લંડનઃ યુવાન લેખિકા, નાટ્યલેખક અને કવયિત્રી કિરણ મિલવૂડ હારગ્રેવને વોટરસ્ટોન્સ ચિલ્ડ્રન્સ બૂક પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. તેમની પ્રથમ નોવેલ ‘ધ ગર્લ ઓફ ઈન્ક એન્ડ સ્ટાર્સ’થી જજીસ ભારે પ્રભાવિત થયા છે. કિરણનો જન્મ લંડનમાં ૨૯ માર્ચ ૧૯૯૦ના રોજ થયો હતો. તેમણે ૨૦૦૯થી પબ્લિકેશન્સ માટે લખવાનું શરૂ કર્યું હતું.
કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની પૂર્વ ૨૭ વર્ષીય વિદ્યાર્થિની કિરણની કેનરી આઈલેન્ડ્સની પરંપરાગત કથાઓ તેમજ બાળપણમાં લા ગોમેરાના જ્વાળામુખી ટાપુની મુલાકાતથી પ્રભાવિત ભારે કલ્પનાપૂર્ણ વાર્તા લખવા બદલ જજીસે પ્રશંસા કરી હતી. મૂળ આ વાર્તા ‘કાર્ટોગ્રાફર્સ ડોટર’ નામે લખાઈ ત્યારે પ્રસિદ્ધ લેખક ફિલિપ પુલમાનની ‘ધ ફાયરવર્ક-મેકર્સ ડોટર’ નવલકથામાંથી કિરણે પ્રેરણા મેળવી હતી.
આઈલેન્ડ ઓફ જોયામાં રહેતી ઈઝાબેલા રિઓસના સાહસોની આ વાર્તા છે, જેની સ્વપ્નાની દુનિયામાં નકશાકાર પિતાએ દોરેલાં દૂરસુદૂરના સ્થળોએ જ રમે છે. તેની શ્રેષ્ઠ મિત્ર રહસ્યમય જંગલમાં ગુમ થઈ જાય છે ત્યારે ઈઝાબેલા તેને શોધવા નીકળી પડે છે. કિરણની વાર્તામાં રહસ્ય, જાદુ અને સાહસનું મંત્રમુગ્ધ કરતું સંમિશ્રણ છે.
લંડનમાં ગુરુવાર, ૩૦ માર્ચે કિરણને યુવાનોના ફિક્શન અને સમગ્ર બુક કેટગરીઝમાં વિજેતા જાહેર કરાઈ ત્યારે વોટરસ્ટોન્સ ચિલ્ડ્રન્સ લોરીએટ ક્રિસ રિડેલની ઉપસ્થિતિમાં ઈનામ તરીકે ૫,૦૦૦ પાઉન્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. કિરણ તેના ફિઆન્સ આર્ટિસ્ટ ટોમ દ ફ્રેસ્ટન સાથે ઓક્સફર્ડમાં રહે છે.