ગુલાબી રંગ એ ગર્લિશ કલર માનવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ અને યુવતીઓ પર પિંક શેડેડ આઉટફિટથી માંડીને રોઝ ગોલ્ડ જ્વેલરી સુધીની ગુલાબી રંગે રંગાયેલી કોઈ પણ વસ્તુ જચે છે. ગુલાબી રંગના ઘણા આછા ઘાટ્ટા શેડ હોય છે. રાણી કલર, રોઝ ગોલ્ડ, લાઈટ પિંક વગેરે વગેરે. જ્યારે ગુલાબી રંગનું મેચિંગ તમે કરતા હો ત્યારે મેકઅપ પણ ગુલાબી હોય તો દેખાવમાં ચાર ચાંદ લાગી જાય. અહીં પિંક મેકઅપ વિશે જ વાત કરી છે.
લિપ શેડઝ
• પિંક લિપસ્ટિકમાં ગ્લોસી ટચ, મેટ એવરગ્રીન પિંક મેકઅપ ફિનિશિંગ, રીચ મોઈરાઈઝર અને જેલ બેઝ લિપસ્ટિક જેવી અનેક વેરાયટી મળે છે.
• કોઈ પણ નાની ઉંમરની બાળાથી લઈને કોઈ પણ ઉંમરની મહિલા પર પિંક શેડ મેકઅપ સારો લાગે છે. નાની બાળા પર ફ્રૂટી ફલેવરના પિંક લિપ ગ્લોઝ બહુ શોભે છે. આજકાલ કલરફુલ લિપ ગ્લોસ શિમરયુકત મળે છે. જેમાં પિંક ગ્લોસ યુવતીઓને બબલી અને ગર્લિશ લુક આપે છે. અલ્ટ્રા ગ્લેઝ લિપ ગ્લોઝ આજકાલ ઈન છે.
• ન્યૂડ ટોનના મેકઅપમાં પિંક ટોન સૌથી વધારે આકર્ષક લાગે છે. કોલેજિયન યુવતીઓ ન્યૂડ ટોન પિંક શેડ હોઠ પર વાપરી શકે છે.
• ઓફિસ ગોઇંગ યુવતીઓ કે મહિલાઓ મેટ ફિનિશવાળી લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક લગાડી શકે એનાથી ચહેરો ફ્રેશ લાગે છે અને વારંવાર ટચઅપ કરવું પડતું નથી.
• મોટી ઉંમરની મહિલાઓ પર મોઈશ્ચરાઈઝર રિચ પિંક લિપસ્ટિક સારી લાગે છે. મોટી ઉંમરે હોઠની શુષ્કતા મોઈશ્ચરાઈઝર રિચ લિપસ્ટિકથી દૂર થાય છે.
સ્કિન ટોન પ્રમાણે શેડ
• ફુશિયા કલરને પિંક શેડની નજીક ગણવામાં આવે છે. બ્રાઈડલ મેકઅપમાં આ રંગ પસંદ કરવામાં આવે છે. ડાર્ક ફુશિયા કલર ઘઉંવર્ણ પર શોભે છે. લાઈટ ફુશિયા પિંક શ્યામ અને નાની ઉંમરની યુવતીઓ પર સારો લાગે છે.
• ફેર સ્કિન પર પીચ, ન્યૂડ પિંક, લાઈટ મોવ પિંક રંગની લિપસ્ટિક સારી લાગે છે. ઉંમર પ્રમાણે ડાર્ક, મીડિયમ અને લાઈટ શેડ પસંદ કરી શકાય.
