જાકાર્તાઃ કોરોનાના સંકટ કાળમાં પણ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર બે બહેનો પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરતી જોવા મળે છે. તેની સાથે મોટી સંખ્યામાં સ્કૂલના યુવાઓ અને બાળકો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરે છે. આ બે બહેનોનાં નામ મેલાતી અને ઈસાબેલ વિઝસેન છે. મેલાતી કહે છે કે ચોમાસાની સિઝન આવતાં જ અહીં સમુદ્ર કિનારે ખૂબ જ પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ જાય છે. આ વખતે કોરોના વાઈરસના કારણે આ સમસ્યા વધુ ગંભીર થઇ ગઈ છે. ઘરે રહેવાના નિર્દેશો અને ડિસ્ટન્સિંગ દરમિયાન આ કામમાં સક્રિય રહેવું મુશ્કેલ રહ્યું, પણ જો અમે કામ અટકાવી દીધું હોત તો વર્ષોની મહેનત એળે જતી રહી હોત. કોરોનાના લીધે સુરક્ષાથી માંડીને પેકેજિંગ સુધી દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. એવામાં આપણે વધારે મહેનત કરવાની જરૂર છે. હાલના દિવસોમાં લોકોની અવર-જવર ઓછી છે એટલા માટે પ્લાસ્ટિકના કચરાને દૂર કરવાનું કામ સારી રીતે કરી શકાશે.
ઈસાબેલ કહે છે કે કોરોનાના લીધે લોકડાઉનથી પર્યાવરણને ફાયદો થયો છે. બંને બહેનો સરકાર અને લોકોને અપીલ કરે છે કે જેવી લડાઈ વાઇરસ વિરુદ્ધ લડાઈ રહી છે, એવી જ રીતે ક્લાઈમેટ ચેન્જ માટે પણ પ્રયાસો કરવા જોઈએ. સરકારોએ પર્યાવરણ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. તેમણે પૂછ્યું કે સરકાર શું આટલો સાહસ બતાવી શકશે? કોરોનાના માધ્યમથી પ્રકૃતિએ સાવચેત થવાનો સંકેત આપી દીધો છે, આપણે તેને સમજીને પગલાં ભરવા જ પડશે.