સારસંભાળના અભાવ અને પ્રદૂષણને કારણે વાળ ધોળા થવાની સમસ્યા સામાન્ય બની છે. કેટલાકને તો પંદર સોળ વર્ષની ઉંમરે ધાળા વાળ આવે છે. નાની ઉંમરમાં વાળ ડાઈ કરવા પણ યોગ્ય નથી. આમ તો વાળની સંભાળ માટે વૈદિક રીતે યોગ્ય ધ્યાન અકસીર છે સાથે કેટલાક અહીં ઘરેલુ નુસખા આપ્યા છે જેના પ્રયોગથી કાળા અને સ્વસ્થ કેશ મેળવી શકાય છે. ત્યાં સુધી કે સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.
- વાળને કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળી દો. તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નીલગિરી)નું તેલ મિક્સ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ નાંખવો. એ મિશ્રણ વાળમાં લગાવવું. આશરે મહિના સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.
- દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે
- આમળાનો રસ, બદામ તેલ, લીંબુનો રસ મિક્સ કરવો. વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં અટકે છે.
- જ્યારે હેરવોશ કરો ત્યારે પાણીમાં લીંબુનાં ટીપાં નાંખી દો. તેનાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.
- નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
- તમે તમારા ઘરમાં વડીલોને વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.
- બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, ૩ ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને ૩ ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ હર્બલ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થવા લાગશે.
- ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.
- મેંદીમાં નારિયેળ તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે.
- ૨૦૦ ગ્રામ આમળા, ૨૦૦ ગ્રામ ભાંગરો, ૨૦૦ ગ્રામ સાકર, ૨૦૦ ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનાવી લેવું અને દરરોજ ૧૦ ગ્રામની માત્રામાં લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.
- નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.
- આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.
- વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.
- નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.
- નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ ધીરે-ધીરે કાળ થવા લાગે છે.
- આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
- વાળમાં લીમડાનું તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે.
- ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.
- આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.
- તુરિયાને કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળી થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.
- તલનું તેલ વાળ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.
- માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ.
- એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણથી વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.