સિઝન ગમે તે હોય ત્વચા સાફ રહે તો આપોઆપ સુંદરતા મળી રહે. ત્વચાને સાફ કરવાથી ત્વચાને ગંદકી, ઓઇલ અને મૃતકોષોથી મુક્ત કરી શકાય છે. ત્વચાને તંદુરસ્ત રાખવા તેને સાફ રાખવી એ મહત્ત્વનું છે. આમ તો માર્કેટમાં અનેક પ્રકારના ત્વચાને સાફ રાખવાના બોડી વોશ અને ક્લિન્ઝિંગ પ્રોડક્ટ મળે છે, પરંતુ એના ઉપયોગની તમારી ત્વચા પર શું અસર થશે તેની જાણકારી મેળવવી અઘરી બને છે. ઘરેલુ ક્લિન્ઝર આમ તો શ્રેષ્ઠ ઉપાય ગણાય એટલે અહીં કેટલીક એવી જ ટિપ્સ આપી છે.
• દહીં કાકડીનું ક્લિન્ઝરઃ એક ટેબલ સ્પૂન દહીં અને અડધી કાકડીનું મિક્સરમાં મિશ્રણ કરી લો. ચહેરાને હૂંફાળા પાણીથી ધુઓ જેથી રોમ છિદ્રો ખૂલો. ત્યાર પછી દહીં અને કાકડીની પેસ્ટ ચહેરા પર લગાડી ૧૫ મિનિટ બાદ ધોઈ નાખો.
• દહીં બેસનનું ક્લિન્ઝરઃ એક બાઉલમાં દોઢ ચમચો દહીં અને એક ચમચો બેસન લો. બંનેની ચીકણી પેસ્ટ બનાવો. પાણીથી ચહેરો ધોઈ થપથપાવી સૂકવો. પેસ્ટ ચહેરા પર મિશ્રણ લગાડી ૧૦-૧૫ મિનિટ સુકાવા દો. હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
• દૂધ ઓટ્સ ક્લિન્ઝરઃ અડધો લીટર દૂધમાં એક કપ ઓટ્સ, અડધો કલાક ઉકાળો. એ પછી એને ગાળી રૂના પૂમડાંથી ચહેરા અને ગરદન પર લગાડો. ૧૦-૧૫ મિનિટ પછી તે ધોઈ નાંખો. વધેલું પ્રવાહી ફ્રીઝમાં ત્રણ દિવસ સુધી રાખી શકાય છે. બીજું એક ઓટ્સ ક્લિન્ઝર એ પણ છે કે એક કે બે ટેબલસ્પૂન ઓટ્સ દૂધ કે છાશ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખો.
• લીંબુ ટામેટાં ઓટ્સ ક્લિન્ઝરઃ બે ટી સ્પૂન ટોમેટો પલ્પ, એક ટી સ્પૂન દૂધ અને એક ટી સ્પૂન લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાડી દસ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.
• દૂધ બદામ ક્લિન્ઝરઃ એક મુઠ્ઠી બદામ વાટી લો. તેમાં દૂધ કે ક્રીમ નાંખી ચીકણી પેસ્ટ બનાવો. એક ટીસ્પૂન લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર ગરદન પર લગાડી ૧૦-૧૫ મિનિટ બાદ ધોઈ નાંખો. હૂંફાળા પાણીથી હળવા હાથે ચહેરો સાફ કરો.
• મધ બદામ ક્લિન્ઝરઃ બદામ ૨૫૦ મિલી પાણીમાં આખી રાત પલાળી રાખો. બદામ અને પાણીને મિશ્રણ દૂધ જેવું થાય ત્યાં સુધી વાટો. આ મિશ્રણને મલમલના કટકાથી ગાળી લો. આ પ્રવાહીમાં એક ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. આ મિશ્રણને રૂના પૂમડાંથી ચહેરા અને ગરદન પર લગાડો. ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો.
• મધ એલોવેરા જેલ ક્લિન્ઝરઃ મધ અને એલોવેરા જેલ મિક્સ કરી ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો
• મધ લીંબુ ક્લિન્ઝરઃ દોઢ ચમચો મધ અને એક લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ થોડી વાર હથેળીમાં ઘસો જેથી એ થોડું ગરમ થાય અને પછી ચહેરા પર એનું પાતળું લેયર કરો. ૧૦-૧૫ મિનિટ બાદ હૂંફાળા પાણીથી એ ધોઈ નાંખો. ત્યાર બાદ ચહેરા પર ઠંડા પાણીની છાલક મારો જેથી ખુલ્લાં રોમછિદ્રો બંધ થઈ જાય. આ ઓઈલી ત્વચા માટે ખાસ ફાયદાકારક છે.