કોરોનાકાળની આડઅસર

ટીનેજર્સ તણાવ, ચિંતાની સાથે ઇટિંગ ડિસઓર્ડરનો ભોગ બની

Wednesday 02nd March 2022 06:53 EST
 
 

ન્યૂ યોર્ક:કોરોના મહામારીની એક યા બીજા પ્રકારે અનેક આડઅસર જોવા મળી રહી છે, તેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. એક સંશોધન અભ્યાસના તારણ અનુસાર, ૧૦થી ૧૯ વર્ષના વયજૂથની ટીનેજર્સની શારીરિક-માનસિક સ્થિતિ પર પણ કોરોનાની આડઅસર જોવા મળી છે. કોવિડની અસરોથી આ વયજૂથની કિશોરીઓમાં ખાનપાનની આદતો બદલાવા ઉપરાંત તેઓ ગભરાટ, તણાવ અને ચિંતાનો પણ શિકાર બની છે. યુવતીઓમાં ટિકટોક ડિસઓર્ડરનું પ્રમાણ પણ વધ્યું છે.
બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ વિશેષજ્ઞ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલનાં ટીચર એમિલી પ્લૂહરના મતે, મહામારીના સમય દરમિયાન કેટલીય ટીનેજર્સે એકલતાની સાથે સાથે સમાજથી સંપર્ક તૂટી ગયા હોવાનું મહેસૂસ કર્યું હતું. જોકે કેટલીક ટીનેજર્સે ખુદના વ્યવહારો પર નિયંત્રણો રાખવાની કોશિશ પણ કરી હતી. અભ્યાસમાં માલૂમ પડ્યું કે, ટીનેજર્સની ખાનપાનની આદતો નિયંત્રણથી બહાર થઇ હતી.ટીનેજર્સમાં ઇટિંગ ડિસઓર્ડરનું પ્રમાણ બે ગણું જોવા મળ્યું. કેટલાક લોકોની દિનચર્યા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. માનસિક તણાવ તેમજ ખાનપાનની ઉપલબ્ધતાને કારણે આદતો બદલાઇ ગઇ છે.
સ્ટડી રિપોર્ટ અનુસાર, ટિકટોક ડિસઓર્ડરને કારણે ટીનેજર્સમાં મોબાઇલમાં લાંબા સમય સુધી ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક્સેસ કરવાની આદત વધી છે. આ પ્રકારનો ડિસઓર્ડર સામાન્યપણે યુવકોમાં વધુ જોવા મળતો હોય છે. મહામારીના સમયમાં ટીનેજર્સ ટિકટોક પર વધુ સમય વ્યતીત કરતી હોવાથી તેમના માનસિક સ્વાસ્થ્યને વિપરિત અસર થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter