તમારા વાળ ઘાટ્ટા, વાંકડિયા અને બરછટ હોય અને જો તમે અનેક પ્રકારના શેમ્પુ અજમાવીને થાકી ગયા હો તો તમે કો-વોશિંગથી સારું પરિણામ મેળવી શકો છો. આ પદ્ધતિ અત્યારે વિશ્વભરમાં અસંખ્ય મહિલાઓ અપનાવી રહી છે. ‘કો-વોશિંગ’ એ ‘કંડિશનર-વોશિંગ’નું જ સ્વરૂપ છે. સાદા શબ્દોમાં કહીએ તો તેમાં કંડિશનરથી વાળ ધોવામાં આવે છે.
કંડિશનર વોશિંગના ફાયદા
કંડિશનર વાળને સાફ કરીને વાળમાં રહેલા કુદરતી તેલને જાળવી રાખે છે. જેથી વાળ નરમ મુલાયમ રહે છે. બરછટ અને ફ્રિઝી વાળ માટે આ અકસીર પદ્ધતિ છે. ડાઈ કરેલા વાળ માટે પણ આ રીત ઉપયોગી સાબિત થાય છે. કારણ કે કો વોશિંગથી વાળનો રંગ મહદ્ંશે જાળવી રાખી શકાય છે. રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરીને સંવારેલા વાળ માટે આ પદ્ધતિ સૌથી ઓછી હાનિકારક છે. કંડિશનર વાળને મોઈશ્ચઈઝ કરતું હોવાથી વાળનું સૂકાપણું ઓછું થાય છે.
કો વોશિંગથી વાળ ધોવાની રીત
વાળને ધોવા માટે જે રીતે આપણે ભીનાં કરીએ છીએ તે રીતે ભીનાં કરો. ત્યાર બાદ કંડિશનરને હથેળીમાં લઈને વાળના મૂળ સુધી સારી રીતે લગાવો. વાળના મૂળ સારી રીતે સાફ થાય તે રીતે માથાની ત્વચા પર કંડિશનરને ઘસો. તમે ઈચ્છો તો સ્નાનાદિ વગેરે પૂરું કરીને વાળ ધોઈ શકો છો. કંડિશનર લગાવીને માથામાં પાંચથી દસેક મિનિટ માથામાં ઘસીને હુંફાળા પાણીથી ધોઈ લો. આ પ્રયોગને કારણે થોડા સમય માટે તમને તમારા વાળ ચીકણા લાગશે, પરંતુ સમય જતાં વાળ રેશમી મુલાયમ થઈ જશે.
હેર કંડિશનિંગ માટે અગત્યના મુદ્દા
- જો તમે તમારા વાળમાં જેલ, સ્પ્રે, મૂઝ પ્રકારની સ્ટાઈલિંગ-પ્રોડક્ટ્સ વાપરતા હો તો ક્યારેક શેમ્પુનો ઉપયોગ કરો જેથી વાળમાં રહી ગયેલી પ્રોડક્ટ્સ દૂર થઈ જાય.
- જો તમને પ્રાકૃતિક પદાર્થો પસંદ હોય તો એપલ સિડ વિનેગરથી વાળ ધુઓ. તેનાથી પણ તમારા વાળનું પી.એચ. બેલેન્સ જળવાઈ રહેશે.
- લાઈટ કંડિશનર્સ રોજિંદા ઉપયોગ માટે હોય છે અને તે વાળમાંથી ઝડપથી સાફ થઈ જાય છે. જ્યારે તમારા વાળને વધારે માવજતની જરૂર હોય ત્યારે જ ડિપ-કંડિશનિંગ કરો.
- ડિપ-કંડિશનર્સમાં અને ઇન્ટેન્સિવ-માસ્ક્માં વાળ સાથે ચોંટી રહે તેવા પદાર્થો વધુ હોય છે. સિલિકોન-ફ્રી કંડિશનર્સ વાપરવા પ્રમાણમાં સારા રહે છે. વોટર-સોલ્યુબલ સિલિકોનવાળા કંડિશનર્સ પણ વાપરી શકાય. તે સહેલાઈથી ધોવાઈ જાય છે. નોનવોટર સોલ્યુબલ સિલિકોન્સને દૂર કરવા શેમ્પુનો ઉપયોગ કરવો પડે છે.
- કો-વોશિંગમાં ફક્ત કંડિશનર વાપરવામાં આવે છે છતાં ક્યારેક શેમ્પુનો ઉપયોગ કરી શકાય. માઈલ્ડ સલ્ફેટ-ફ્રી શેમ્પુથી વાળને સાફ કરો જેથી ધૂળ, ચીકાશ, સાબુ વાળમાંથી દૂર થઈ જાય.
- જો તમે ખુલ્લામાં કસરત કરતાં હો તો કો-વોશિંગ તમને માફક નહીં આવે કારણ કે કંડિશનરવાળા વાળ ધૂળ વગેરે કચરાને વધારે ખેંચે છે. જેથી વાળ ખૂબ ગંદા થઈ જાય છે.
- જેઓ રોજ ભારે એક્સરસાઈઝ કરે છે તેઓને માથામાં પણ ઘણો પરસેવો થાય છે. તેથી તેઓને તેમનાં વાળ રોજ ધોવા જરૂરી હોય છે. રોજ શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળ શુષ્ક થઈ જાય છે. તેથી થોડું લાઈટ કંડિશનર વાપરવું જોઈએ.