• જેલી લિપસ્ટિક નવી છે. એ સામાન્યથી રૂક્ષ હોઠ પર લાંબો સમય ચિપકયા વગર ટકે છે. જેલી લિપસ્ટિકમાં પિંક શેડ હોઠ પર ફીલ ગુડનો અહેસાસ કરાવે છે. જોકે તેને દિવસના બે વાર ટચ અપની જરૂર પડે છે. ડાર્ક પિંકને ન્યૂડ પિંક સાથે મિકસ કરી સોફટ શેડ મેળવી શકાય છે. એનો ઉપયોગ મેકઅપમાં કરી શકાય. લાઈટ મેકઅપ તરીકે ઓફિસ અને કોલેજ બંનેમાં આ શેડ પસંદ કરી શકાય.
• પિંક કલરના લિપ કલર સાથે બેબી પિંક લિપલાઈનરનો ઉપયોગ કરો. એનાથી લિપનો શેપ ખૂબસૂરત લાગશે. ન્યૂડ લિપ લાઈન પિંક લિપ ટોન સાથે લગાડવાની ભૂલ કરશો નહીં. એનાથી હોઠ વધારે પાતળા લાગશે.
પિંક બ્લશ ઓન
• ગાલ ગુલાબી દેખાય એ માટે મેકઅપમાં પિંક બ્લશ ઓન તરત જ અસર બતાવે છે. બ્લશ ઓનમાં ત્રણ-ચાર શેડ જ મળે છે. રોઝ પિંક, પીચ પિંક અને હાફ પિંક. ગોરી યુવતીઓ માટે રોઝ પિંક સારો કલર છે. ઘઉંવર્ણા સ્કિન ટોન પર પીચ અને શ્યામ માટે હાફ પિંક શેડ સારા લાગે છે.
• ઓફિસ મેકઅપમાં પિંક તથા હાફ શેડ હંમેશાં પ્રોફેશનલ લુક આપે છે. જો પીચ પિંક આઈશેડો લગાડતાં હો તો બ્લશ ઓન પણ લાઈટ પીચ પિંક લગાડો પરંતુ એ આઈશેડો કરતાં લાઈટ હોવું જોઈએ. હોઠ પર પિંકનો કોઈ ડાર્ક શેડ લગાડવાથી ચહેરાનો પિંક મેકઅપ ખૂબસૂરત લાગશે.
લિપસ્ટિક લગાડો એ પહેલાં...
• કોઈપણ લિપસ્ટિક લગાડતાં પહેલાં કોલ્ડ ક્રિમ કે વેસેલિનથી હોઠની મસાજ કરેલી જરૂરી છે. બે ત્રણ મિનિટ સુધી હોઠની મસાજ કર્યા પછી કોટનથી ક્રિમ કે વેસેલિન હટાવી લો. હોઠ પર મસાજ કરી હોવાથી હોઠ પર પોપડી બાઝેલી નહીં રહે અને હોઠ મુલાયમ રહેશે. મસાજ કરેલા હોઠ પર લિપસ્ટિક લગાડવાથી હોઠને સ્મૂધ ફિનિશિંગ મળશે.
• પિંક ન્યૂડ લિપસ્ટિકના શેડના સ્ક્રબ માટે તમને જોઈશે એક ગુલાબની પાંખડીઓની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન પલાળેલી બદામની પેસ્ટ અને બે ટીપાં લીંબુનો રસ. બધી સામગ્રી મિકસ કરી લો. રાત્રે સૂતાં પહેલાં આ પેસ્ટ લગાડી ૨૦ મિનિટ બાદ આંગળીઓ હળવેથી હોઠ પર ઘસો અને પછી હોઠ ધોઈ લિપ બામ હોઠ પર લગાડો. એનાથી હોઠ મુલાયમ અને ગુલાબી બનશે.
• હોઠ માટે બીજો એક સ્ક્રબ પણ બનાવી શકાય. ૧/૪ ટી સ્પૂન બદામની પેસ્ટ અને થોડાં ટીપાં મધ મિકસ કરી રાત્રે હોઠ પર લગાડો અને ૨૦ મિનિટ બાદ આંગળીથી હળવે હાથે ઘસી હોઠ ધોઈ નાંખો.