કોરોના મહામારીના કારણે નોકરીઓમાં મહિલાઓનું સ્થાન જોખમમાં મુકાશે

Saturday 03rd October 2020 08:00 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના મહામારીએ દરેક દેશમાં આરોગ્ય સંબંધી સહિત આર્થિક, સામાજિક, માનસિક મુશ્કેલી ઊભી કરી છે. વિશ્વના અમેરિકા સહિત અનેક દેશોમાં મહિલાઓને પગાર સાથેની મેટરનિટી લિવ મળતી નથી. એવામાં કોરોના મહામારીએ મહિલાઓ માટે વધુ પરેશાની ઊભી કરી છે. નાના બાળકોની સ્કૂલ અને તેમને સાચવવાના સેન્ટર બંધ થવાને લીધે કામકાજી મહિલાઓને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં કોરોના વાઈરસ ફેલાયા પછી છપ્પન ટકા મહિલાઓએ નોકરી ગુમાવી હોવાના અહેવાલ છે. કોરોના મહામારીથી પ્રભાવિત થતાં વિષયોની લાંબી યાદીમાં મહિલાઓનો રોજગાર પણ સામેલ છે. આર્થિક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, કોરોના કાળમાં નોકરીની બાબતે મહિલાઓ ઘણી પાછળ ધકેલાઈ રહી છે. મહામારીમાં એવી નોકરી મોટી સંખ્યામાં ગઈ છે, જેમાં મહિલાઓ વધુ છે. સામાન્ય સ્થિતિ બન્યા પછી બધી નોકરીઓ ફરીથી શરૂ થવામાં લાંબો સમય લાગી શકે છે. જુલાઈમાં મેકિન્સે ગ્લોબલના રિપોર્ટ મુજબ વાઈરસને કારણે અમેરિકામાં છપ્પન ટકા મહિલાઓની નોકરીઓ ગઈ છે.
ડાર્ટમાઉથ કોલેજમાં અર્થશાસ્ત્રી ક્લાડિયા ઓલિવેટ્ટીએ કહ્યું છે કે, વર્ષોના રિસર્ચ પરથી અમે તારણ મેળવ્યું છે કે, નાના બાળકો માટેના શિક્ષણનું ક્ષેત્ર મહિલાઓ માટે અનુકૂળ રહ્યું છે. તેમાં મહિલા-પુરુષ વચ્ચેનો ભેદભાવ મર્યાદિત છે. કોરોના મહામારીના કારણે બાળકોની સ્કૂલ અને તેમની સાર-સંભાળના સેન્ટર બંધ રખાયા છે. જેથી મહિલાઓને રોજગારીની સમસ્યા ઊભી થઈ છે. આમેય વૈશ્વિક ધોરણે કામકાજી મહિલાઓ સાથે પહેલેથી ભેદભાવ થતો આવ્યો હોવાના ઘણા અભ્યાસ અગાઉ થઈ ચૂક્યા છે. હવે કોરોના વાઈરસના પ્રકોપે કામકાજી મહિલાઓનું સંકટ વધાર્યું છે. ઈંગ્લેન્ડના લેસ્ટરમાં નિ:સહાય મહિલાઓ માટે જિંથિયા ટ્રસ્ટ ચલાવતી જિંથિયા ગણેશપંચને આ મામલે કહ્યું કે, કોરોના મહામારીના કારણે બ્રિટનમાં પણ કામકાજી મહિલાઓની કપરી સ્થિતિ છે. જિંથિયા ગણેશપંચન કહે છે કે, ખાસ કરીને લઘુમતી અને બીજા દેશોમાંથી આવેલી મહિલાઓ પર લોકડાઉનને કારણે આર્થિક સંકટ ઘેરું બન્યું છે.
બીજી તરફ સામાજિક સ્થિતિઓને કારણે શ્રીમંત અને ગરીબ મહિલા પર કોરોના મહામારીથી અલગ-અલગ ફરક પડ્યો છે. કામકાજી મહિલાઓ અંગેના રિસર્ચમાં જાણવા મળ્યું કે, વધુ પૈસા કમાતા પતિ-પત્ની જવાબદારીની વહેંચણી કરી લે છે. એક વ્યક્તિ ઘરમાંથી બહાર જઈને કામ કરે છે ને એક ઘરે રહી બાળકોને સંભાળે છે. મોટાભાગના કિસ્સામાં મહિલાએ ઘરની જવાબદારી સંભાળવાની હોય છે.
જિંથિયા ગણેશપંચન કહે છે કે, કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે બાળકોનાં સ્કૂલ અને કેર સેન્ટર પણ બંધ થઈ ગયાં છે. પરિસ્થિતિ સામાન્ય થતાં હજી કેટલો સમય જાય તે નક્કી નથી જેથી મહિલાઓ આર્થિક કમાણી ગુમાવી રહી છે અને કમાણીની દૃષ્ટિએ મહિલાઓ પુરુષોની સરખામણીએ દસ વર્ષ પાછળ રહી જશે. અભ્યાસમાં જણાવાયું છે કે, કામકાજી મહિલાઓની કમાણી બાબતે ઈઝરાયેલની સ્થિતિ સારી છે.
સરકાર બાળકોને ત્રણ વર્ષની વયથી મફત શિક્ષણ આપે છે. નાના બાળકોની સાર-સંભાળના સેન્ટર પણ મફત ચાલે છે. ઈઝરાયેલની થિંક ટેંક તઉબ સામાજિક નીતિ અધ્યયન સંસ્થાના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના સમય પહેલાં કામકાજમાં મહિલાઓની ભાગીદારી ૭૪ ટકા હતી. શ્રીમંત દેશોના સંગઠન ઓસીઈડીમાં તે ૬૬ ટકા છે.
અહીં મહિલા અને પુરુષ વચ્ચે વેતનમાં ઘણી સમાનતા છે. કોરોના ફેલાયા પછી માર્ચમાં સ્કૂલ અને કેર સેન્ટર બંધ થઈ ગયા હતા. જોકે ઈઝરાયેલમાં પણ ૫૬ ટકા મહિલાઓની રોજગારી બંધ થઈ ગઈ છે. મહિલા અને પુરુષ વેતન સમાનતા માટે કાર્યરત વિશેષજ્ઞો કહે છે કે, નોકરીમાં છટણીની સ્થિતિમાં સૌથી પહેલા મહિલાઓનો નંબર આવે છે. બાળકોની સાર-સંભાળના સેન્ટર બંધ થવાથી મોટી સંખ્યામાં મહિલાઓને કામ છોડવું પડે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓની આવક પણ ઓછી હોય છે.
પરિવારમાં જો કોઈને નોકરી છોડવાની સ્થિતિ બને છે તો ઓછી આવકને કારણે માતાએ ઘરે બેસવું પડે છે. જેરૂસલેમની શ્વિતા સ્કિબિન્સ્કી રસ્કિને કહ્યું કે, જ્યારે સ્કૂલ અને કેર સેન્ટર બંધ થયા તો તેણે કામ છોડવું પડ્યું છે. લોકડાઉનમાં કમાણી ન હોવાથી આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter