કોકટેલ જ્વેલરી એટલે કે કોઈ પણ પ્રકારની ધાતુ સાથે સ્ટોન, હીરા, મોતીનું અનોખા પ્રકારનું કોમ્બિનેશન. સામાન્ય રીતે કાનની બુટ્ટી, બાલી અને હેન્ડ બેન્ડ કે રિંગ હવે આ પ્રકારની બની રહી છે જે માનુનીઓ માટે દરેક ફંક્શનની શાન બની ગઈ છે. કોકટેલ બુટ્ટી અને વીંટી જ્વેલરીમાં એવી વસ્તુ છે જેના પહેરવા પછી તમારે બીજી કોઈ જ્વેલરી પહેરવી જ પડે નહીં. હા, પાછી કોકટેલ ઇઅરિંગ અને રિંગને તમે ગમે ત્યાં પહેરી શકો નહીં. કારણ કે તે અત્યંત હેવિ દેખાવ આપે છે. એને નાનો હોય કે મોટો, પણ પ્રસંગ કેટલો મહત્ત્વનો છે એ પ્રમાણે પહેરવામાં આવે છે. કોકટેલ જ્વેલરી વિશે જ્વેલરી એક્સપર્ટ્સ કહે છે કે, કોકટેલ જ્વેલરીમાં ડિઝાઇન બહુ બોલ્ડ હોય છે. આ જ્વેલરી એવી છે જેને તમે ક્યા પ્રસંગે પહેરો છો એની સાથે તમારી પર્સનાલિટી પણ બહુ અગત્યની હોય છે. બીજું, તમે કયા પ્રકારનું ડ્રેસિંગ કર્યું છે એ પણ મહત્ત્વનું છે.
કોકટેલ રિંગ એટલે મોટી સાઇઝની રિંગ. આની કોઈ સ્ટાન્ડર્ડ સાઇઝ હોતી નથી. કોકટેલ રિંગ પહેલાં મોટા અને પ્રેશિયસ સ્ટોનમાં જ બનતી હતી, પણ હવે મોંઘવારી એટલી વધી ગઈ છે કે કોકટેલ રિંગ ઇમિટેશન સ્ટોનમાં પણ બનાવવામાં આવે છે. કોકટેલ રિંગની ડિઝાઇન વિશે જ્વેલરી ડિઝાઇનર્સનું કહેવું છે કે, આમાં ડિઝાઇનમાં તમને ફ્લાવર, મોટો ચોરસ, બિગ રાઉન્ડ, લંબગોળ, ઝિગઝેગ વગેરે મળે છે તો બીજી બાજુ કોકટેલ રિંગ તમને એનિમલ શેપમાં પણ જોવા મળે છે. ટૂંકમાં કોકટેલ રિંગમાં તમને બધી એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન જ જોવા મળે છે.
કોકટેલ ઇઅરિંગમાં વચ્ચે મોટી સાઇઝના સ્ટોન અને આજુબાજુ ઝીણા-ઝીણા સ્ટોન હોય છે. મોટી સાઇઝનો સ્ટોન ઓછામાં ઓછો ત્રણ કેરેટથી વધારે હોય છે. જો તમારું એટલું બજેટ ન હોય તો તમે કોકટેલ ઇઅરિંગમાં જે મોટી સાઇઝનો સ્ટોન છે એ લો ક્વોલિટીનો પણ વાપરી શકો છો. કોકટેલ ઇઅરિંગ ચાંદી, ઇમિટેશન, ૧૦થી ૧૪ કેરેટના ગોલ્ડમાં બનાવવામાં આવે છે. આમાં એમેથિસ્ટ, ગાર્નેટ, પેરી ડોટ, બ્લુ ટોપાઝ જેવા સ્ટોન વપરાય છે. કોકટેલ રિંગ પહેરવાની સૌથી સારી જગ્યા છે જમણા હાથમાં ઇન્ડેક્સ ફિંગર અને રિંગ ફિંગર.
કોકટેલ ઇઅરિંગ શોલ્ડર સુધી પહેરાય છે. આમાં મેટલ, ગ્લાસ, પ્રેશિયસ સ્ટોન, બીડ્સ, વુડ, ગોલ્ડ વગેરે મટીરિયલ વાપરવામાં આવે છે. કોકટેલ ઇઅરિંગમાં વચ્ચે રિંગની જેમ જ મોટી સાઇઝના સ્ટોન અને આજુબાજુ નાના સ્ટોન હોય છે અથવા આખી મોટી ઇઅરિંગ હોય છે જેમાં બારીક સ્ટોન હોય છે. એવી પણ કોકટેલ ઇઅરિંગ હોય છે જેમાં માત્ર મોટી સાઇઝનો સ્ટોન જ હોય છે. જ્યારે કોકટેલ ઇઅરિંગ પહેરો ત્યારે ગળામાં કંઈ ન પહેરવું, કેમ કે જો તમે હેવી કોકટેલ ઇઅરિંગ પહેરો અને ગળામાં પણ કંઈ પહેરશો તો એકદમ હેવિ લાગશે. કોકટેલ રિંગ અને ઇઅરિંગમાં શું ખાસ છે એ વિશે જણાવીએ તો પહેલાં આમાં બહુ કલર જોવા મળતા નહોતા અને સ્મોલ સાઇઝની આવતી હતી, પણ હવે આમાં કલરમાં પણ વેરાઇટી જોવા મળે છે અને સાઇઝ પણ મોટી આવવા લાગી છે. બીજું, હવે કોકટેલ જ્વેલરી માત્ર સેલિબ્રિટીઓ જ નહીં, બધા પહેરવા લાગ્યા છે. કારણ કે આસાનીથી તે મળી રહે છે.