કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પુજા મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ફરી એક વખત અહીંની સેક્સ વર્કર્સ સમાચારમાં છે. તેઓ પહેલી વખત પોતાનાં પોસ્ટર્સ સાથે દુર્ગા પંડાલનો પ્રચાર કરી રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં આશરે 1.30 લાખ સેક્સ વર્કર્સ છે. તે પૈકી 16 હજાર તો માત્ર કોલકતાના સોનાગાચી રેડલાઇટ એરિયામાં રહે છે. 300 વર્ષ પહેલાં જ્યારે કોલકાતાનો જન્મ થયો ત્યારથી સોનાગાચીનું અસ્તિસ્વ છે, અને બંગાળી પરંપરા અનુસાર તેમના ઘરની માટી વડે જ દુર્ગા પ્રતિમાનું નિર્માણ થાય છે. જોકે અફસોસની બાબત એ છે કે હજુ હમણાં સુધી આ સેક્સ વર્ક્સને દુર્ગા પૂજાનો અધિકાર નહોતો. લાંબા કાનૂની જંગ બાદ દસ વર્ષ પૂર્વે જ તેમને આ અધિકાર મેળવ્યો છે.
સેક્સ વર્કર્સ સાથે જોડાયેલી દુર્બાર મહિલા સમન્વય સમિતિનાં અધ્યક્ષ 50 વર્ષીય મરઝીના બીબી કહે છે કે અમને વર્ષો સુધી સમાજ તરફથી ઘૃણાની નજરથી જોવામાં આવ્યાં છે, પરંતુ પૂજાના અધિકારો માટેની લડાઇથી અમે પીછેહટ માટે તૈયાર ન હતાં. ‘આમાદેર અધિકાર, દુર્ગાપીજોર અધિકાર’ એટલે કે અમારો અધિકાર - દુર્ગા પૂજાનો અધિકાર. આ સ્લોગન સાથે અમે હાઇ કોર્ટ સુધી કાયદાકીય લડાઇ લડ્યાં અને જીત પણ મેળવી.
ચહેરા છુપાવવો નથી...
દુર્બાર સમિતિની સભ્ય 57 વર્ષીય ભારતી કહે છે કે પ્રથમ વખત અમે પોસ્ટરમાં માતા દુર્ગાની સાથે અમારી પોતાની તસવીરો લગાવી છે. આના પર લખાયું છે કે ‘આમાદેર પૂજો, આમરાઇ મુખ,’ એટલે કે અમારી પૂજા, અમારો જ ચહેરો. આ પોસ્ટર સમગ્ર કોલકાતામાં લગાવવામાં આવ્યાં છે. હવે અમે સેક્સ વર્કર્સ પોતાના ચહેરાને છુપાવવા માંગતા નથી કારણ કે પ્રોફેશનને લઇને કોઇ શરમ નથી.