વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બાઇડેને કાશ્મીરી મૂળનાં મહિલા શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડનાં રાજદૂત બનાવ્યાં છે. ઉપપ્રમુખ કમલા હેરિસે રાજદૂત તરીકે શેફાલીને શપથ લેવડાવ્યાં હતાં.
ભારતીય મૂળના કાશ્મીરી પંડિત શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડના રાજદૂત બનાવવા માટે પ્રમુખ જો બાઇડને ભલામણ કરી હતી. એ પછી સેનેટમાં ધ્વનિ મતથી નેધરલેન્ડમાં અમેરિકન રાજદૂત તરીકે શેફાલીની પસંદગી થઈ હતી. સેનેટની મંજૂરી બાદ ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસે શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડના અમેરિકન રાજદૂતના પદે શપથ લેવડાવ્યાં હતાં. કમલા હેરિસે ટ્વિટરમાં આ અંગેની જાણકારી આપી હતી. શેફાલી આ ક્ષણે ભાવુક બન્યાં હતાં.
50 વર્ષના શેફાલી ડેમોક્રેટિક પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલાં છે. 2020ની પ્રમુખપદની ચૂંટણી વખતે ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ ક્રેડેન્શિયલ કમિટિનાં વાઈસ ચેરમેન હતાં. તે પહેલાં 2016ની ચૂંટણીમાં પણ તેઓ પાર્ટીની નેશનલ કમિટિમાં સભ્ય હતાં. 2012માં પણ તેમણે ક્રેડેન્શિયલ કમિટીના સભ્ય તરીકે ફરજ બજાવી હતી. અગાઉ તેઓ પક્ષની નેશનલ ફાઇનાન્સ કમિટિમાં તેઓ સભ્ય હતાં.