કોટન સિવાય પણ શીતળ કાપડના છે વિકલ્પ

Monday 22nd April 2019 06:51 EDT
 
 

કેટલાક લોકોને કોઈ પણ સિઝનમાં હંમેશા કોટન કપડાં જ પહેરવા પસંદ હોય છે. જોકે કોટનની સાથે સાથે હવે બજારમાં એ પ્રકારના કપડાં પણ મળે છે જે પહેરવામાં હળવા હોય છે. આ કાપડના આઉટફિટ પણ સરળતાથી બજારમાં મળી રહે છે. લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે કોટનના આઉટફિટ પહેરવાથી પરસેવાની દુર્ગંધ અને ખંજવાળની સમસ્યા હોતી નથી, પરંતુ માર્કેટમાં હવે કોટન સિવાય પણ એવા મટીરિયલ મળે છે જે પહેરવાથી આ પ્રકારની સમસ્યા ઓછી રહે છે.

ખાદી પણ હોય છે શીતળ

કોટન ઉપરાંત કેટલાય કાપડ એવા હોય છે જે પહેરવામાં શીતળ હોય છે. કોટન સિવાય આ પ્રકારના કાપડમાં સૌ પ્રથમ ખાદીનો સમાવેશ થાય છે. ખાદીના કાપડના કપડા કોઈ પણ મોસમમાં પહેરી શકાય છે. તમે શરદી હોય કે ગરમી બંને મોસમમાં ખાદી પહેરી શકો છો. ખાદીની ખાસિયત એ હોય છે કે તેમાંથી પણ હળવા અને ભારે આઉટફિટ બની શકે છે. ભારે ડ્રેસિસ માટે ખાદી સિલ્ક શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ટ્રેડિશનલ પ્રસંગે ખાદીની સાડી ઉત્તમ પોષાક છે.

ખાદીના હેવિ મટીરિયલમાંથી બનેલા સૂટ, શર્ટ અને સ્કર્ટ પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ કાપડ પરસેવાને સોશી લઈ ઠંડક આપે છે.

જ્યોર્જેટની જાહોજલાલી

જ્યોર્જેટ કાપડ પણ કોટનની સાથે સાથે મહિલાઓ માટે વધારે સારો વિકલ્પ છે. આ કાપડની સાડી હળવી રહે છે અને તેના પર વર્ક કરીને હેવિ સાડી પણ બને છે. આ કાપડ હળવું હોવાની સાથે દેખાવમાં પણ સારું લાગે છે. જ્યોર્જેટ કાપડમાંથી બનેલા આઉટફિટ પ્રોફેશનલી અને અંગત પ્રસંગમાં પહેરી શકાય છે.

રમ્ય રેયોન

લચીલા કાપડ રેયોનના આઉટફિટ શરીર પર સુંદર રીતે ફ્લો થઈ જાય છે જેથી આ કાપડ પહેરવામાં ખૂબ જ ફોરું લાગે છે. રેયોન મટીરિયલમાંથી બનેલી કુર્તી, સલવાર કે પાયજામા પહેરવામાં હળવા રહે છે. વેસ્ટર્ન આઉટફિટ માટે પણ આ મટીરિયલ ખૂબ જ માફક આવે તેવું છે તેથી પ્રોફેશનલ મહિલાઓ માટે આ કાપડના આઉટફિટ શ્રેષ્ઠ રહે છે. આ કાપડમાં કોઈ પણ આકાર કે ડિઝાઈન જચે છે તેથી તમે ઇચ્છો એ પ્રકારે તેના આઉટફિટ તૈયાર કરાવી શકો છો.

લિનનનો જાદુ

લિનન પહેરવામાં ખૂબ જ શીતળ રહે છે અને તેના દરેક પ્રકારના આઉટફિટ સુંદર લાગે છે. હવે લિનન પર પુરુષોનો ઈજારો પણ રહ્યો નથી કારણ કે લિનનમાં પણ જોઈએ તેવા કલર અને ડિઝાઈન મળી રહે છે, ત્યાં સુધી કે લિનનની ડિઝાઈનર સાડીઓ પણ બજારમાં ઉપલબ્ધ રહે છે. લિનન કાપડમાં રીંકલ્સ બહુ ઝડપથી પડે છે તેથી આઉટફિટ માટે એવી ડિઝાઈન પસંદ કરવી કે જેમાં રિંકલ્સ ફેશનનો એક ભાગ લાગે.

શોમ્બ્રેનો જલવો

શોમ્બ્રે ફેબ્રિક ડેનિમ જેવું દેખાય છે અને ખૂબ જ લાઈટ હોય છે. જોકે આ કાપડમાંથી બનેલા આઉટફિટ મહિલાઓ માટેના ઓફિસવેર માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. આ મટીરિયલમાંથી બનેલા શર્ટ, કુર્તા, સ્કર્ટ, પેન્ટ, ટ્રાઉઝર બજારમાં સરળતાથી મળી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter