ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસે ભારત સહિત અનેક દેશોમાં પગપસારો કર્યો છે. આ અંગે અનેક રિસર્ચ થઈ રહ્યાં છે ત્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. આમ તો પુરુષો અને મહિલાઓ બંનેને કોરોના વાઈરસે પોતાનો શિકાર બનાવ્યો છે, પરંતુ અનેક પડકારો સામનો કરવામાં સ્ત્રીઓ આ વાઈરસનો સામનો કરવામાં અવ્વલ સાબિત થઈ છે.
કોરોના વાઈરસ અંગે ‘ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શ’ દ્વારા કરાવામાં આવેલાં એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. આ રિસર્ચ મુજબ, આ વાઈરસ સામે લડવા મામલે મહિલાઓની રોગ પ્રતિકારક શક્તિ શ્રેષ્ઠ સાબિત થઈ છે. કોરોના વાઈરસ સામે લડવામાં મહિલાઓ પુરુષો કરતાં કઈ રીતે આગળ છે તે જાણવા માટે આ વાઈરસથી પ્રભાવિત પુરુષો અને મહિલાઓના કેટલાક ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તે મુજબ પુરુષોનો મૃત્યુદર ૨.૮ ટકા છે જ્યારે મહિલાઓનો મૃત્યુદર ૧.૭ ટકા છે.
સેર્સ સામે લડવામાં પણ મહિલાઓ આગળ હતી
મહામારીઓથી લડવા મામલે મહિલાઓ અને તેમની રોગ પ્રતિકારક શક્તિ હંમેશાથી જ શ્રેષ્ઠ રહી છે. વર્ષ ૨૦૦૩માં હોંગકોંગમાં સિવિઅર એક્યૂટ રેસ્પિટેરટી સિન્ડ્રોમ વાઈરસના ફેલાવા દરમિયાન પણ કેટલાક તથ્યો સામે આવ્યાં હતાં. જ્યારે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ - મેર્સ ફેલાયો હતો, ત્યારે પણ પ્રભાવિતોમાંથી ૩૨ ટકા પુરુષો અને ૨૬ ટકા મહિલાઓ મૃત્યુ પામી હતી.
વર્ષ ૧૯૧૮માં ફેલાયેલા ઈન્ફ્લુએન્જા મહામારીના દોરથી મહિલાઓની ઈમ્યૂન સિસ્ટમ શ્રેષ્ઠ સાબિત થઇ રહી છે. જોન હોપ્કિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વૈજ્ઞાનિક સાબરા ક્લાઈનના જણાવ્યા અનુસાર, શ્વસનતંત્ર પર થતાં વાઈરલ ઈન્ફેક્શન મામલે આ વાત વારંવાર સામે આવી છે.