મહિલાઓ માસિક દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. આ પેડનો ઉપયોગ એક જ વાર કરી શકાય છે અને વળી તે પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થાય છે, પરંતુ એક એવું સેનેટરી પેડ તૈયાર કરાયું છે જે પર્યાવરણને નુકસાનકારક નથી. આઈઆઈટી દિલ્હીના બે વિદ્યાર્થીઓએ કેળાના ફાયબરમાંથી સેનેટરી પેડ બનાવવાની ટેકનિક વિકસિત કરી છે. આઈઆઈટી દિલ્હીના બીટેકના ચોથા વર્ષના વિદ્યાર્થીઓ અર્ચિત અગ્રવાલ અને હૈરી સરાવતે આ પેડ બનાવ્યું છે. તેમણે સાંફે નામની સ્ટાર્ટઅપ કંપની બનાવી છે. આ વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં આ પેડ તૈયાર કર્યું છે. આ સેનેટરી પેડના ઉપયોગને મહિલાઓએ આરોગ્ય માટે સુરક્ષિત હોવાનો રિવ્યુ આપ્યો છે.
વિદ્યાર્થીઓએ બનાવેલા સેનેટરી પેડ એવું છે કે ૧૨૨ વખત તેને ધોઈને ઉપયોગમાં લઈ શકાય છે. તેનો વારંવાર ઉપયોગ કરવાથી પણ કોઈ પણ પ્રકારનો ચેપ લાગશે નહીં.
તેમણે જણાવ્યાનુસાર ચાર લેયરવાળા આ પેડને બનાવવા માટે પોલિએસ્ટર પિલિંગ, કેળાના ફાયબર અને કોટન પોલિયૂરેથેન લેમિનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કેળાનો જે ભાગ ફેંકી દેવામાં આવે છે તેનો ઉપયોગ કરી તેમાં મળતા ફાયબરને લઈ આ પેડ બનાવ્યા છે. તેમણે આ ફાયબરને કાઢી મશીનમાં સુકાવ્યું અને ત્યારબાદ ફાયબરની ઉપર પોલિએસ્ટર પિલિંગનો પ્રયોગ કર્યો. આ એક પ્રકારનું કાપડ છે જે ભીનાશને સૂકવી દે છે. લીકેજને રોકવા માટે કોટન પોલિયુરેથેન લેમિનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હોસ્પિટલમાં કેમિકલ તરીકે ઉપયોગમાં આવે છે. તેનાથી સેનેટરી પેડનું કવર બનાવાયું છે. પેડના એક પેકેટમાં ૨ પીસની કિંમત રૂ. ૧૯૯ હોવાનું જણાવ્યું છે. આ પેડનો ઉપયોગ મહિલાઓ ધોયા બાદ ફરીથી કરી શકશે એટલે કે સરરાશ ૨૦૦ રૂપિયાના ૨નો ઉપયોગ મહિલાઓ ૨ વર્ષ સુધી કરી શકશે.