આઉટફિટ ઇન્ડિયન હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય કે પછી પરંપરાગત ટ્રેડિશનલ હોય દરેકમાં કોલ્ડ શોલ્ડર સ્લિવ શોભે છે. સામાન્ય રીતે કેટલાંક કપડાં ફેશન વર્લ્ડમાં કે માત્ર ફેશન શોના રેમ્પ પર જ પહેરી શકાય. રોજિંદા જીવનમાં એ કપડાં કેરી કરવામાં અઘરાં હોય છે એટલું જ નહીં, ફેશનેબલ કપડાં પહેરવા ઇચ્છતી સામાન્ય યુવતીઓ માટે પણ એ પહેરવાં શક્ય નથી હોતાં જોકે કોલ્ડ શોલ્ડર સ્લિવ્ઝ કોઈ પણ યુવતી કે મહિલા કોઈ પણ પ્રસંગે આસાનીથી પહેરી શકે છે એ પણ કોઈ જ સંકોચ વિના.
કોલ્ડ શોલ્ડરનો પ્રકાર
કોલ્ડ શોલ્ડર એ એ એક પ્રકારની બાંય છે. આ પ્રકારની સ્લિવમાં શોલ્ડર ઉપર નાનો કે મોટો કોઈ પણ પ્રકારનો કટ હોય છે. આ કટનો આકાર આઉટફિટને શોભે એવો રાખી શકાય છે. કોલ્ડ શોલ્ડરમાં ખભો ખુલ્લો રહે છે. ભલે આખી બાંય કોઈ પણ પ્રકારની હોય. ડ્રેસ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન, આખી, પોણિયા, બંગડી, ફુગ્ગી, ઝૂલવાળી બાંય ગમે તે હોય કોલ્ડ શોલ્ડર સ્લિવ દરેકમાં બંધ બેસે છે. ડ્રેસનું ગળું પણ બંધ હોય કે કોઈ પણ પ્રકારનું હોય. એ બધામાં તમારો શોલ્ડરનો પાર્ટ ખુલ્લો હોય છે તે સુંદર અને હોટ લાગે છે.
ના ઉમ્ર કી સીમા
તમે પચીસનાં હો કે સિક્સટી પ્લસ આ સ્લીવની એક જાદુઈ કમાલ એ છે કે દરેક વયની મહિલાને એ સૂટ કરે છે. બંધ ગળા અને ફુલ સ્લીવ સાથે પણ તમે બોડીના એક પાર્ટને ઓપન રાખી શકો છો. સામાન્ય રીતે દરેકનો શોલ્ડરનો ભાગ સુંદર જ હોય છે અને તમે તમારા એ પાર્ટને એક્સપોઝ કરી પણ શકો છો તે અશ્લિલ પણ લાગતું નથી.
કોલ્ડ શોલ્ડર માત્ર વેસ્ટર્ન નહીં ઇન્ડિયન ટ્રેડિશનલ વેરમાં પણ પ્રખ્યાત બની રહી છે. ફેશન-ડિઝાઇનર્સના મતે, ટ્રેડિશનલ વેડિંગ-વેરમાં પણ આ સ્લિવ ચાલે છે. બ્લાઉઝ, ચણિયાચોળી, અનારકલી, કુરતી, ગાઉન, ટોપ્સ, ક્રોપ ટોપ્સ સહિત લગભગ દરેક પ્રકારના ડ્રેસિસમાં આજકાલ આ સ્લિવ ચાલે છે. ફુલ સ્લિવનું બ્લાઉઝ પણ એમ્બ્રોયડરી કે ખાસ પ્રકારના ભરતકામ સાથે કોલ્ડ શોલ્ડર કરી શકાય છે. દુલ્હનના લહેંગામાં પણ આ સ્લિવ થાય છે અને જીન્સ પરનાં ટોપ્સ ટ્યુનિકમાં પણ એ હોય છે. આમ બધા જ પ્રકારના અને દરેક ઉંમરની સ્ત્રીઓ પહેરી શકતી હોવાથી આ સ્લિવ દરેકની માનીતી થઈ રહી છે.
ડિફરન્ટ સ્ટાઇલ
કટ સ્લીવ વિથ સ્લિવ ઓફ શોલ્ડર, હોલ્ટર, સ્પગેટી કટ વગેરે કોલ્ડ શોલ્ડર સ્લિવના જુદા-જુદા પ્રકારો છે. મૂળે આ બધામાં એવી સ્લિવ છે જેમાં શોલ્ડરનો પાર્ટ ખુલ્લો રહે છે. શોલ્ડર પરની કટ નાની-મોટી સાઇઝમાં હોઈ શકે છે. એમાં જેવી જેની પસંદ. એ જ રીતે કટ ઊભી કે આડી તમારે કઈ રીતે રાખવી છે એ પણ પસંદગીની વાત છે. જેકેટમાં પણ આ સ્લીવ છોકરીઓ પહેરે છે. શર્ટ, ટી-શર્ટ, પાર્ટીવેર અને કેઝ્યુઅલ, કોઈ પણ ડ્રેસમાં તમે આ સ્લિવ કરાવી શકો છો.
એઈટીઝનો ટ્રેન્ડ
આ સ્લિવનો પ્રકાર નવો નથી. ૮૦થી ૯૦ના દાયકામાં આ પ્રકારની સ્લિવ પહેરાતી જ હતી ફેશન ડિઝાઈનર્સના મતે, ‘પહેલાં કોલ્ડ શોલ્ડરમાં કટ થોડાં ઓછાં રહેતાં હતાં. અત્યારે તેમાં ઇનોવેશન વધુ છે. તમને યાદ હોય તો ‘જમાઈરાજા’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે આ પ્રકારની બાંયો પહેરી જ હતી.
ધ્યાન રાખવું
આ સ્લિવમાં હાથ કવર રહેશે, પણ શોલ્ડર ઓપન રહેતા હોવાથી આ સ્લિવ પર્હેયા પછી તમને સ્લિવ નીચે ઉતરી જવાનો ડર જો લાગતો રહેશે તો આ પ્રકારની સ્લિવનું ફિટિંગ પરફેક્ટલી ચેક કરીને આઉટફિટ પહેરવાં. તમારે કોન્ફિડન્ટ રહેવું હોય તો કટનો પ્રકાર એવો રખાવો કે તમે બેફિકર રહી શકો.