કામ્યા કાર્તિકેયનઃ ભારતની સૌથી નાની વયની એવરેસ્ટ આરોહક

Sunday 02nd June 2024 09:37 EDT
 
 

મુંબઇઃ મહાનગરની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 16 વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરીને ઇતિહાસ રચ્યો છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા ભારતની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક બની ગઇ છે.
હજુ તો 12મા ધોરણમાં અભ્યાસ કરતી કામ્યા અને તેના પિતાએ 20 મેના રોજ 8849 મીટર ઊંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. પુત્રી-પિતાએ નેપાળથી પર્વતારોહણ શરૂ કર્યું હતું. કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં પેલાયેલા ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે તેણે ડિસેમ્બરમાં એન્ટાર્કટીકાના માઉન્ટ વિનસન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે.
ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની સહાયથી પુત્રી અને પિતાએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની અનોખી સિદ્ધિ મેળવી છે. ફાઉન્ડેશનના ચેરમેન ચાણક્ય ચૌધરીએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે કામ્યાએ આટલી નાની ઉંમરે આભને આંબતી સિદ્ધિ હાંસલ કરી છે તે સહુ કોઇ માટે પ્રેરણારૂપ બની રહેશે. પર્વતારોહણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને સફળતા બદલ તાજેતરમાં જ કામ્યાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત કરાયો છે.
કામ્યા તેના પિતા અને પર્વતારોહકોની ટીમ સાથે છઠ્ઠી એપ્રિલે નેપાલના કાઠમંડુ પહોંચી હતી. 16મેએ તેમણે અંતિમ લક્ષ્ય હાંસલ કરવા આરોહણ શરૂ કર્યું હતું અને 20 મેના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરીને ગર્વભેર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. ‘હિમાલય-પુત્રી’નું બિરુદ આપી શકાય એવી કામ્યાએ માત્ર સાત વર્ષની ઉંમરે હિમાલયમાં પર્વતારોહણની શરૂઆત કરી હતી. 2015માં આટલી નાની ઉંમરે તેણે 15 હજાર ફૂટ ઊંચું ચંદ્રશીલા શિખર સર કર્યું હતું. મે 2017માં તે 17,600 ફૂટની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ-કેમ્પ સુધી પહોંચી હતી. આટલી નાની વયે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી પણ તે દુનિયાની બીજી છોકરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter