તેલ અવીવઃ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ હિંમતવાળી હોય છે અને તેમનામાં શરીરને નુકસાનકારક બહારના જીવ સામે લડવાની ક્ષમતા પણ વધુ હોય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં પણ આ વાત સાબિત થઇ છે. આ અભ્યાસના તારણ અનુસાર, જે મહિલાઓએ કોરોના વેક્સિન લીધી છે તેમની અંદર વેક્સિન લઇ ચુકેલા પુરુષોની તુલનામાં વધુ એન્ટીબોડી બને છે. ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિકલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, મહિલાઓના શરીરમાં પુરુષોની તુલનામાં આંતરિક સુરક્ષાનું સ્તર ઊંચું હોય છે. ઇઝરાયલમાં ૪૮૦૦ હેલ્થકેર પ્રોફેશનલ્સ પર કરવામાં આવેલાં પરીક્ષણમાં આ વાત સામે આવી છે. આ તમામને ફાઇઝર-બાયોએન્ટેકની વેક્સિન અપાઇ હતી.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ૬૫ વર્ષ કે તેનાથી વધુ વયની મહિલાઓમાં એન્ટીબોડી વધુ માત્રામાં બને છે. ૬૫ની વય વટાવી ગયેલા પુરુષોમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડીનું સ્તર ૩૭ ટકા જોવા મળ્યું હતું, તો મહિલાઓમાં એન્ટીબોડીનું સ્તર ૪૬ ટકા જોવા મળ્યું છે. વેક્સિનની સાઇડ ઇફેક્ટ પર વધુ એક સ્ટડીનું નેતૃત્વ કરનારા એપિડેમોલોજિસ્ટ જુલિયન ગી કહે છે કે, મહિલાઓમાં સામાન્ય રીતે મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમ હોય છે. તેમનું એન્ટીબોડીનું સ્તર ઊચું હોવાની સાથે-સાથે રોગપ્રતિકાર ક્ષમતામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ટી-સેલ્સ વધુ સક્રિય હોય છે.