વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોવિડ-૧૯ના વેક્સિનેશનનું કામ જોરશોરથી ચાલુ છે ત્યારે તેની સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય છે. મહિલાઓના મનમાં એક પ્રશ્ન છે કે, વેક્સિનથી તેમના માસિક ધર્મ પર અસર થવાની શક્યતા છે કે કેમ? આમ તો હજુ આ બાબત જાણી શકાઈ નથી, પણ રિસર્ચર્સે આ મુદ્દે અભ્યાસ શરૂ કરી દીધો છે. વેક્સિનનો હેતુ રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવવાનો છે. જોકે, કેટલાક નિષ્ણાતો વેક્સિનથી મહિલાઓના માસિક ધર્મની સાઇકલ કામચલાઉ ધોરણે અનિયમિત બની શકે કે નહીં એ દિશામાં સંશોધન કરી રહ્યા છે.
અત્યાર સુધી મહિલાઓને રક્તસ્ત્રાવ અનિયમિત થતો હોવાના અહેવાલ હોય તો પણ તે આકસ્મિક હોઈ શકે. વેક્સિન સાથે તેને જોડવાનું ઘણું વહેલું છે કારણ કે તણાવ, ભોજન અને કસરતની આદતો પણ અનિયમિત માસિક માટે જવાબદાર હોઈ શકે. વેક્સિન અપાયા પછી મહિલાઓમાં માસિક ધર્મની સાઇકલમાં ફેરફારનો હજુ સુધી પૂરતો ડેટા મળ્યો નથી. વૈજ્ઞાનિકો વેક્સિન અને માસિક ધર્મમાં ટૂંકા ગાળાના ફેરફાર વચ્ચેનો સંબંધો શોધી કાઢે તો પણ તેના લીધે વેક્સિન લેવાનું ટાળવું જોઇએ નહીં. યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના પ્રોફેસર અને સ્ત્રી રોગ નિષ્ણાત ડો. મેરી જેન મિનકિને જણાવ્યું હતું કે, ‘એકાદ વખત માસિક ધર્મની સાઇકલમાં ફેરફારની તુલનામાં વેક્સિન લેવાના લાભ ઘણા વધારે છે.’
રિસર્ચર્સે તાજેતરમાં આ મુદ્દે માહિતી એકત્ર કરવા સર્વે શરૂ કર્યો છે. તેના તારણથી એવી ખબર નહીં પડે કે કોવિડની વેક્સિન અને માસિક ધર્મની સાઇકલમાં ફેરફાર વચ્ચે કોઈ સંબંધ છે, પણ રિસર્ચર કેથરીન લીના જણાવ્યા અનુસાર આ તારણ વધુ ઊંડાણપૂર્વકના રિસર્ચ માટે દિશા આપવામાં મદદ કરશે.
સાન ફ્રાન્સિસ્કોના બે એરિયાના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. જેન ગંટરે જણાવ્યું હતું કે, ‘માસિક ધર્મ સાથે જોડાયેલી ગર્ભાશયની લાઇનિંગમાં રોગપ્રતિકારક શક્તિ માટેના કોષો હોય છે. આ કોષો ગર્ભાશયને રક્ષણ આપે છે એટલે બંને વચ્ચે સંબંધ શક્ય છે.’ જોકે, કોવિડ સહિતની કોઇ પણ વેક્સિન ફર્ટિલિટીને અસર કરતી હોવાના કોઈ પુરાવા નથી એવી માહિતી યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એન્ડ ધ અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સે આપી હતી.