા આ પ્રસંગ માટે પરફેક્ટ રહેશે. હા આવા સોય દોરામાં સેફ્ટી માટે પેચ હોવા જરૂરી છે.
રોજિંદી જિંદગીમાં ઓફિસે જતાં વન ચેઈન સોય દોરા કોર્પોરેટ લુક માટે પરફેક્ટ સાબિત થાય છે. સિમ્પલ ચેઈન સોય દોરા તમે ઓફિસે પહેરી શકો. એની લંબાઈ તમે નક્કી કરીને ઘડાવો તો સારામાં સારું. આ ઉપરાંત વન પર્લ કે વન ડાયમંડ સોય દોરા બજારમાં મળી રહે છે તે તમે ઓફિસે પહેરી શકો છો.