કોઈ પણ આઉટફિટમાં કેટલીક પ્રિન્ટ ચોક્કસ પ્રસંગે જ પહેરાય એવી ફેશન એક્સપર્ટ્સની સલાહ છે, પણ ફૂલોની પ્રિન્ટ એમાં અપવાદ છે. એ રીતે પસંદગી કરી શકાય કે ઓફિસે જતાં ફૂલોની ઝીણી પ્રિન્ટ પર પસંદગી ઉતારવી અને પ્રસંગોપાત રંગ સાથે સાથે ફૂલોની પ્રિન્ટની સાઈઝ પણ નક્કી કરવી. આ સિવાય ફ્લાવર પ્રિન્ટની ફેશન ક્યારેય જૂની થવાની નથી. હાલમાં કોરોનાના સંકટ વચ્ચે વર્ક ફ્રોમ હોમને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે વર્ક ફ્રોમ હોમ હોય તો પણ કપડાંની પસંદગી તો મહત્ત્વની જ રહે. કારણ કે વર્ક ફ્રોમ હોમ કરીએ ત્યારે પણ વીડિયોકોલ્સ ચાલતાં હોય. ઘરમાં વધારે પડતાં ફોર્મલ કપડાં પણ ન પહેરવાં ગમે ત્યારે ફૂલોની પ્રિન્ટ ધરાવતાં કપડાં પહેરી શકાય. ફૂલોની પ્રિન્ટ તમને રિલેક્સ રાખે તેવાં આઉટફિટ્સ સાબિત થશે. અગાઉ કહ્યું તેમ ઓફિસ જતાં કે વર્ક ફ્રોમ હોમ હોય ત્યારે મોટા અને ભડકદાર રંગની ફૂલોની પ્રિન્ટ પર પસંદગી ન ઉતારો. મીડિયમ કે ઝીણી સાઈઝની પ્રિન્ટ અતિઉત્તમ રહેશે. આઉટફિટ કે પ્રિન્ટનો રંગ પછી તમને ગમે તે પસંદ કરી શકો છો.
ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસિસ
ફ્લોરલ પ્રિન્ટ માટે ફેશન એક્સપર્ટ્સનું માનવું છે કે તે આ પ્રિન્ટ દેખાવે સિમ્પલ અને સોબર હોવા છતાં પહેરાતાં ખૂબ જ ક્લાસી લાગે છે. વળી આ પ્રિન્ટ કોઈ પણ પ્રકારના મટીરિયલમાં ઊઠી આવે છે. કોટનથી માંડીને જ્યોર્જેટ, સિલ્ક, રેયોન કે પછી કોઈ પણ હેવિ મટીરિયલમાં પણ તે જચે છે. તમે રોજિંદી જિંદગીમાં કોટન, જ્યોર્જેટ, રેયોન ફ્લોરલ પ્રિન્ટેડ મટીરિયલમાંથી તમને ગમતી સ્ટાઇલનો પોશાક તૈયાર કરાવી શકો છો.
ફ્લોરલ પ્રિન્ટના લોંગ કુરતાં સાથે પ્લાઝો, પેન્ટ, સ્લેક્સ, લેગિંન્સનું મેચિંગ કરી શકો છો. તેની સાથે સુંદર સ્ટોલ કે ઓઢણી સારાં લાગશે. આ સિવાય લોંગ ગાઉન, ફ્રોક સ્ટાઇલ કુરતા, મિડલ કટ કુરતા, સાઇડ કટ અને સ્ટ્રેટ કુરતા પણ ફ્લોરલ પ્રિન્ટમાં સુંદર લાગશે. તમને પસંદ પડે તો આ પ્રિન્ટના કાપડમાંથી સ્કર્ટ પણ બનાવડાવી શકો છો. સ્કર્ટ સાથે જે કલરનાં ફ્લાવર અંદર દોરેલાં હોય તે કલરનું સ્લિવલેસ ટીશર્ટ મેચિંગમાં પહેરી શકાય. આ પેર સાથે સ્ટોલ પણ મેચિંગ કરી શકો છો. પ્લેઇન પ્લાઝો અને ક્રોપ ટોપમાં તમે જેકેટ પણ પહેરી શકો છો. ફ્લોરલ જેકેટ પહેરાતા ખૂબ જ સુંદર લાગશે.