લંડનઃ કોઈ સગર્ભાને બાળકનો જન્મ થવો અને તે પણ જોડકાં બાળક હોય તેમાં કોઈ નવાઈ નથી પરંતુ, એસેક્સના બ્રેઈનટ્રીમાં રહેતી ૨૮ વર્ષની કેલી ફેરહર્સ્ટની વાત જ ન્યારી છે. કુદરતે પોતાનો કરિશ્મા દર્શાવી કેલીને બે ગર્ભાશય આપ્યાં છે એટલું જ નહિ, તે બંનેમાં બાળક મૂકીને સુખદ આંચકો આપ્યો છે. કેલીએ કદાચ બે વખત પ્રસૂતિની વેદનામાંથી પસાર થવું પડે તેવી પણ શક્યતા ડોક્ટરોએ જણાવી છે. મેડિકલ સાયન્સ મુજબ આ ૫૦ મિલિયને થઈ શકતી અજબગજબની શક્યતા છે.
ટેસ્કોની વર્કર કેલી અને તેનો ૩૪ વર્ષીય બોયફ્રેન્ડ જોશુઆ બોન્ડીને આ સમાચાર કેલીના ૧૨ સપ્તાહના સ્કેનિંગ પછી ડોક્ટરોએ આપ્યા છે. ડોક્ટરોએ કેલીને બે ગર્ભાશય અને તે બંનેમાં એક એક બાળક હોવાની વધામણી આપી હતી. આ પરિસ્થિતિ અતિ દુર્લભ છે અને કદાચ ૫૦ મિલિયને આવો કેસ હોય તેમ પણ ડોક્ટરોએ કહ્યું છે. કેલીને હાલ બે બાળકી- ચાર વર્ષની એગ્નેસ અને ત્રણ વર્ષની માર્ગો છે. આ બંને બાળકીઓનો અધૂરા માસે જન્મ થયો હતો. માર્ગોનાં જન્મ સમયે જ કેલીને કહેવાયું હતું કે તેના ગર્ભાશયની રચના સંપૂર્ણ નથી. આથી, કેલી જ્યારે સ્કેનિંગ કરાવવાં ગઈ ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેને તો બે ગર્ભાશય છે અને બંનેમાં બેબી છે ત્યારે તે ભારે આશ્ચર્યમાં પડી ગઈ હતી.
ડોક્ટરોને ચિંતા છે કે ટ્વીન્સનો જન્મ અધૂરા માસે થઈ શકે અથવા તેની બે વખત પ્રસૂતિ થઈ શકે છે. કેલીના બે સંતાનનો જન્મ અધૂરા માસે થયો હોવાથી નવાં બે બાળકનો જન્મ તે સિઝેરિયન સેક્શનથી કરાવવા માગે છે. જોકે, છેલ્લી બે પ્રસૂતિ ઘણી અપરિપક્વ રીતે પાર પડી હોવાથી જોખમ આવી શકે છે. આથી, તે ભારે મૂંઝવણમાં છે. કેલી કહે છે કે,‘અમારા પરિવારમાં ટ્વીન્સ છે અને મારી નાના જ ટ્રિપ્લેટ હતી. જોકે, તમારી સાથે આવું બની શકે તેવું તમે કદી વિચાર્યું જ ન હોય. ખાસ કરીને મને તો એવી કલ્પના પણ ન હતી કે મારે બે અલગ ગર્ભાશયમાં એકસરખા ટ્વીન્સ હશે.’
સાઉથ લંડનના ટૂટિંગમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં પ્રસૂતિશાસ્ત્રની નિષ્ણાત પ્રોફેસર અસ્મા ખલીલ કહે છે કે,‘ યુટ્રસ ડિડલફીસ (uterus didelphys- બે ગર્ભાશય) જન્મજાત અસામાન્યતા છે જેમાં, અલગ ગર્ભમુખ સાથે બે ગર્ભાશય હોય છે અને કદાચ બે યોનિ પણ હોઈ શકે. દર ૩૦૦૦માંથી એક સ્ત્રીને બે ગર્ભાશય હોઈ શકે છે. સમગ્ર વિશ્વમાં યુટ્રસ ડિડલફીસ સાથે બે સમાન જોડકાંને જન્મ આપ્યો હોવાના ગણ્યાંગાંઠ્યા કેસ નોંધાયા છે. આ અતિશય દુર્લભ છે. તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે અને એક કિસ્સામાં ૨૫મા સપ્તાહે એક બાળક અવતર્યું હતું અને બીજાં બાળકનો જન્મ પ્રેગનન્સીના પાછળના સમયમાં થયો હતો.’