નવી દિલ્હીઃ કોરોના સંકટે વિશ્વમાં ભરડો લીધો છે. આ સંકટના કારણે દર્દીઓ શરીર સંબંધી પીડા તો ભોગવે જ છે, પણ વિશ્વભરમાં લોકો આર્થિક, સામાજિક, માનસિક યાતનાનો શિકાર પણ બની રહ્યાં છે. કોરોનાના કારણે દુનિયામાં ૫૦ ટકા મહિલાઓ નોકરી ગુમાવી બેઠી હોવાના રિપોર્ટ છે. કોરોના મહામારીને લીધે વૈશ્વિક સ્તરે કામકાજી મહિલાઓની સ્થિતિ દયનીય થઈ હોવાનો અહેવાલ છે. નોકરીઓમાં તેમની ભાગીદારી ઝડપથી ઘટી છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના વર્લ્ડ વુમન ૨૦૨૦ રિપોર્ટમાં આ વાત કહી છે. યુએનએ આ રિપોર્ટમાં મહિલા અધિકારીઓની ધીમી પ્રગતિ પર ચિંતા વ્યક્ત કરી છે. મહામારી અને આર્થિક મંદીને કારણે મહિલા અધિકારીઓને પ્રાપ્ત કરવાની ઝડપ ધીમી પડવા અંગે પણ ચેતવણી ઉચ્ચારાઈ છે.
તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ દુનિયાએ મહિલા અધિકારો અને તેમના આર્થિક સશક્તિકરણ મામલે સામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રોજગાર અને ઘરેલુ હિંસા મામલે ૨૫ વર્ષ પહેલાં જારી રિપોર્ટની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર કે સુધારો થયો નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું કે, ૨૫ વર્ષ પહેલાં બિજિંગ ઘોષણાપત્ર અને પ્લેટફોર્મ ફોર એક્શન પસાર કરાયો હતો. તેના પછીથી મહિલાઓ માટે સમાન શક્તિઓ અને સમાન અધિકારોની દિશામાં પ્રગતિ લક્ષ્યથી દૂર રહી છે. કોઈ પણ દેશ લૈંગિક સમાનતા પ્રાપ્ત કરી શક્યો નથી. આ દિશામાં જે પણ લાભ મળ્યા છે તેને કોરોના સંકટ ખતમ કરી શકે છે. ચેપની સામે ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે ૭૦ ટકા મહિલાઓ કામ કરી રહી છે.
યુએનના સોશિયલ એન્ડ જેન્ડર સ્ટેટેસ્ટિશિયન ફ્રાન્સેસ્કા ગ્રમે કહ્યું કે મહિલાઓ ચેપગ્રસ્ત થવા માટે વધુ જોખમમાં છે. તે મહામારી સામે લડવામાં અગ્રિમ મોરચે તહેનાત છે.