જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો સામનો કરીને જે આગળ વધે છે એ જ ભવિષ્યમાં સફળતાના શિખરને સર કરી શકે છે. સમય-સંજોગો સામે બાથ ભીડનારા આવા વીરલા જૂજ હોય છે અને આમાં કિરણ કનોજિયાનો સમાવેશ થાય છે.
હરિયાણાના ઓલ્ડ ફરિદાબાદમાં રહેતી કિરણ કનોજિયાનાં માતાપિતા કપડાંને ઇસ્ત્રી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. ઘરની સાવ સામાન્ય પરિસ્થિતિમાં તેનો ઉછેર થયો હતો. ત્રણ ભાઇ-બહેનમાં કિરણ સૌથી મોટી હતી. આર્થિક તંગી હોવા છતાં સંતાનો ભણીગણીને આગળ વધે એવું પિતા ઇચ્છતા હતા તેથી કિરણ ભણવામાં મહેનત કરતી હતી. તેની મહેનત રંગ લાવી અને બારમા ધોરણમાં સારા ટકા સાથે તે પાસ થઈ. તેથી સારી કોલેજમાં એડિમેશન મળી ગયું. ફર્સ્ટ યરમાં ટોપ કરવાથી કોલેજ તરફથી આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ મળી.
અભ્યાસની સાથે સાથે તેજસ્વી કિરણે પાર્ટ ટાઇમ જોબ કરવાનું પણ શરૂ કર્યું. તેથી ઘરની સ્થિતિ સુધરવા લાગી. અભ્યાસ પૂર્ણ થતાં તેને ઇન્ફોસિસ જેવી ભારતની ટોચની આઇટી કંપનીમાં જોબ મળી ગઇ, અને કિરણ ફરિદાબાદથી હૈદરાબાદ જતી રહી.
સારી જોબ મળવાને કારણે તેની ખુશીનો કોઈ પાર નહોતો, પરંતુ કુદરતને કંઇક ઔર જ મંજૂર હતું. 2011ની વાત છે. 25 ડિસેમ્બરે તેનો જન્મદિવસ હતો. તે પરિવારજનો સાથે બર્થ-ડે મનાવવા 24 ડિસેમ્બરે ટ્રેનમાં ઘરે પરત ફરી રહી હતી. એ દરમિયાન અકસ્માત થયો. એમાં કિરણ તો બચી ગઇ પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે તેનો પગ કાપવો પડ્યો. અચાનક હસતી-દોડતી કિરણના ચહેરા ઉપરથી હાસ્ય ને ખુશી ગાયબ થઇ ગયાં.
કિરણ કહે છે, કેક કાપવાને બદલે મારો પગ કાપવો પડ્યો. હું બહુ નિરાશ થઇ ગઇ હતી. લોકો પણ મારી સાથે હું જાણે લાચાર હોઉં એવું વર્તન કરતાં હતાં. મને આ વરવી વાસ્તવિક્તાને સ્વીકારતાં બે વર્ષ લાગ્યાં હતાં. એ દરમિયાન પિતા હંમેશાં મારા ઉત્સાહમાં વધારો કરતાં હતા. તેઓ સુધા ચંદ્રનનું ઉદાહરણ આપીને મને હિંમત આપતાં હતા.
કિરણ કહે છે કે મેં મેડિટેશન કરવાનું શરૂ કર્યું. રિકવરી પછી આર્ટિફિશિયલ લેગ લગાવવાની પ્રોસેસ શરૂ થઇ. પ્રોસ્થેટિક લેગ લગાવીને ફરી એક વખત પેરન્ટ્સનો હાથ પકડીને ચાલવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હું સ્વસ્થ થઇ અને મેં જોબ કરવાનું શરૂ કર્યું. હલનચલન ઓછું થઇ જવાને કારણે મારું વજન વધી ગયું. તેથી એક્ટિવ લાઇફસ્ટાઇલ જરૂરી છે, એવું ડોક્ટરે સૂચન કર્યું. ડોક્ટરે પ્રોસ્થેટિક લેગને બદલે બ્લેડ ઓર્ડર કર્યો, જે રનિંગમાં હેલ્પ કરે છે. મેં એ આર્ટિફિશિયલ લેગથી પહેલાં ચાલવાનું અને પછી હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું. આ ટ્રેનિંગ દરમિયાન હું ખરેખર દોડવા લાગી.
કિરણમાં હવે હિંમતનો સંચાર થયો હતો. તેણે બાપડી બિચારી બનીને જીવવા કરતાં કંઇક કરી બતાવવાનું નક્કી કર્યું. હૈદરાબાદમાં થનારી મેરેથોનમાં તેણે ભાગ લીધો. પાંચ કિલોમીટરની દોડમાં તે થોડું દોડી તો થોડું ચાલી. આ રીતે અંતર પૂર્ણ કર્યું. એમાં તેની હિંમત વધુ ખૂલી ગઇ, લોકોએ પણ તેને પ્રોત્સાહિત કરી. બસ, પછી કિરણે 10 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો. પછી વિચાર્યું હવે 21 કિલોમીટર ભાગવું છે.
કિરણ કહે છે, ‘મને ઘણાં લોકોએ કહ્યું કે બીજા પગ ઉપર શા માટે લોડ લે છે. સિમ્પલ લાઇફ જીવ. મેં વિચાર્યું કે સ્ટ્રગલ નહીં કરું, ચેલેન્જ નહીં લઉં તો આગળ નહીં વધી શકું. મેં મારી જાત માટે ચેલેન્જ લીધી. પાંચ મહિના ટ્રેનિંગ લીધી. મનોબળ મજબૂત બનાવીને સામાન્ય લોકોની સાથે 21 કિલોમીટર દોડી. 21 કિલોમીટર પૂર્ણ કરવામાં મને સાડા ત્રણ કલાક લાગ્યા. જ્યારે ફિનિશ લાઇન પર પહોંચી ત્યારે જીવનમાં કંઈ એચિવ કર્યું હોવાનો સંતોષ થયો. હું ઇન્ડિયાની પહેલી ફીમેલ બ્લેડ રનર બની ગઇ. પરિણામે દુનિયા આજે મને ઓળખે છે. હું સાઇકલિંગ કરી શકું છું. સ્વિમિંગ કરી શકું છું. જોબ કરું છું. આજે હું મારું અને મારા ફેમિલીની સંભાળ લઇ શકું છું. હું નોર્મલ લાઈફ જીવી રહું છું.’