કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમનની વ્યાખ્યા અપડેટ કરી

Saturday 07th January 2023 08:07 EST
 
 

નવી દિલ્હી: કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમન (મહિલા)ની પોતાની વ્યાખ્યાને અપડેટ કરી છે. ડિક્શનરી અનુસાર જન્મના સમયે કોઇ પણ લિંગ કેમ ન હોય પણ મહિલાના રૂપમાં ઓળખાતી કોઇ પણ વ્યક્તિને હવે વુમન કહેવાશે. ઓનલાઇન ડિક્શનરીએ તાજેતરમાં જ વુમન શબ્દની એક પૂરક વ્યાખ્યા પણ જોડી છે, જેમાં ટ્રાન્સજેન્ડર લોકો પણ સામેલ છે. હવે તેણે વુમનની વ્યાખ્યાનો વિસ્તાર કરતા તે લોકોને પણ તેમાં સામેલ કર્યા છે, જેમની જન્મ સમયે લિંગ (જેન્ડર) ભલેને ગમે તે હોય પણ તેઓ પોતાને મહિલાના રૂપમાં ઓળખે છે.
હવે ડિક્શનરીનું કહેવું છે કે એક સ્ત્રી એક એવી એડલ્ટ પણ હોઇ શકે છે, જે મહિલાની જેમ રહેતી અને ઓળખાતી હોય, પછી ભલેને જન્મના સમયે તેના લિંગની ઓળખ બીજી કોઇ કેમ ન કરાઇ હોય. ડિક્શનરીએ તેને એક પુખ્ત મહિલા માનવીની વ્યાખ્યા ગણાવી છે. તેની સાથે તેણે બે ઉદાહરણ પણ આપ્યા છે. તે એક સરકારી ઓફિસ માટે પસંદ કરાયેલી પહેલી ટ્રાન્સ વુમન હતી. બીજું, મેરી એક એવી મહિલા છે જેની ઓળખ જન્મના સમયે એક પુરુષ તરીકે કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ ડિક્શનરી વુમનની વ્યાખ્યા બદલનારી પહેલી ડિક્શનરી નથી. ગયા જુલાઇ મહિનામાં મરિયમ-વેબસ્ટરે ફીમેલ શબ્દની એક પૂરક વ્યાખ્યા આપી હતી. તેના અનુસાર પુરુષ (મેલ)થી વિપરીત લૈંગિક ઓળખ ધરાવનાર તમામ ફીમેલ હોય છે. કેમ્બ્રિજ ડિક્શનરીએ મેનની પોતાની વ્યાખ્યા અપડેટ કરી નથી. હવે આ ડિક્શનરી કહે છે કે એક મેન એક એવો એડલ્ટ પણ હોઇ શકે છે જે પુરુષની જેમ રહેતો અને ઓળખાતો હોય, ભલેને જન્મના સમયે તેના લિંગની ઓળખ બીજી કોઇ કેમ ન હોય.
બીજી તરફ, ટ્રાન્સજેન્ડર અને નોન-બાઇનરી લોકોનું સમર્થન કરનાર બ્યૂમોન્ટ સોસાઇટી ચેરિટીના પ્રમુખ ડો. જેન હેમલિને કહ્યું હતું કે આ ખૂબ જ સારા સમાચાર છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મેન અને વુમનની વ્યાખ્યા વિશે ખૂબ જ ખોટી સૂચનાઓ અને બકવાસ વાતો લખાઇ છે, પરંતું આ વ્યાખ્યા સ્પષ્ટ, ટૂંકી અને સાચી છે. કેમ્બ્રિજ ડિક્શનરીને અભિનંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter